Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

સમગ્ર દેશમાં હાલ વાહનોના વેચાણમાં અગાઉ જેવી વૃધ્ધિ અસંભવ...

ડીસેમ્બરમાં લગ્ન ગાળા બાદ ૧ માસના કમુર્તા વાહન વેચાણમાં વિલન બનશે : સરકાર ઇલેકટ્રીક વાહનો તથા બી/એસ-૬ માપદંડ મુજબના વાહનોનો આગ્રહ રાખે છે જેથી ગ્રાહકો નવી જ ટેકનીકના વાહનો ખરીદવા રાહ જોશે : વાહનોની કિંમતમાં ભારેખમ વધારો થયો છે મંદિની અસર હોવા છતાં ઉદ્યોગ પતિઓએ કદી વાહનની કિંમત ઘટાડી જ નથી !! : વાહનોનાં વિમામાં વિમા કું. દ્વારા અ...ધ...ધ.. વધારો પણ વાહન વેચાણમાં બાધારૂપ : અગાઉની સરખામણીમાં બેંક ફાઇનાન્સ કંપનીઓએ વ્યાજ દર વધારી વાહન લોન આપવામાં કડક વલણ અપનાવતા વેચાણને અસર થશે : ર૦ ટકા ડાઉન પેમેન્ટ સાથે ટુ વ્હીકલ -બાઇક લોનથી લેવામાં આવે તો હપ્તા ભર્યા બાદ તેની કિંમત ૮૦ થી ૯૦ હજાર પહોંચે છે જે સામાન્ય વર્ગ પરવડી શકે તેમ નથી : સામાન્ય વર્ગના લોકો હવે સેકન્ડ હેન્ડ ટુ વ્હીલર જે પ૦ ટકા ઓછા ભાવે (મુળ કિંમત કરતા) મળતા હોવાથી અમુક વર્ગ સેકન્ડ હેન્ડ ટુ વ્હીલર તરફ વળી રહ્યો છે

રાજકોટ તા. ૧૭  : દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી વાહનોનું વેચાણ ઘટી રહ્યું છે જેમાં પેસેન્જર વાહનો ખાનગી ફોર વ્હીલ ટ્રક-ટ્રેકટર  અને ટુ વ્હીલર સહિતના વાહનોનો સમાવેશ થાય છે. આ વાહનોના વેચાણ ઘટવાના કારણોનું અવલોકન કરતા વાહન વેચાણ ધરવા પાછળ સરકારની ભાવિ નીતિ કુદરતી આફતો જેવી સ્થિતિ અને ગ્રાહકોની બદલતી માનસીકતા જેવા અનેક કારણો જવાબદાર હોવાનું કહી શકાય તેમ છે.

સૌ પ્રથમ જોઇએ દેશમાં પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડવા અને પ્રદુષણ નિયંત્રણમાં રાખવા માટે સરકારે ઇલેકટ્રીક વાહનોનું નિર્માણ તેમજ પ્રદુષણ મુકત બીએસ/૬ મુજબના માપદંડના વાહનોનું ઉત્પાદન કરવા માટે ઉદ્યોગ ગૃહો સરકારના  આદેશ મુજબના વાહનોનું ઉત્પાદન કરવા ધીરેધીરે પોતાના પ્લાન્ટમાં જરૂરી ફેરફાર કરી રહ્યા છે. આથી લોકો નવા વાહનો ખરીદવા ઇચ્છે છે તેઓ હાલ થોભો અને રાહ જોવાની સ્થિતિમાં સેટ થયા છે અને પોતાના જુના વાહનોમાં થોડો ઘણો રીપેરીંગ ખર્ચ કરી ચલાવવા માંગે છે. આથી નવા વાહનો ખરીદીમાં ઓટ આવી છે તે સમજી શકાય તેમ છે.

