Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

બનવું'તું ડોકટર પણ બની ગયા ગાયકઃ ડાયરાથી લઇ દરિયાપારના દેશો સુધીની 'જીગરદાન-જીગરા ગઢવી'ની જબરદસ્ત રોચક કહાની

વાલમ આવો ને...મા મોગલ તારો આશરો...મોગલ આવે નવરાત રમવા...જેવા સુપરડુપર હિટ ગુજરાતી ગીતોથી યુવાધનને ડોલાવતાં નોખા-અનોખા ગાયક બન્યા 'અકિલા'ના અતિથિઃ 'અકિલા લાઇવ ન્યુઝ'માં ખીલી ઉઠ્યાઃ પ્રારંભે બેન્ડ શરૂ કર્યુઃ મોડર્ન સંગીત શીખ્યું-જાણ્યું: ગીટાર પર ચારણી સાહિત્યનો એક વિડીયો અજાણતા જ વાયરલ થયો અને જોતજોતામાં સચીન-જીગર તરફથી આમંત્રણ મળી ગયું: આ સંગીતકાર બેલડીએ મુંબઇ સીધા જ પોતાના સ્ટુડીયોમાં આવવા કહ્યું અને પહેલુ ગીત 'વાલમ આવો ને'મળ્યું: આ ગીત જેની ઓળખ બની ગઇ છે તેવા 'જીગરા'એ તેરે આને સે તથા પહેલી બાર જેવા હિન્દી ગીતો પણ આપ્યા છેઃ બોલીવૂડમાં પણ એન્ટ્રીઃ માતા ચારણી સાહિત્યના જાણકાર, પિતા મુકેશના ગીતો ગાવાના શોખીન...સંગીત જેને વારસામાં મળ્યું એ જીગરદાને ગીટાર સાથે મા મોગલનું ગીત ડાયરામાં પ્રથમ જ વખત રજૂ કર્યુ... : એ પછી સંગીત ક્ષેત્રે કારકિર્દીની ગાડી સડસડાટ આગળ વધી ગઇઃ કમનસિબે તેઓ પ્રથમ એવોર્ડ સમારોહમાં એવોર્ડ સ્વીકારવા હાજર રહી શકયા નહોતાં: મુલાકાત વચ્ચે એક પછી એક ગીતોની પંકિતઓ ગાઇ સોૈને ડોલાવી દીધાઃ ''બોલીવૂડમાં ચોક્કસ જવું છે, પણ એ માટે હું ગુજરાતી ગીતો ગાવાનું કદી નહિ છોડું, સંગીતમાં કારકિર્દી બનાવવા દેખાદેખી નહિ, લાગણીને જૂઓઃ તમે પોતે નવું શું આપી શકો છો તે ધ્યાનમાં રાખોઃ નવા ગીતોમાં આજના કલ્ચરની વાત હોય તે જરૂરી'': ગાયક, મ્યુઝિક કમ્પોઝર, સોંગ રાઇટર, પરફોર્મર, એકટર અને ડોકટર (ફિઝીયોથેરાપીસ્ટ)... 'બહુમુખી પ્રતિભા'ના ધણી જીગરદાન ગઢવીને સફળતામાં મિત્ર હાર્દિકભાઇ અને સંગીતકાર સચીન-જીગરનો અનન્ય સહકારઃ સોશિયલ મિડીયાનો ખૂબ સારો પણ થઇ શકે... આ માધ્યમથી જ જીગરદાનને ઓળખ મળી છે...

વાલમ આવો ને...જીગરદાનની જમાવટઃ ગુજરાતી સંગીતને નવું જ જોમ બક્ષનારા યુવાધનને ઘેલુ કરનારા ગુજરાતી ગાયક જીગરદાન ગઢવી કે જે જીગરાના નામે પણ યુવાઓમાં જાણીતા છે તે 'અકિલા'ના અતિથિ બન્યા હતાં અને 'અકિલા લાઇવ ન્યુઝ'માં મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, એકઝીકયુટિવ એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રા  સમક્ષ પોતાની રોચક કહાની વર્ણવી હતી. આ તકે  મુંબઇના જાણીતા ઉદ્યોગપતિ શ્રી નલિનભાઇ ગાંધી તથા વેબ એડિશનની કસુંબો કોલમના હિરેન સુબા તથા જીગરદાનની સફળતાના સાથી મિત્ર હાર્દિકભાઇ પણ ઉપસ્થિત રહ્યાં હતાં જે તસ્વીરોમાં જોઇ શકાય છે. જે તસ્વીરોમાં જોઇ શકાય છે.

