Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

ધરતીકંપ વખતે પૃથ્વી જમીન- મકાનોને સુપડાની જેમ સાફ કરી નાંખે

ધરતીકંપ અંગે કોટક સ્કૂલની છાત્રાઓએ સરળ ભાષામાં સંકલન કર્યું : ધરતીકંપના મોજા ત્રણ પ્રકારના છે, આ ત્રણેયનો સ્વભાવ, ધ્રુજવાનો પ્રકાર અને ઝડપ અલગ-અલગ હોય છે

સીઝમોગ્રાફ નામે ઓળખાતા ભૂકંપમાપક યંત્ર દ્વારા ધરતીકંપ માપવામાં આવે છે. તેના પ્રચલિત એકમ રિકટર સ્કેલ (Richter)માં માપવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ જયાંથી પેદા થયો તે ભંગાણના બિંદુને તેનું કેન્દ્રબિંદુ focus-હાયપોસેન્ટર -hypocenter કહેવામાં આવે છે. બરાબર એની ઉપર પૃથ્વીની સપાટી પર જયાં આ ધ્રુજારી જમીનના સ્તરને અડે છે તે ભૂકંપ બિંદુને એપિસેન્ટર-epicenter કહેવામાં આવે છે.

ધરતીકંપને કારણે જે ઊર્જા ઉત્પન્ન થાય છે તે તરંગો-મોજાના સ્વરૂપમાં આગળ વધે છે એપિસેન્ટરથી સેંકડો કિલોમીટર છેટે સુધી પોતાની તારાજી વેરતાં જતાં ધરતીકંપનાં મોજાંના ત્રણ પ્રકાર છે. ત્રણેયનો સ્વભાવ,ધ્રુજવાનો પ્રકાર અને ઝડપ બધું જ અલગ-અલગ છે.

સૌથી ઝડપી મોજાં છે P વેવ્ઝ

P વેવ્ઝ તરીકે ઓળખાતા શોક, પ્રેશર કે લોન્ગિટયુડિનલ વેવ્સ. આ મોજાંનો વેગ આશરે દર સેકન્ડે ૮ કિલોમીટર જેટલો હોય છે. સરખામણી ખાતર જાણી લો કે આ સ્પીડ પૃથ્વી પરથી અંતરિક્ષમાં જતા યાન કરતાં પણ થોડીક વધારે છે.અવાજનાં મોજાંની જેમ આ P વેવ્સ સઘનન અને વિઘનનથી આગળ વધે છે. આ પ્રેશર વેવ્સ પોતાનું પ્રેશર સતત આગળ ધકેલતું રહે અને એને પરિણામે એની ઉપર સપાટીએ રહેલા જમીન-મકાન પણ સઘનન અને વિઘનન પ્રમાણે ધ્રૃજયા કરેછે ઉદાહરણ તરીકે ચારણીની મદદથી અનાજ સાફ કરતા હોય ત્યારે ચારણીમા અનાજ જે રીતે દોલીત થાય છે તેવી જ રીતે ધરતીકંપ વખતે પૃથ્વી ચારણી બનીને આપણા જમીન મકાનને દોલીત કરે છે જયાં સુધી ધરતીકંપ ચાલુ રહે છે ત્યાં સુધી P વેવ્ઝ આપણા જમીન-મકાનને અનાજની જેમ દોલીત કરાવતા રહી સાફ કરી નાખે છે. આ મોજા સૌથી ઓછું નુકસાન કરે છે.

s-વેવ્ઝ

ઇલેસ્ટિક, સેકન્ડરી કે શિઅર Shear એટલે ફાડી-ચીરી નાખવું ઉદાહરણ તરીકે જયારે સુપડાની મદદથી અનાજ સાફ કરતા હોય છીએ ત્યારે સુપડાને જે રીતે ઝટકા મારવામાં આવે છે એવી જ રીતે ધરતીકંપ વખતે પૃથ્વી સુપડુ બનીને આપણા જમીન મકાનને ઉપર નીચે ઝટકા મારે છે. અથવા આપણે કોઈ દોરીને ઉપરનીચે ઝાટકો મારીએ અને એ તરંગ જે રીતે આગળ વધે એ જ પ્રકારે આ વેવ્ઝ આગળ ગતિ કરે છે.જમીનના ઉપરના પોપડામાં આ S-વેવ્સ એક સેકન્ડમાં ચારથી પાંચ કિલોમીટરનુ અંતર કાપી નાખે છે. મતલબ કે એ P-વેવ્સ કરતાં થોડાં પાછળ રહી જાય છે. પરંતુ P-વેવ્ઝ કરતા વધારે નુકસાન કરે છે. ધરતીકંપ ચાલુ હોય ત્યાં સુધી S વેવ્ઝ જમીન મકાનને ઝટકા મારી મારીને સાફ કરી નાખે છે