આ ઉપરાંત દેશભરમાં તમામ પ્રકારના વાહનોના વેચાણ ઘટવાના કારણોમાં એક કુદરતી આફત પણ જવાબદાર ગણી શકાય દેશના ઘણા લોકો જાણે છે કે ચાલુ વર્ષે ઘણા રાજ્યોમાં ચોમાસુ મોડ ચાલુ થયા બાદ લગભગ નવેમ્બર માસ દિવાળી પછી પણ દેશના ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે પાંચથી આઠ દિવસ સુધી પુરની પરિસ્થિતિ સર્જાયેલ ઘણા રાજયોમાં પુરને કારણે લોકોની ઘરવખરી પણ તણાય જવા પામેલ આમ જુલાઇથી નવેમ્બર સુધી પુરની પરિસ્થિતિને કારણે હજારો પરિવારોને ટેન્શનયુકત વાતાવરણમાં રહેવુ પડેલ  હોય આવી સ્થિતિમાં કોઇએ વાહનો લેવાનો વિચાર પણ શુધ્ધાથી ન કર્યો ન હોય જેથી વાહનો વેચાણના ઘટાડામાં આ પરિબળ પણ જવાબદાર ગણી શકાય.

દેશમાં લગભગ  સને ૨૦૧૦ થી લઇને ૨૦૧૭ સુધી હરિફાઇને કારણે બેંકો અને ફાઇનાન્સ કંપનીઓએ ઓછા વ્યાજે અને ઓછા ડાઉનપેમેન્ટ સાથે ઉદારતાથી લોનની લહાણી કરી હતી. એટલે છેલ્લા ૭ વર્ષમાં વર્ષો વર્ષ ટુ- ફોર વ્હીલરોના વેચાણ વધતાજ જતા હતા. આ રીતે દેશમાં લાખો લોકોએ ઓછા વ્યાજની ઓછુ ડાઉન પેમેન્ટ ભરીને મોટા હપ્તાવાળી લોન આપ્યા પછી બેંક અને ફાઇનાન્સ કંપનીઓને સમયસર લોનની વસુલાત ન થતા હવે બેંક અને ફાઇનાન્સ કંપનીઓએ વ્યાજદર વધારી લોન આપવામાં પણ સજાગની (કડક) બનતા લોનનું પ્રમાણ ઘટવા સાથે હવે વાહનોનું વેંચાણ પણ ઘટે તે સ્વાભાવિક છે.

વાહનોનું વેચાણ છેલ્લા એકાદ વર્ષથી ઘટી રહ્યું છે. તેની પાછળ વાહનોની વધુ પડતી કિંમત પણ જવાબદાર ગણી શકાય.વાર તહેવાર ઉપર વાહનોની ખરીદી ઉપર કંપની આકર્ષક સ્કીમો સાથે રૂ. પાંચ હજારથી છુટ તથા વીમો પણ ફી આપતી હોય છે. આમ કંપનીઓ માત્ર સાતમ આઠમ દિવાળી જેવા તહેવારે કિમતોમાં છુટ આપે છે. પણ ખરેખર કાયમી ધોરણે   વાહનોની  વાસ્તવિક કિંમત ઘટાડતા નથી કે નિયમિત ડીસ્કાઉન્ટ જેવી છુટ આપતા નથી તે પણ એક મુખ્ય કારણ છે.

આપણે માત્ર ટુ- વ્હીલરની વાત કરીએ તો ટીવીએસ  જયુપીટર કે એકટીવા જેવા વાહનો તેમજ બાઇક કોઇ પણ કંપનીના હોય તેની કિંમત રૂ.૬૦૦૦/- થી જ ચાલુ થતી હોય જો કોઇ ૭૦ ટકા લોન લઇને પણ બાઇક ખરીદી તો લોનના પેમેન્ટની ગણતરી કરે તો ટુ -વ્હીલર અથવા બાઇક રૂ.૮૦,૦૦૦/- સુધીની કિંમત પડે છે. આથી  કિંમત ખરેખર વધુ કહેવાય. (મધ્યમ વર્ગના લોકોને પરવડે પણ નહિ.)

