Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

બોગસ ડોકટર ધનજીને ખબર ન પડતી છતાં એકસ રે અને લોહીના રિપોર્ટ કરાવડાવતોઃ ભાઇને કમ્પાઉન્ડર રાખ્યો'તો

૧૦ ચોપડી ભણ્યો, નર્સિંગનો અભ્યાસ અધૂરો મુકયો પછી કુવાડવાના ચાંચડીયામાં સોમનાથ કલીનિક ખોલીને બેસી ગયો'તો : દોઢેક વર્ષથી કરતો હતો પ્રેકટીસઃ મોટે ભાગે દવાઓ, ઇન્જેકશન, બાટલા ચડાવી સારવાર કરતોઃ ભીંસ પડે એવું હોય તો દર્દીને કુવાડવા રીફર કરી દેતોઃ રૂ. ૩૦ થી માંડી ૩૦૦ સુધીની ફીઃ ઘરે વિઝીટનો એકસ્ટ્રા ચાર્જઃ દવાઓ-બાટલા સહિત ૨૭ ચીજવસ્તુ કબ્જે કરાઇ : ક્રાઇમ બ્રાંચે વધુ એક નકલી ડોકટરને દબોચ્યો : ઝેરના પારખા ન હોય, આ એવા દર્દીઓ ઉપર પણ અખતરા કરી લેતો! : દવાઓ આપી જનારા એમ. આર. તેમજ લેબોરેટરી સંચાલકના પણ પોલીસ નિવેદનો નોંધશે : હેડકોન્સ. રઘુભા વાળા, રાજેશભાઇ બાળા અને શકિતસિંહની વધુ એક બાતમીઃ પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાની ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૭: કોરોનાકાળમાં નકલી ડોકટરોને દબોચી લેવાની કામગીરી શહેર પોલીસે સતત અવિરત રાખી છે. સામાન્ય રીતે જે કામ આરોગ્ય વિભાગને કરવાનું હોય છે એ રાજકોટ શહેર પોલીસ કરી રહી છે. અત્યાર સુધીમાં એટલે કે નવ મહિનામાં જ નવથી વધુ નકલી ડોકટરોને પોલીસે શોધી કાઢી 'કાયદાકીય સારવાર' કરી છે.  પણ આમ છતાં નકલી ડોકટરોએ દર્દીઓની જિંદગી સાથે ચેડા ચાલુ જ રાખ્યા છે. બે દિવસ પહેલા માનસરોવર સોસાયટીમાંથી નકલી ડોકટર પકડી લેનાર ક્રાઇમ બ્રાંચની ટીમે વધુ એક આવો ડીગ્રી વગરનો ડોકટર કુવાડવાના ચાંચડીયા ગામેથી પકડયો છે. ૧૦ ચોપડી પાસ એવો જસદણના રાણીંગપરનો ધનજી માવજીભાઇ સોરાણી (ઉ.વ.૨૫) સોમનાથ કિલનીક નામે દોઢ વર્ષથી દવાખાનુ ધમધમાવતો હતો. પોતે સાચો ડોકટર છે એવી છાપ ઉભી કરવા ખબર ન પડતી હોવા છતાં દર્દીઓને એકસ-રે કરાવવા અને લોહી સહિતની લેબોરેટરી કરાવવા ચિઠ્ઠી લખી આપતો હતો અને બાદમાં ભીંસ પડે તો દર્દીને રીફર કરી દેતો હતો.

ચાંચડીયા ગામે સોમનાથ કિલનીક ચલાવતો ધનજી સોરાણી ડીગ્રી વગર તબિબી પ્રેકટીસ કરતો હોવાની ચોક્કસ બાતમી ડીસીબીના હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, રાજેશભાઇ બાળા અને કોન્સ. શકિતસિંહ ગોહિલને મળતાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા અને ટીમે ત્યાં પહોંચી તપાસ કરતાં ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવેલો શખ્સ જોવા મળ્યો હતો. પોલીસે તેને ઓળખ આપી ડીગ્રી માંગતા ગેંગેં-ફેંફેં થઇ ગયો હતો અને કોઇ ડીગ્રી નહિ હોવાનું કહેતાં આઇપીસી ૪૧૯, મેડિકલ પ્રેકટીશનર એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. અલગ-અલગ પ્રકારની દવાઓ, બાટલાઓ, ઇન્જેકશન સહિત રૂ. ૧૫૮૩૦ની ૨૭ ચીજવસ્તુઓ કબ્જે કરવામાં આવી હતી.

ધનજીએ કહ્યું હતું કે પોતે દસ ચોપડી ભણ્યા પછી નર્સિંગના અભ્યાસમાં જોડાયો હતો. એ ભણતર પણ અધુરૂ મુકી દીધું હતું. ચાંચડીયા તથા આસપાસના બીજા ત્રણ ગામમાં કોઇ ડોકટર ન હોઇ પોતાને પૈસાની જરૂર હોઇ દોઢેક વર્ષ પહેલા અહિ દવાખાનુ ચાલુ કરી દીધું હતું. નર્સિંગનો અભ્યાસ હોઇ તેના આધારે શરદી-ઉધરસ-તાવમાં રૂટીન દવાઓ આપી દેતો હતો. તેમજ કોઇને નબળાઇ જણાય તો બાટલો ચડાવી દેતો હતો. રૂ. ૩૦ થી માંડી ૩૦૦ સુધીની ફી વસુલતો હતો. દવાખાનામાં પોતાના જ ભાઇને કમ્પાઉન્ડર તરીકે રાખ્યો હતો. જેથી કરીને પોતે નકલી ડોકટર છે તેની કોઇને ગંધ ન આવે.

પીએસઆઇ ધાંધલ્યાએ જણાવ્યા મુજબ ધનજી અમુક કેસમાં તો દર્દીઓને એકસ-રે કઢાવવા પણ મોકલતો હતો. પોતાને કંઇ ખબર પડતી ન હોવા છતાં એકસ-રે જોઇ લેતો અને સામાન્ય પગ મચકોડાયા હોય કે કમરમાં દુઃખાવા હોય તો રૂટીન દુઃખાવાની દવા આપી દેતો હતો. એ પછી પણ દર્દીને સારું ન થાય તો બીજા દવાખાને જવાનું કહી દેતો હતો. એટલુ જ નહિ ઝેરી દવા પીધેલા દર્દી આવે તો તેમાં પણ પોતે અખતરા કરી લેતો હતો. દર્દીની તબિયત વધુ ખરાબ જણાય તો તુરત કુવાડવા લઇ જવા કહી દેતો હતો.

પોલીસ આ કેસમાં દવાઓ આપી જનારા એમ.આર.નું તેમજ ધનજી લોહી-પેશાબના રિપોર્ટ કરાવવા પણ દર્દીઓને મોકલતો હોઇ લેબોરેટરી સંચાલકના પણ નિવેદનો નોંધશે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, સુભાષભાઇ ઘોઘારી, સિધ્ધરાજસિંહ, પ્રદિપસિંહ અને જેને બાતમી મળી એ ત્રણેય કર્મચારીએ આ કામગીરી કરી હતી.

(11:37 am IST)