રાજકોટ તા. ૧૭: સામાન્ય રીતે ડાયરામાં તબલા, મંજીરા, બેન્જો, હાર્મોનિયમ સહિતના ઇન્સ્ટ્રુમેન્ટ લઇને કલાકારો બેઠા હોય છે, પણ કોઇ જુવાનડો છોકરો ડાયરામાં ગીટાર સાથે જોવા મળે તો?...પહેલો સવાલ એ થાય કે મોડર્ન પાર્ટીઓમાં વગાડવામાં આવતાં ગીટાર સાથે કોઇ ડાયરામાં શું રજૂ કરશે?...આવું જ કંઇક થયું હતું યુવાહૈયાઓને ઘેલુ કરનારા અને ગુજરાતી સંગીતને નવું જોમ બક્ષનારા તેમજ ગુજરાતી ગીતોના અરીજીતસિંઘ ગણાતા 'વાલમ આવો ને...' જેવું જબરદસ્ત સુપરહિટ ગુજરાતી ગીત ગાનારા 'જીગરદાન ગઢવી' સાથે. આ ગુજરાતી ગાયક માત્ર ગાયક નથી. સંગીત કમ્પોઝર, ગીતના લેખક, પરફોર્મર અને એકટર તો છે જ, સાથો સાથ ડોકટર-ફિઝીયોથેરાપીસ્ટ પણ છે. ડાયરાના સ્ટેજથી આંતરરાષ્ટ્રીય ફલક સુધી પોતાની સફળતાનો ડંકો વગાડનારા જીગરદાનને અસંખ્ય ચાહકો 'જીગરા'ના હુલામણા નામથી પણ ઓળખે છે. 'અકિલા' કાર્યાલયના 'અતિથિ' બનેલા જીગરદાન ગઢવીએ પોતાની આ અનેરી સફરની રોચક વાતો વર્ણવી હતી તો સાથો સાથ પોતાના એક એકથી ચઢીયાતા ગીતોની પંકિતઓ ગાઇને સોૈને ડોલાવી દીધા હતાં.

શનિવારે સાંજે 'અકિલા લાઇવ ન્યુઝ'માં જીગરદાન ગઢવી જોડાયા હતાં. બગડાઇ પરિવારને ત્યાં પ્રસંગોપાત આવેલા જીગરદાન અકિલાના અતિથિ બની ખુબ ખીલ્યા હતાં. વાલમ આવો ને...ગીત તથા બીજા અનેક ગીતો થકી ગુજરાતી સંગીતમાં નવો પ્રાણ ફુંકી દેનારા જીગરદાન-જીગરાએ સંગીત ક્ષેત્રે કારકિર્દી કરી રીતે શરૂ કરી તેની વાત  જણાવતાં કહ્યું હતું કે-એવું કહેવાય છે કે ગઢવી હોય એટલે સંગીત વારસામાં મળતું હોય છે. મારા માતા ચારણી સાહિત્યની સરજ ગાતાં હતાં અને પિતા બોલીવૂડ ગાયક મુકેશજીના ગીતો ગાતાં હતાં. આ બંનેને જોઇ-સાંભળી મને આમ તો પહેલેથી જ સંગીત પ્રત્યે આકર્ષણ હતું અને આ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન મળતું હતું. પરંતુ મારે ડોકટર બનવું હતું અને એ માટેનો અભ્યાસ પણ શરૂ કરી દીધો હતો. ફર્સ્ટ-સેકન્ડ યર અને ફિઝીયોથેરાપીસ્ટ પણ પુરૂ કર્યુ પરંતુ પ્રેકટીસ ન કરી. કારણ તે ત્યારે એમ થયું કહે આપણે તો સંગીત માટે જ બન્યા છીએ. મનથી જે લાગણી થઇ એ તરફ જ વળી ગયો અને આગળ વધવાનો નિર્ણય કરી લીધો.

