Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

ત્રંબામાં ચોરટાંઓ માટે મોકળુ મેદાનઃ એક મહિનામાં ત્રીજી વખત પગલા પાડ્યાઃ બે દૂકાન નિશાન બની

દૂકાન આસપાસના ડેલાઓના દરવાજા બહારથી બંધ કર્યા બાદ દૂકાનોમાં ઘુસ્યાઃ કંઇ ન મળતાં ચામુંડા હેર આર્ટમાંથી હિટર અને ગણેશ ડેરીમાંથી કેમેરાનું ડીવીઆર સમજીને સેટઅપ બોકસ ઉઠાવી ગયાઃ રાત્રે પોણા ત્રણ વાગ્યે બનાવઃ ૪ તસ્કર સીસીટીવીમાં કેદ થયા

રાજકોટ તા. ૧૭: કસ્તુરબાધામ ત્રંબામાં જાણે ચોરટાઓ માટે મોકળુ મેદાન હોય તેમ અવાર-નવાર પગલા પાડી જાય છે. છેલ્લા એક મહિનામાં ત્રીજી વખત દૂકાનોના તાળા તુટ્યા છે. મધરાતે પોણા ત્રણ વાગ્યે બે દૂકાનના શટર ઉંચકાવી ચાર તસ્કરોએ ખાખાખોળા કર્યા હતાં. પણ કોઇ મોટી મત્તા હાથ આવી નહોતી. આ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે.

જાણવા મળ્યા મુજબ ત્રંબામાં રાત્રીના પોણા ત્રણેક વાગ્યે ગામના પાદરમાં આવેલી ગણેશ ડેરી અને ચામુંડા હેર આર્ટ નામની દૂકાનોના શટર ઉંચકાવી ચાર તસ્કરોએ ખાખાખોળા કર્યા હતાં. પણ કંઇ ન મળતાં કેતનભાઇ ચનાભાઇ વાળંદની દૂકાનમાંથી હેર હિટર અને ગણેશ ડેરીમાંથી સીસીટીવી કેમેરાનું ડીવીઆર સમજીને ટીવીનું સેટઅપ બોકસ લઇ ગયા હતાં.

ચોરટાઓએ આ દૂકાનોમાં ત્રાટકતા પહેલા આસપાસના ઘરના ડેલાઓના આગળીયા બહારથી બંધ કરી દીધા હતાં. સવારે આ ઘરના રહેવાસીઓ ઉઠતાં બહારથી દરવાજા બંધ હોઇ દેકારો કરતાં લોકોએ દરવાજા ખોલ્યા હતાં. ગ્રામજનોના કહેવા મુજબ ગામમાં જાણે પોલીસનો ભય જ ન હોઇ એ રીતે અવાર-નવાર તસ્કરો પગલા પાડી જાય છે. કયારેક બંધ દૂકાનો તો કયારેક બંધ મકાનોમાં હાથફેરા થાય છે. થોડા દિવસો પહેલા ખેતરમાંથી કપાસની ભારીઓ ભરી જવામાં આવી હતી. તેનો ભેદ હજુ ખુલ્યો નથી ત્યાં ગત મધરાતે ચાર તસ્કરોએ બે દૂકાનને નિશાન બનાવી છે. પોલીસ નાઇટ પેટ્રોલીંગ વધારે તેવી ગ્રામજનોની માંગણી અને લાગણી છે. (૧૪.૧૦)

(11:32 am IST)