Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

રા.લો. સંઘની ચૂંટણી યોજવા માટે કલેકટરની લીલીઝંડીઃ તુર્તમાં એલાનઃ રાજકીય ગરમાવો

ચૂંટણી અધિકારી તરીકે ચરણસિંહ ગોહિલની નિમણૂકઃ સંભવત ઓગષ્ટમાં મતદાન

રાજકોટ તા. ૧૭ : સહકારી ક્ષેત્રની અગ્રીમ સંસ્થા રાજકોટ-લોધિકા સહકારી સંઘના સંચાલક મંડળની ૧પ બેઠકોની સામાન્ય ચૂંટણી યોજવા માટે જિલ્લા કલેકટરે લીલીઝંડી આપી છે. તેમણે ચૂંટણી અધિકારી તરીકે શહેર-રના પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરી છે. તેઓ ટુંક સમયમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરે તેવા નિર્દેષ છે. કોરોનોની સ્થિતિ વધુ બગડે નહિ અથવા અન્ય કોઇ અણધાર્યુ કારણ સર્જાય નહિ તો સંભવત ઓગસ્ટમાં મતદાન થાય તેવી સંભાવના છે.

રા.લો. સંઘમાં ચૂંટણી કરવા પાત્ર ૧પ બેઠકો અને ૬૦ મતદારો છે. ચાર-ચાર મતદારોનો એક-એક બ્લોક બનેલ છે. હાલના સંજોગોમાં સહકારી ક્ષેત્રની ચૂંટણી યોજવા માટે કલેકટરની પૂર્વ મંજુરી લેવી જરૂરી છે. રા.લો.સંઘના શાસકોએ આ અંગે કલેકટરને અરજી કરેલ. તે માન્ય રાખી ચૂંટણી કરવા માટે છુટ આપી છે. રા.લો. સંઘની મુદત ગયા મહિને પૂરી થઇ ગઇ છે. સહકારી રાજકારણમાં ગમે ત્યારે સંજોગો બદલાઇ જતા હોય છે. હાલના સંજોગો મુજબ ૧પ પૈકી કેટલીક બેઠકો બિનહરીફ થશે કેટલીક બેઠકો પર ઉમેદવાર પસંદગીથી માંડી મતદાન સુધી ખેચતાણ થઇ શકે છે. ભાજપના જ બે જુથો સામસામે આવે તેવા એંધાણ છે. ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થતા સહકારી રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.

(3:51 pm IST)