પ્રારંભે મેં અમદાવાદમાં પ્રોફશનલ ટર્મ્સ બેન્ડ શરૂ કર્યુ અને ત્યાં હું વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટનો સમજ્યો, શીખ્યો. પણ હું ડાયરાના કલ્ચરમાંથી આવતો હોઇ ત્યાંનું સંગીત ગળથુંથીમાં હતું. એ પછી મેં ગિટાર પર ચારણી સાહિત્યનો પ્રયોગ કર્યો અને તેનો વિડીયો અજાણતા જ સોશિયલ મિડીયા પર મુકાયો હતો, આ વિડીયો કોઇએ અજાણતા જ રેકોર્ડ કરી લીધો હતો. જે એવો વાયરલ થયો કે બધા શોધતા થઇ ગયા કે આ છોકરો કોણ છે, જેણે ગિટાર પર આવું સરસ સાહિત્ય રજુ કર્યુ? એ પછી મેં 'મોગલ આવે...' રજૂ કર્યુ અને સોૈને ખબર પડી કે આ જીગરદાન ગઢવી છે. સોશિયલ મિડીયા થકી આ વિડીયો એવો વાયરલ થયો કે સીધા જ મને બોલીવૂડની સુપરસ્ટાર સંગીત બેલડી  સચીન-જીગરે કોલ કર્યો અને કહ્યું કે તું ખુબ જ સારુ ગાય છે. તું મુંબઇ આવી સીધા જ પોતાના સ્ટુડિયો પર આવી જજે એવું કહ્યું હતું. એ પછી અમે બે-ત્રણ સોંગ કર્યા પણ એ વર્કઆઉટ ન થયા.

ત્યારબાદ ૨૦૧૭માં નિર્દેશક સંદિપ પટેલ ગુજરાતી ફિલ્મ 'લવની ભવાઇ' લાવ્યા હતાં. એ ફિલ્મ માટે તેમણે 'વાલમ આવો ને...' ગીત લીધું હતું. આ ગીત તેમને સચીન પાસે ગવડાવવું હતું. પરંતુ સચીને કહ્યું કે આ ગીત જીગરદાન પાસે ગવડાવવું છે. મને આ ગીત અપાતાં મેં એટલી બધી વખત સાંભળ્યું કે મને આત્મસાત થઇ ગયું. મેં ખુબ સાંભળ્યું પછી ગાવાનું નક્કી કર્યુ. ગીત ડબ થયું અને ફિલ્મમાં લેવાયું. પણ એ પહેલા આ ગીતની છેલ્લી ચાર લાઇન એવી છે જે મને અપાયેલા ગીતમાં નહોતી. સંદિપભાઇએ મને ટ્રેલર માટે વધારાની ચાર લાઇન આપવા કહેતાં મેં ફોન પર જ ચાર લાઇનો આપી હતી. જે સ્ટુડિયોમાં કમ્પોઝ થઇ ગઇ અને ઓન ધ સ્પોટ એ પંકિતઓ બનાવાઇ જે મુખ્ય ગીતમાં પણ લેવામાં આવી અને ગીત સુપરડુપર હિટ થઇ ગયું. જેમાં સોૈની મહેનત રંગ લાવી હતી.

સંગીતક્ષેત્રે કારકિર્દી બનાવવા મથતા યુવાનોને પ્રેરક સંદેશો આપતાં જીગરદાન ગઢવીએ કહ્યું હતું કે આજની પેઢી ખુબ જ ઝડપી ગઇ છે. પરંતુ પહેલા તો યુવાનોને એ સમજી લેવું જોઇએ કે રિયાલીટી અલગ છે અને સોશિયલ મિડીયા પણ અલગ છે. કોઇપણ ક્ષેત્રમાં કે સંગીતમાં આગળ વધતા પહેલા નક્કી કરી લેવું જોઇએ કે તેની લાગણી જે તે ફિલ્ડ માટે છે કે નહિ? એક ધગશ હોવી જરૂરી છે. જે ચાલે છે એ કરો એમ નહિ, પણ તમે પોતે શું નવું આપી શકો છો? એ પણ જરૂરી છે. સંગીત પ્રેમીઓને તમે શું નવું આપી શકો છો? એ સમજવું જરૂરી છે.

જીગરદાન ગઢવીએ એ પણ સ્પષ્ટ કહ્યું હતું કે મેં સંગીત ક્ષેત્રે મેં શરૂઆત હિન્દીથી જ કરી હતી, હિન્દી-ઉર્દુનું કોમ્બીનેશન મને ખુબ ગમે છે. હિન્દી ગીતો ગાવા એ માટે મારા પ્રયાસો છે જ, પરંતુ ગુજરાતી માતૃભાષા છે, મા-બાપ છે. ગુજરાતી ઘરમાં છે, દિલમાં છે. ગુજરાતી ગીતોને હું કદી છોડી શકીશ નહિ. નોંધનીય છે કે બોલીવૂડની એક ફિલ્મ પણ જીગરદાનને મળી છે. જેમાં તેણે ગીતો લખ્યા પણ છે અને ત્રણ ગીતો ગાયા પણ છે. આ ઉપરાંત તેરે આને સે...તથા પહેલી બાર...જેવા હિન્દી ગીતો પણ હિટ નીવડ્યા છે.

