Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

શુક્રવાર દશેરાએ ''કંકણ''ની બહેનો રમઝટ બોલાવશે

માં ગરબે ઘૂમેઃ શ્રી હંસ એજયુકેશન ટ્રસ્ટ નિર્મિત અને સરગમ કલબ- સુરક્ષા સેતુ સોસાયટી અને ગેલેકસી ગ્રુપના ઉપક્રમે

રાજકોટ,તા.૧૭: સૌરાષ્ટ્ર- ગુજરાતની ખ્યાતનામ સંસ્થા સરગમ કલબ તેમજ ગેલેકસી ગ્રુપ અને પોલીસ સુરક્ષા સેવા સેતુ સોસાયટી રાજકોટ દ્વારા વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત કંકણ સંસ્થા, રાજકોટ દ્વારા માં ગરબે ઘૂમે કલાકાત્મક અને વૈવિધ્યપૂર્ણ ગરબા મહોત્સવનું આયોજન આગામી તા.૧૯ને શુક્રવારના રોજ રાત્રે ૯ કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે કરાયું છે.

શ્રી હંસ એજયુકેશન ટ્રસ્ટ, રાજકોટ નિર્મિત કંકણ પ્રસ્તુત માં ગરબે ઘૂમે કાર્યક્રમનું દિપપ્રાગટ્ય શ્રીમતિ અંજલીબેન વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે. તેમજ કાર્યક્રમની આરતી રાજકોટ પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તેમજ પૂર્વ સહાયક નિયામક, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના શ્રી મનોજભાઈ શુકલના હસ્તે થશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, સરગમ કલબના શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા તથા મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અલ્પનાબેન ત્રિવેદી ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) પણ ખાસ હાજર રહેશે.

આ કાર્યક્રમને જાણીતા કેળવણીકાર હંસદેવજી સાગઠિયા, સદભાવના હોસ્પિટલના સ્થાપક ડો.ઘનશ્યામભાઈ જાગાણી તેમજ કેળવણીકાર શ્રી કિરણભાઈ પટેલ (ગેલેકસી ગ્રુપ)નું માર્ગદર્શન મળી રહ્યું છે.

કંકણ સંસ્થાના સ્થાપક, સંચાલિકા શ્રી સોનલબેન હંસદેવજી સાગઠિયાના કાર્યક્રમ સંકલન, કલ્પન, નૃત્ય, નિર્દેશન તેમજ કંકણની બાગડોર સંભાળતા સહનૃત્ય નિર્દેશક ટવીંકલ જાગાણી સાથે કલા પારંગત કલાકારો માં ગરબે ઘૂમે કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત ઘંટારવ ગરબો, દિવા ગરબો, માંડવડી ગરબો, કરતાલ ગરબો, ચીરમી ગરબો, વીંજણી ગરબો, દાંડિયારાસ, રૂમાલરાસ, પ્રાચીન રાસ, ટિપ્પણી જેવી વૈવિધ્યસભર કૃતિઓ રજૂ થશે.

પારંપારિક પ્રાચીન ગરબી, રાસ, રાસડા, અર્વાચીન ગરબા, રાસ કૃતિઓ, પ્રયોગાત્મક ગરબાઓ વગેરે ગુજરાતના ગૌરવ સભર ગરબાનો દેશ- વિદેશમાં પ્રસાર કરનાર કંકણ કલા સંસ્થાના સંચાલકો શ્રી નિલેશભાઈ ભોજાણી અને ટ્રસ્ટી કેતનભાઈ મહેતાએ કાર્યક્રમ પૂર્વે ૧૫ મિનિટ અગાઉ સ્થાન ગ્રહણ કરી લેવા જણાવ્યું છે. આઠ વર્ષથી નીચેની વયના બાળકોને પ્રવેશ અપાશે નહીં. આ કાર્યક્રમ માત્ર આમંત્રિતો પૂરતો મર્યાદિત છે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુ.શ્રી સોનલબેન સાગઠિયા તેમજ દૂરદર્શન કેન્દ્રના પ્રોડ્યુસર શ્રી સંજયભાઈ સાગઠિયા દ્વારા કરવામાં આવશે. ગરબા પ્રેમીઓએ આ કાર્યક્રમના પાસ મેળવવા માટે તા.૧૮ને ગુરૂવારના રોજ રાત્રે ૮:૪૫ કલાકે કુંડલિયા કોલેજ કમ્પાઉન્ડ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ ખાતેથી મેળવી લેવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોબાઈલમાં કે અન્ય કોઈ રીતે કોઈએ ફોટો કે વિડિયોગ્રાફી ન કરવા અનુરોધ કરાયો છે.

(4:00 pm IST)