Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ગેરેજ સંચાલક સાથે લવમેરેજ કરનાર મોટીપાનેલીની યુવતિનું રાજકોટથી સગા ભાઇએ અપહરણ કર્યુઃ પોલીસે મુકત કરાવી

અગાઉ સાળાએ 'હું મારી બહેનને તારી સાથે રહેવા નહિ દઉં' એવી ધમકી આપી હતી એ સાચી ઠેરવી : મુળપડધરીના દેપાળીયા ગામના અને હાલ આલાપ ગ્રીન પાછળ એપાર્ટમેન્ટમાં રહેતાં દિપેશ પંચાસરાની તેના બનેવી નિતીન સરેણા અને ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૧૭: મુળ પડધરીના દેપાળીયાના અને હાલ રાજકોટ રહેતાં ગેરેજ સંચાલક ગુર્જર સુથાર યુવાન ત્રણ મહિના પહેલા મોટી પાનેલીની યુવતિ સાથે લવમેરેજ કર્યા હોઇ તેના સાળાને આ લગ્ન પસંદ ન હોઇ જેથી ત્રણ જણાને સાથે રાખી રાજકોટ આવી બનેવીની હાજરીમાં પોતાની બહેનનું બળજબરીથી ઇકો કારમાં અપહરણ કરી લઇ જતાં દોડધામ મચી ગઇ હતી. યુનિવર્સિટી પોલીસે તપાસનો ધમધમાટ કરી અપહૃતને છોડાવી તેના પતિને સોંપી દીધી છે. એક આરોપી હાથવેંતમાં છે.

 બનાવ અંગે પોલીસે મુળ પડધરીના દેપાળીયા ગામના અને હાલ રાજકોટ આલાપ ગ્રીન સીટી પાછળ દ્વારકેશ પાર્ક-૭ સનરાઇઝ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૨માં રહેતાં તથા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે માર્શલ મોટર્સ નામે ગેરેજ ચલાવતાં દિપેશ ખીમજીભાઇ પંચાસરા (ઉ.વ.૨૬) નામના ગુર્જર સુથાર યુવાનની ફરિયાદ પરથી તેના સાળા નિતીન જસાભાઇ સરેણા (રહે. મોટી પાનેલી, હુડકો સોસાયટી જલારામ મંદિર પાસે તા. ઉપલેટા) તથા ત્રણ અજાણ્યા સામે આઇપીસી ૩૬૫, ૪૫૧, ૧૨૦ (બી) મુજબ કાવત્રુ ઘડી દિપેશની પત્નિનું અપહરણ કરી જવાનો ગુનો નોંધ્યો છે.

દિપેશે પોલીસ સમક્ષ જણાવ્યું છે કે હું ગેરેજ ચલાવું છું અને તા. ૧૩/૫/૨૧ના રોજ મેં વડીયા ખાતે મોટી પાનેલીની ઉર્મિલા જસાભાઇ સરેણા સાથે પ્રેમલગ્ન કર્યા છે. ત્યારથી હું, પત્નિ, માતા-પિતા અને ભાઇ રાજકોટ રહીએ છીએ. ૧૬/૮ના સાંજે સવા આઠેક વાગ્યે હું મારા ગેરેજે હતો ત્યારે પિતાનો ફોન આવેલો કે તારો સાળો નિતની અને બીજા ત્રણ જણા ઘરમાં બળજબરી પુર્વક ઘુસી જઇ તારી પત્નિ ઉર્મિલાને ઇકો ગાડીમાં બેસાડીને ભાગી ગયા છે.

આથી હું તુરત જ મારા ઘરે આવ્યો હતો. મેં ઉર્મિલા સાથે લવમેરેજ કર્યા હોઇ તે મારા સાળાને પસંદ ન હોઇ જેથી તે મારી પત્નિનું અપહરણ કરી ગયો હતો. મારા સાળાએ અગાઉ મને ધમકી પણ આપી હતી કે 'હું મારી બહેનને તારી સાથે રહેવા નહિ દઉ અને તેને લઇ જઇશ.'. આ ધમકી મુજબ જ મારા સાળાએ કાવત્રુ ઘડી બીજા ત્રણ જણા સાથે મળી મારી ગેરહાજરીમાં મારા ઘરમાં ઘુસી જઇ ઉર્મિલાનું અપહરણ કરી ગયા હતાં.

આ બનાવમાં પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ બી. જી. ડાંગર સહિતની ટીમે તપાસ શરૂ કરી આરોપીઓને સકંજામાં લઇ ઉર્મિલાને મુકત કરાવી તેના પતિને સોંપવા તજવીજ કરી હતી.

(11:46 am IST)