Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

હિટ એન્ડ રન કેસમાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર બે વ્યકિતના મૃત્યુ અને એકને ઇજા કરવાના

રાજકોટ, તા., ૧૭: અત્રે ૧પ૦ ફુટ રીંગ રોડ પરના ચકચારી હીટ એન્ડ રન કેસમાં અદાલતે આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવેલ છે.

અત્રે કેસની વિગત એવી છે કે તા.૪-૯-ર૦૧૪ના રોજ ૧પ૦ ફુટ રીંગ રોડ પર મેટાડોરે સવારમાં અકસ્માતની હારમાળા સર્જેલ અને મેટાડોરના ચાલકે પોતાનું આઇસર જી-જે૩ એટી-ર૯૯પ પુરઝડપે અને બેફામ રીતે ચલાવી ફરીયાદી અશ્વીન મનસુખભાઇના પિતા મનસુખભાઇ ભીમજીભાઇને મોટર સાયકલ સહીત હડફેટે લઇ મૃત્યુ નિપજાવેલ અને આગળ જતા અન્ય રાહદારી હસમુખભાઇ મુળજીભાઇને મોટર સાયકલ સહીત હડફેટે લઇ મૃત્યુ નિપજાવેલ અને આગળ રોડ ઉપર ચાલીને જતા ત્રીજા રાહદારી પ્રભાત ગોવિંદભાઇ ચાવડાને હડફટે લઇ ગંભીર ઇજા પહોંચાડી આગળ જઇ રોડનું ડિવાઇડર કુદાવી ડીવાઇડરથી આગળ જઇ સાહેદ દિનેશ મેઘજીભાઇ પટેલને કિસ્મત ઓટો કન્સલન્ટ નામના ખુલ્લા ગ્રાઉન્ડમાં વેચાણ માટે રાખેલ આઠ કારોને જોરથી ટકકર મારી કારોને નુકશાન કરી આગળ જઇ દિવાલમાં અથડાવી કુલ નુકશાન અઢી લાખનું કરેલ તેવી મા.નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ ફરીયાદ આપેલ.

ફરીયાદીનો કેસ આરોપી મહેબુબ સુલેમાન જનર, રહે. ગંજીવાડા, રાજકોટવાળા સામેનો હીટ એન્ડ રન કેસ આઇપીસી કલમ ૩૦૪ વિગેરે મુજબનો કેસ પ્રિન્સીપાલ સેસન્સ જજ શ્રીની કોર્ટમાં ચાલેલ. જેના ફરીયાદ પક્ષે રપ સાહેદો તપાસેલ હતા.

અદાલતે બંન્ને પક્ષોની રજુઆત મૌખીક દલીલ ધ્યાને લઇ આરોપી જ ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર રાધે હોટલ પાસે તા.૪-૯-ર૦૧૪ના સવારના આઠ વાગ્યે અકસ્માતવાળુ વાહન ચલાવી અકસ્માતની હારમાળા સર્જી બે વ્યકિતઓના મૃત્યુ નિપજાવી અને ત્રીજી વ્યકિતને ગંભીર ઇજા કરી ગાડીઓને નુકશાન કરેલ હોવાનું નિઃશંકપણે ફરીયાદ પક્ષ પુરવાર કરી શકેલ નથી તેવો લંબાણ પુર્વકનો ચુકાદો આપી આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં આરોપીના એડવોકેટ તરીકે રાજકોટના અશોક બી.ઠક્કર, ક્રિષ્નાબેન એ.ઠક્કર, બિનાબેન નિમાવત, મનીષાબેન પોપટ તથા સીરાજભાઇ રોકાયેલા હતા.

(3:50 pm IST)