સર્ફેસ વેવ્ઝ

જો નસીબ જોગે આ બન્ને મોજાંનો માર સહન કર્યા પછી પણ જમીન પર સબ સલામત બચી જાય તો ધરતીકંપના એપિસેન્ટરમાંથી હજી ત્રીજા પ્રકારનાં મોજાં પણ વછૂટે છે. ત્રીજા પ્રકારનાં આ મોજાં સર્ફેસ વેવ્ઝ તરીકે ઓળખાય છે. P અને S મોજાંના સ્ફોટક મિશ્રણને કારણે સર્ફેસ વેવ્સ એટલે કે સપાટીનાં મોજાં જન્મે છે. કમનસીબે આ મોજાં સૌથી વધુ ખાનાખરાબી સર્જે છે, કારણ કે એનામાં P અને S બન્ને મોજાનાં અપલક્ષણો ભર્યા હોય છે. ઉદાહરણ તરીકે ફુલ સ્પીડમાં જતી રીક્ષા સ્પીડ બ્રેકરોની હાર માળા પરથી પસાર થાય છે અને સાથે સાથે સતત કટકે કટકે બ્રેક પણ મારે ત્યાંરે પેસેન્જર જે રીતે દોલીત થાય છે તેવી રીતે ધરતીકંપ વખતે પૃથ્વી રીક્ષા બનીને આપણા જમીન મકાનને દોલીત કરે છે અથવા એમ સમજો ચોમાસા દરમ્યાન ખાડા ખબડા વાળા રોડ પરથી રીક્ષા પસાર થાય છે.જયાં સુધી ધરતીકંપ ચાલુ રહે છે ત્યાં સુધી પૃથ્વી રીક્ષા બનીને આપણા જમીન મકાનને હચમચાવી નાખે છે. આ મોજાંના પ્રતાપે હાઇરાઇઝ બિલ્ડિંગોના ઉપરના ફ્લોર પર વધુપડતી ધ્રુજારી અનુભવાય છે અને એ ઇમારતોને ગંજીફાના મહેલની જેમ જમીનદોસ્ત કરી મૂકે છે.જયાં સુધી પેટાળમાં રહેલો પોપડો પોતાને અનુકૂળ જગ્યા પર ફરી પાછો ગોઠવાય નહીં ત્યાં સુધી એ અમળાયા કરે છે અને મુખ્ય ધરતીકંપ કરતાં ઓછી તીવ્રતાનાં કંપનો મુકત કર્યા કરે છે, જેને આપણે આફ્ટરશોકસ કહીએ છીએ. સામાન્ય રીતે મુખ્ય ધરતીકંપના દિવસો કે કયારેક મહિનાઓ સુધી ચાલુ રહેતા આવા આફ્ટરશોકસની તીવ્રતા ઉત્તરોત્તર ઘટતી જાય છે અને છેવટે શાંત થઈ જાય છે. જૂજ કિસ્સાઓમાં એવું બને છે કે આફ્ટરશોક મુખ્ય ધરતીકંપ કરતાં પણ મોટી તીવ્રતાનો આવી શકે. એવા ઠપ સંજોગોમાં આફ્ટરશોક મુખ્ય ધરતીકંપ બની જાય અને એ પહેલાં આવેલો ધરતીકંપ ફોરશોક (Foreshock) તરીકે વ્યાખ્યાયિત કરી દેવામાં આવે છે.

બીક્ષા ગોંડલીયા અને મનીષા આહુજાએ તદ્દન સરળ ભાષામાં કરેલા સંકલનને પ્રિન્સિપાલ ડો.માલાબેન કુંડલિયા તથા ટ્રસ્ટીશ્રી નવીનભાઈ ઠક્કરે અભિનંદન પાઠવેલા છે.

(3:00 pm IST)