જીગરદાન ગઢવીએ 'મોગલ તારો આશરો...' ગીત વિશે પણ રોચક વિગતો જણાવી હતી. તેણે કહ્યું હતું કે આ ગીત મેં લખ્યું કમ્પોઝ કર્યુ અને પછી સોૈથી પહેલા ડાયરામાં ગિટાર સાથે  સોૈ પહેલા રજૂ કર્યુ હતું. ત્યારથી મોટા વર્ગમાં લોકો મને ઓળખતા થઇ ગયા હતાં. એ પછી મારી કારકિર્દીની ગાડી સડસડાટ આગળ વધી ગઇ હતી. લોકોને મારું ગીટાર સાથેનું ગીત 'મા મોગલ તારો આશરો...' ખુબ ગમ્યું અને મને વધાવી લીધો.

પોતાની સફળતા પાછળ ખાસ મિત્ર હાર્દિકભાઇ અને સંગીતકાર સચીન-જીગરનો પુરતો સહકાર હોવાનું જીગરદાન ગઢવીએ સ્વીકાર્યુ હતું અને કહ્યું હતું કે હાર્દિકભાઇએ મારા બધા વિડીયો બનાવ્યા છે. કોઇને પણ કોઇપણ ફિલ્ડમાં આગળ વધવું હોય તો એક વ્હેણની જરૂર હોય છે, આ વ્હેણ મને હાર્દિકભાઇએ આપ્યું છે. તો સચીન-જીગરનો ફાળો પણ ખુબ જ છે. આજે બધા સંગીતક્ષેત્રે આગળ વધવા સ્ટુડિયોના ધક્કા ખાતા હોય છે ત્યારે સચીન-જીગરે સીધો જ મને સ્ટુડિયોમાં બોલાવી લીધો.

ડાયરા કલ્ચરમાંથી આવેલા જીગરદાન ગઢવી આજે ગુજરાતના જબરદસ્ત ગાયક તરીકે આંતરરાષ્ટ્રીય ફલક પર નામના મેળવી ચુકયા છે. હજારો શો દેશ-વિદેશમાં કરી ચુકયા છે. વાલમ આવો ને...ગીત માટે ૨૦૧૭નો ટ્રાન્સમિડીયા એવોર્ડ પણ તેમને મળી ચુકયો છે. જો કે કમનસિબે તેઓ આ પ્રથમ એવોર્ડ સમારોહમાં હાજર રહી શકયા નહોતાં. પણ લાઇવ નિહાળતી વખતે જ્યારે પોતાને એવોર્ડ મળ્યો છે એ જાણ્યું ત્યારે રિતસર ખુશીથી ઉછળી પડ્યા હતાં. જીગરદાન ગઢવીએ છેલ્લે એ વાત પણ કરી હતી કે નવા ગીતો બને તેમાં કલ્ચરની વાત હોવી જરૂરી  છે, ગીતો વધુ સરળ ભાષામાં હોય તે જરૂરી છે. છેલ્લે જીગરદાન-જીગરાએ 'ધીમો વરસાદ' અને 'મોગલ આવે...નવરાત રમવા આવે' ગીત ગાઇને સોૈને ડોલાવી દીધા હતાં. જીગરદાન-જીગરાના નવા ગીતો પણ ધમાલ મચાવવા આવી રહ્યા છે. બોલીવૂડ તથા ગુજરાતી ફિલ્મોના પણ અનેક ગીતો ચાહકો સમક્ષ ટુંક સમયમાં જ આવી રહ્યા છે.

ખાસ મુલાકાતમાં પત્રકાર ભાવેશ કુકડીયા પણ જોડાયા હતાં.

બેન્ડનું નામ 'જીગરા' જ  ઉપનામ બની ગયું

જીગરદાન ગઢવીને તેના ચાહકો જીગરાના ઉપનામથી પણ ઓળખે છે. જીગરા નામ કઇ રીતે આવ્યું? તે અંગે જીગરદાન ગઢવીએ કહ્યું હતું કે પ્રારંભે મેં બેન્ડ ચાલુ કર્યુ ત્યારે બેન્ડ માટે અનેક નામો વિચારાયા હતાં. પરંતુ છેલ્લે મારા જ નામ પરથી મારા બેન્ડનું નામ 'જીગરા' રખાયું હતું. જે પાછળથી મારું ઉપનામ પણ બની ગયું.

(12:57 pm IST)