Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

મંગળવારે ભૈરવ જયંતિઃ સાયપર (કુવાડવા)ના શ્રી ભૈરવનાથ મંદિરે મહાપૂજા- અભિષેક- મહાપ્રસાદ

રાજકોટથી ૧૫કિ.મી.દૂર કુવાડવાથી સરધાર તરફ જતાં સાયપર ગામના પાદરે ડુંગરમાં બિરાજતા કાળ ભૈરવ દાદાઃ મંગળ- બુધ બે દિ' ધર્મોત્સવઃ ભાવિકોને લાભ લેવા મંદિરના મહંત દિલીપપુરી ગોસાઈનું આમંત્રણ

રાજકોટ,તા.૧૬: અત્રે રાજકોટથી ફકત ૧૫ કિ.મી દુર કુવાડવાથી સરધાર તરફ જતાં સાયપર ગામના પાદરે ડુંગર ઉપર બિરાજતા અતિ પ્રાચીન શ્રી કાળભૈરવ દાદાની ભૈરવ જયંતિ નિમિતે તા.૧૯ મંગળવારે રાત્રે મહાપૂજા- અભિષેક વિગેરે થશે તેમજ તા.૨૦ બુધવારે સવારે ૧૦:૩૦ વાગ્યે ભૈરવ જયંતિ નિમિતે થાળ, મહાપ્રસાદ ધરાવ્યા બાદ મંદિરે પધારતા દરેક ભાવિક ભકતોને સાંજના ૫ વાગ્યા સુધી મહાપ્રસાદ આપવામાં આવશે. તો દરેક ભાવિકોએ આ મહાપ્રાસદ અને દર્શન- પૂજાનો લાભ લેવા મંદિરના મહંત શ્રી દિલીપપુરી ગોસાઈ તરફથી આમંત્રણ અપાયુ છે.

શ્રી ભૈરવ દાદાનું મંદિર અને બાજુમાં આવેલ શ્રી જંત્રેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ પ્રાચીન છે અને કુવાડવાની આજુબાજુમાં લોકોમાં આસ્થાનું પ્રતિક તરીકે ઓળખાય છે. અહીં મંદિર આદ્ય મહંત કૈલાસવાસી પ.પૂ.શ્રી ૧૦૦૮ પ્રેમપુરી મહારાજે ખુબ જ સેવા- પૂજા અને અનુષ્ઠાન કરેલા હોય મંદિર અને શ્રી ભૈરવ દાદાની સાત્વિક ઉપાસનાથી લોકોને માનવાંછિત ફળ આપનારી છે. એમ કહેવાય છે કે પૂ.મહંતશ્રી સાથે શ્રી ભૈરવ દાદા હાજરાહજૂર વાતો કરતા અને દર્શને આવેલા લોકોને તેની પ્રતિતિ પણ થતી. અહીં શ્રાવણ માસ દરમ્યાન લોકો મહાપૂજા- અભિષેક કરે છે અને મહાશિવરાત્રી તેમજ શ્રી ભૈરવ જયંતિએ ઉત્સવ મનાવીને મહાપૂજા- મહાપ્રસાદનું આયોજન પણ ભાવિકો દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત શ્રાવણ વદ- ૮નાં રોજ જન્માષ્ટમીનો મેળો ભરાય છે અને હજારો લોકો આ મેળાના દિવસે જંત્રેશ્વર દાદા અને ભૈરવ દાદાને શ્રીફળ ધરીને અષ્ટમીનો આનંદ લેતા હોવાનું યાદીમાં જણાવાયું છે.શીવ પુરાણમાં પણ ઉલ્લેખ છે કે શ્રી ભૈરવ દાદાનું પ્રાગટય અષ્ટમીના રોજ હોય લોકો અહી દર મહિનાની વદ-૮ કાલાષ્મીએ પૂનમની જેમ આઠમ ભરવા આખા વર્ષની માનતા લ્યે છે. શ્રી ભૈરવ દાદાની માનતાથી મોટાભાગના ભકતોના દુઃખ, દર્દ દાદા બે કે ત્રણ આઠમ ભરતા જ મટાડે છે અને લોકો હોશે હોશે આઠમના રોજ સુખડીનો પ્રસાદ, નાળીયેર, ધુપ, સિંદુર અને કાળા શ્વાનને દૂધ પ્રસાદ રૂપે આપીને પોતાની માનવાંછિત ઈચ્છા પૂર્ણ કરવાનો સંતોષ માને છે.

શ્રી ભૈરવ દાદાને કાલના પણ મહાકાલ અને ભગવાન શીવનો અંશવતાર હોય શ્રી કાળભૈરવ દાદા પણ કહે છે. તેઓને ભગવાન શંકરે કાશીના કોટવાળાનું બિરૂદ આપેલ છે. આમ ભૈરવ દાદા ભગવાન શીવનું જ સ્વરૂપ હોય શીવ ભકતોનાં કઠીનમાં કઠીન કામ આસાન કરીને  રક્ષા કરે છે.

શ્રી ભૈરવ દાદાના ૧૦૮નામની દરરોજ માળા કરવાથી પણ દાદા સહાય કરે છે. શ્રી ભૈરવદાદાના આઠ નામ લેવાથી પણ દાદા કૃપા કરે છે. ભારતમાં માતાજીની કુલ બાવન પીઠમાં ભગવાન શંકરે મંદિરની રક્ષા કાજે કાળભૈરવ અને બટુક ભૈરવની સ્થાપના કરેલ છે.

આદ્યગુરૂ શંકરાચાર્યજી રચિત કાલભૈરવાષ્ટક સ્ત્રોત પ્રમાણે કાલભૈરવના દેહ ઉપર સર્પનું યજ્ઞોપવીત છે, મસ્તકે ચંદ્ર છે, સર્પની જનોઈ ધારણ કરે છે, દિગંબર અવસ્થા છે, તે કાળના પણ કાળ છે. તેમનો દેહ શ્યામ છે, કંઠ કાળો છે, ચાર હાથમાં ત્રિશુલ, ટંક, પાશ અને દંડ ધારણ કરે છે. તેમના પરાક્રમ ભયંકર છે, તે ભયંકર હોવા છતાં ઉપાસકોને ભોગ અને મોક્ષ આપે છે. ભકત વત્સલ છે, તેઓ અષ્ટસિધ્ધિ આપનાર સિંદુરીયા દેવ છે. કલિયુગમાં સિંદુરીયા દેવ તરીકે શ્રી ભૈરવ દાદા, ગણપતિજી, હનુમાનજીની ઉપાસના લોકોને ફળે છે એટલે જ બધા દેવને સિંદુર ચઢાવવામાં આવે છે.

શ્રી ભૈરવ દાદાની જન્મ જયંતિએ તા.૧૯ને મંગળવારે રાત્રે મહાપૂજા, આરતીમાં તેમજ બીજા દિવસે તા.૨૦ને બુધવારે સવારે મહાપ્રસાદ ગ્રહણ કરવા શ્રી દિલીપપુરી બાપુ (મો.૮૪૮૭૮ ૭૬૫૮૯) ગુરૂશ્રી નારાયણગીરી બાપુ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(11:47 am IST)