Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

રૈયા રોડ પર મનપાનો સપાટો : પતરા - છાપરાનો કડુસલો

કિશાનપરા ચોકથી રૈયા ગામ સુધી માર્જીન પાર્કિંગની જગ્યામાં દુકાનદારોએ કરેલા ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી : ટાઉન પ્લાનીંગ, જગ્યા રોકાણ, રોશની શાખા અને ફૂડ શાખા સંયુકત રીતે પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી

રાજકોટ તા. ૧૬: શહેરમાં ઇંડા - મટન સહિતની લારીઓના ગેરકાયદે દબાણો હટાવવામાં તંત્ર સફળ રહ્યા બાદ હવે શહેરના મુખ્યમાર્ગો ઉપર પાર્કિંગની સમસ્યા દુર કરવા દુકાનો તેમજ વ્યાપારી સંકુલોના માર્જીન - પાર્કિંગમાંથી છાપરાઓ - ઓટલા તથા કેબીનનાં દબાણો હટાવવાની ઝુંબશનો પ્રારંભ રૈયારોડ પરથી કરવામાં આવ્યો હતો. આજ સવારથી મનપાની ટાઉન પ્લાનીંગ શાખા, રોશની શાખા તેમજ ફુડ શાખા (ફુડ વિભાગ ખાણી-પીણીનું ચેકીંગ કરશે) સંયુકત રીતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શહેરનાં કિશાનપરા ચોકથી રૈયાગામ સુધીનાં છાપરા-ઓટલાનાં દબાણો દુર કરવા બુલડોઝર સાથે ત્રાટકી માર્જીન અને પાર્કિંગજી જગ્યા ખુલ્લી કરાવી હતી.

મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર 'વન વીક , વન રોડ' ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે તા. ૧૬ના શહેરમાં 'વન વીક , વન રોડ' ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે, જેમાં દર સપ્તાહે એક દિવસે એક ઝોનમાં એક વોર્ડમાં એક મુખ્ય રોડ પર વિવિધ શાખાઓ દ્વારા ઝુંબેશના સ્વરૂપે રોડને વ્યવસ્થિત રાખવા, ચોખ્ખો રાખવા માટે કામગીરી થશે, જેમાં આજે વેસ્ટ ઝોન વિસ્તારના રૈયા રોડ ખાતે જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી દબાણ હટાવવું, રોડનું સ્ટ્રકચર અને રોડ સારો દેખાય તે પ્રકારે હાલ કામગીરી ચાલુ છે.

આજે 'વન વીક, વન રોડ' ઝુંબેશ દરમ્યાન ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વોર્ડ નં. ૮માં યોગેશભાઈ ગોસ્વામી (અપૂર્વ કોમ્પલેક્ષ, સદગુરુ તીર્થધામ કોમ્પલેક્ષ, રૈયા રોડ), વોર્ડ નં. ૯માં જયેશભાઈ આહીર (જલારામ ઢોસા - અંબિકા કોમ્પલેક્ષ, રૈયા ચોકડી પાસે), વોર્ડ નં. ૨માં અંજલી શુઝ (અંજલી એપાર્ટમેન્ટ, રૈયા રોડ, આરાધના ટી. સ્ટોલની બાજુમાં), વોર્ડ નં. ૨માં ચામુંડા ટી સ્ટોલ (શ્રી અંબા આશિષ કોમ્પલેક્ષ, હનુમાન મઢી ચોક પાસે), વોર્ડ નં. ૨માં રાધે પાન (શ્રી અંબા આશિષ કોમ્પલેક્ષ, હનુમાન મઢી ચોક પાસે) વિગેરે આસામીઓને ત્યાં સાઈડ માર્જીનમાં પતરાની કેબીનનું તેમજ માર્જીનમાં પતરાનું દબાણ દુર કરવામાં આવ્યું હતું.

