Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વિવાદના એંધાણ...

૨૦મીનાં જનરલ બોર્ડમાં કોંગી કોર્પોરેટર ધર્મીષ્ઠાબા જાડેજા બેસી નહી શકેઃ કાનુની અભિપ્રાય

રાજકોટ તા.૧૭ :. આગામી તા.૨૦મીએ મળનારા મ્યુ.કોર્પોરેશનનાં જનરલ બોર્ડમાં કોંગ્રેસનાં વોર્ડ નં-૧૮નાં કોર્પોરેટર ધર્મીષ્ઠાબા જાડેજા બેસી નહી શકે તેવો કાનુની અભિપ્રાય આવ્યો હોવાનું કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

આ અંગેની વિગતો મુજબ હજુ બે દિવસ અગાઉ કોંગ્રેસનાં ગેરલાયક ઠેરવાયેલ વોર્ડ નં-૧૮નાં કોર્પોરેટર ધર્મીષ્ઠાબા જાડેજાનાં પ્રશ્ન જનરલ બોર્ડની પ્રશ્નોતરીમાં લેવા બાબતે કોંગ્રેસ પ્રમુખ સહિતનાં આગેવાનોઅ સેક્રેટરી સાથે માથાકુટ કરતાં આ બાબતે કાનુની અભિપ્રાય માંગવામાં આવ્યો હતો.

''અગાઉ સેક્રેટરીએ જયારે ધર્મીષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવવાની દરખાસ્ત મ્યુ.કમિશનરને કરી હતી તે વખતે જ કાનુની અભિપ્રાય મેળવ્યા પછી જ ધર્મીષ્ઠા બાને ગેરલાયક ઠેરવાયા છે અને તેઓની બેઠક ખાલી થયાની જાણ ચૂંંટણી પંચને કરી દેવાઇ હતી. ત્યારબાદ તેઓએ કાનુની લડત માંડી છે. પરંતુ આ કાનુની વિવાદમાં સ્ટે નથી આથી ધર્મીષ્ઠાબા જાડેજા કોર્પોરેટર તરીકે ગેરલાયકની સ્થિતિ આજે છે. આથી તેઓએ સ્વૈચ્છાએજ જનરલ બોર્ડમાં બેસવું ન જોઇએ કેમકે કોર્પોરેટર તરીકે તેઓને ગેરલાયક ઠેરવાયા છે તેમ મેયર બીનાબેન આચાર્ય અગાઉથી જ જાહેર કરી ચૂકયા છે.

દરમિયાન હવે ધર્મીષ્ઠાબા જનરલ બોર્ડમાં બેસી નહી શકે તેવો કાનુની અભિપ્રાય આવ્યો હોવાનું કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે ત્યારે આગામી ૨૦મીએ મળનારા જનરલબોર્ડમાં ધર્મીષ્ઠાબા જાડેજાને બેસવા બાબતે જબરા વિવાદનાં એંધાણ વર્તાઇ રહયા છે.(૨-૨૧)

(3:38 pm IST)