Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ડેન્ગ્યુના ડંખ યથાવતઃ આરોગ્ય ચેરમેનના વોર્ડમાં એકજ શેરીમાં ૬ કેસ

ગઇકાલે એકજ દિવસમાં ૧૯ દર્દીઓઃ તંત્રનાં ચોપડે હજુ માત્ર ૩૯૮ કેસઃ ડેન્ગ્યુ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે-દવા છંટકાવ-ફોગીંગ-ઉકાળા કેન્દ્ર-આરોગ્ય કેમ્પોનાં આયોજનો થઇ રહ્યાનો બચાવ કરતાં તંત્ર વાહકો

રાજકોટ તા. ૧૭ :.. શહેરમાં ડેન્ગ્યુનો રોગચાળો દિવસે-દિવસે વધતો જાય છે. મહાપાલિકાનાં ચોપડે દરરોજ ર૦ થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. બિન સત્તાવાર કેસનો આંકડો વધુ છે. ખુદ કોર્પોરેશનની આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીન ઠાકર જે વોર્ડમાંથી ચૂંટાયા છે. તે વોર્ડ નં. ર માં આવેલા રાજીવનગરની એક શેરીમાં છ જેટલા ડેન્ગ્યુનાં દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ ડેન્ગ્યુનાં રોગચાળા સંદર્ભે મહાપાલીકાનું આરોગ્ય તંત્ર એલર્ટ થયુ છે. અને ઘરે - ઘરે સર્વે, ફોગીંગ-કલોરીન ટેબલેટ વિતરણ - મચ્છરનાં પોરાનો નાશ કરવા દવા છંટકાવ સહિતની કામગીરી શરૂ કરી દીધી છે. આ દરમિયાન ગઇકાલે શહેરભરમાંથી કુલ ૧૯ જેટલા નવા ડેન્ગ્યુનાં કેસ મળી આવતા ડેન્ગ્યુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળા અટકાયતી પગલા લેવામાં આવ્યા હતાં શહેરમાં ગઇકાલ સુધીમાં ડેન્ગ્યુનાં કુલ ૩૯૮ કેસ મહાપાલીકાનાં ચોપડે નોંધાયા છે.

દરમિયાન વોર્ડ નં. ર માં આવેલા રાજીવનગરમાં એક જ શેરીમાં ૬ ડેન્ગ્યુનાં કેસ મળી આવતાં આ વિસ્તારમાં મેલેરીયા વિભાગ દ્વારા તાબડતોળ આ વિસ્તારમાં આજે સવારથી ફોગીંગ - દવા છંટકાવની કામગીરી શરૂ કરાવી દેવામાં આવી હતી.

આ ઉપરાંત રોગચાળા અટકાયતી પગલાના ભાગ રૂપે ઉકાળા કેન્દ્રો શરૂ કરાયા છે. ત્થા આરોગ્ય કેમ્પો યોજી લોકોને નિઃશુલ્ક નિદાન - સારવાર પણ અપાઇ રહ્યાનો દાવો તંત્ર વાહકોએ કર્યો છે.

(3:17 pm IST)