ખરેખર કંપનીઓએ વાર તહેવાર જ ડીસ્કાઉન્ટ આપવાને બદલે નિયમીત વ્યાજબી ભાવ ઘટાડો વાહનોની કિંમતમાં કરવો જોઇખે. અથવા નિયમીત ટુ-વ્હીલર બાઇકમાં પ થી ૭ હજાર અને ફોર વ્હીલર કારમાં રૂ. ૨૦ થી ૩૦ હજારનું ડીસ્કાઉન્ટ આપવું જોઇએ તો પણ ગ્રાહકો વાહન ખરીદવા આકર્ષાશે.

લોન ચુકવણીમાં ડીફોલ્ટ થતા બેંક- ફાયનાન્સ કંપનીએ પરત ખેંચેલા

દરેક કંપનીના ટનાટન ટુ વ્હીલર બાઇક માત્ર રૂ.૧૫થી ૩૦ હજારમાં મળતા હોય ગ્રાહકોની પ્રથમ પસંદગી બન્યા છેઃ આવી જ રીતે ફોર  વ્હીલર કાર પણ બે ત્રણ વર્ષ જુની ૩૦-૪૦ ટકા નીચા ભાવે મળે છે

રાજકોટ  તા. ૧૭ :  દેશમાં છેલ્લા કેટલાક સમયથી વાહનોનું વેચાણ ઘટવાના એક કારણમાં સેકન્ડ હેન્ડ ટુ વ્હીલર બાઇક બજારે   (બાઇક મેળા) એ કાઢયું છે. દેશના દરેક શહેરના મુખ્ય  ઓટો બ્રોકરો પાસેથી આપણે જોઇએ તેટલા કિ.મી. ચાલેલા ગમે તેવા કલરમાં ગમે તે કંપનીના ટુ વ્હીલર બાઇક સાવ નવા જેવા માત્ર ૧ થી ૩ વર્ષજ વપરાયેલા રૂા ૧૫ હજારથી લઇને ફકત ૩૦ હજાર સુધીમાં આરામથી મળી જાય છે.

લોન લીધા પછી સમયસર હપ્તા ન ભરનાર ગ્રાહકનું ટુ વ્હીલર બેંક અથવા ફાઇનાન્સ કંપની પરત લઇ, ઓટો બ્રોકર મારફત બજારમાં વેચવા મુકે છે, જેની વેચાણ કિંમત નવા વાહનની સરખામણીમાં ૫૦ થી ૬૦ ટકા ઓછી હોવાથી ઘણા શહેરોમાં મધ્યમ વર્ગીય લોકો બાઇક ખરીદવાની પ્રથમ પસંદગી સેકન્ડ હેન્ડ બાઇક પર ઉતારી રહયા છે.

 આજરીતે ખાનગી કારની વાત કરીએ તો માત્ર ૧૦ હજાર કિલો મીટર ચાલેલી સારી કંડીશનની ગાડીઓ પણ મુળ કિંમત કરતા ૪૦ ટકા નીચા ભાવે સેકન્ડ હેન્ડ ડાયરેકટ પાર્ટી અથવા કાર મેળા બજારમાંથી એટલે બ્રોકરો પાસેથી સરળતાથી મળી જાય છે. તેને કારણે પણ ફોર વ્હીલરના વેચાણ પર અસર પડી છે. અનેક લોકો ૫૦ ટકા ભાવમાં બે ત્રણ વર્ષ જુની પોતાની પસંદગીની કાર ગમતી હોય તો પ્રથમ પસંદગી તેના પર ઉતારે છે.

આ ઉપરાંત ફોર વ્હીલરમાં વીમાની રકમ પણ સારી એવી વધી જવાને કારણે સામાન્ય વર્ગના લોકોને ફોર વ્હીલર ખરીદયા બાદ તેનુંમેન્ટેનન્સ મોંઘુ પડતુ હોય લોકો ફોર વ્હીલર ખરીદવાથી દુર રહેવાનું પસંદ કરે છે.

:- સંકલન :-

કિશોર એન. કારિયા

મો.૯૮રપ૮ ૩૦૪૯૯

 

(10:29 am IST)