વેરા વિભાગે ૭૧ દુકાનદારોનો ૧૬ લાખનો વેરો ઉઘરાવ્યો

વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં. ૮માં સાકેત પ્લાઝા, કિંગ પ્લાઝા, ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ, વિગેરેમાંથી કુલ ૩૫ મિલ્કતો પાસેથી કુલ રૂ. ૬ લાખ ૮૫ હજાર રૂપિયા, વોર્ડ નં. ૯માં અંબિકા કોમ્પલેકસ, ટ્રિનિટી ટાવર, નક્ષત્ર-૭, વિગેરે માંથી કુલ ૧૨ મિલ્કતો પાસેથી કુલ રૂ. ૧ લાખ ૩૬ હજાર રૂપિયા, તેમજ ૬ આસામીઓ પાસેથી ૩૧ હજાર રૂપિયા કુલ મળી ૧ લાખ ૬૬ હજાર રૂપિયા, વોર્ડ નં. ૧૦માં કાકા કોમ્પલેકસ, પ્રણવ કોમ્પલેકસ, હનુમાનમઢી ચોક, તિરૂપતિ નગર અને જીવન નગર વિસ્તારની મિલ્કતો, વિગેરેમાંથી કુલ ૧૭ મિલ્કતો પાસેથી કુલ રૂ. ૮ લાખ ૧૭ હજાર રૂપિયા, વોર્ડ નં. ૧માં આવેલ રૈયા રોડ પરની ૫ મિલ્કતો માંથી કુલ ૪૨ હજાર રૂપિયા સહીત આજે કુલ ૭૧ આસામીઓ પાસેથી કુલ રૂપિયા ૧૬,૮૦,૪૯૫ના વેરાની વસુલાત કરવામાં આવી હતી.

કચરો - પ્લાસ્ટીક અંગે ૧૪ હજારનો દંડ

 'વન વીક વન રોડ' ઝુંબેશ અંતર્ગત આજે તા. ૧૬ના રૈયા રોડ ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમ અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની વેસ્ટ ઝોનની ટીમ દ્વારા ચા-પાનનાં ગલ્લા, કરીયાણાની દુકાનોનું ચેકિંગ કરી જાહેરમાં કચરો ફેકનાર/ગંદકી કરનાર/ડસ્ટબીન ન રાખનાર, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરનાર દુકાનદારો સામે કડક કાર્યવાહી કરી ૦૫ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી કુલ ૨૨ દુકાનદારો પાસેથી રૂ. ૧૦,૦૦૦નો વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. વધુમાં રૈયા રોડ પર સફાઈ કામગીરી અર્થે વધુ ૩૮ સફાઈ કામદાર અને ૧ જેસીબી, ૧ ટ્રેકટર, ૧ ડમ્પર અને ૧ QRT દ્વારા કામગીરી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં નાયબ કમિશનર- ઈ.ઝોન આશિષકુમાર તથા નાયબ કમિશનર-વે.ઝોન શ્રી સિંઘની આગેવાની હેઠળ ૫ર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર, નાયબ ૫ર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર, મદદનીશ ૫ર્યાવરણ ઇજનેર રાકેશભાઈ શાહ, ભાવેશ ખાંભલા, સેનિટેશન ઓફિસર મૌલેશભાઈ વ્યાસ અને સેનેટરી ઇન્સ્પેકટર નીલેશભાઈ ડાભી, મનોજભાઈ વાઘેલા, કેતનભાઈ લખતરીયા અને સેનેટરી સબ ઇન્સ્પેકટર ભાવનાબેન ગોસાઈ, ઉદયસિંહ તુવર, ભારદ્વાજભાઈ બારોટ, મનસુખભાઈ બાળા દ્વારા કામગીરી કરવામાં આવેલ. જયારે સેન્ટ્રલ ઝોનની ટીમ દ્વારા રૈયા રોડ પર આવેલ દુકાનદારો પાસેથી જાહેરમાં કચરો ફેકનાર / ગંદકી કરનાર ૦૯ આસામીઓ પાસેથી રૂ. ૪,૧૦૦નો વહીવટી ચાર્જ , પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરનાર ૦૫ આસામીઓ પાસેથી રૂ. ૨,૨૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ તેમજ વિસ્તારના કુલ ૦૮ પબ્લીક ટોઇલેટની સફાઈ પણ કરવામાં આવેલ. આ કામગીરીમાં નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભભાઈ જીંજાળાની આગેવાની હેઠળ સેનિટેશન ઓફિસર શ્રી જાખણીયા , એસ. આઈ શ્રી જોષી અને એસ.એસ.આઈ. શ્રી દવે ની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ.

(3:09 pm IST)