Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

આવતા ગુરૂવારથી રાજકોટ નાથદ્વારા વચ્ચે એસ.ટી. દોડશેઃ ડેઇલી બે બસો ફાળવાઇ

એસ.ટી. બોર્ડે ૩૪ બસો ઉપાડવાનું શરૂ કર્યું: ભાવનગરથી ૪ બસો શીરોહી-ઉદેપુર જશે

રાજકોટ તા. ૧૭: ગુજરાત રાજય માર્ગ પરીવહન નિગમ ગુજરાત-રાજસ્થાન વચ્ચે અમદાવાદ-પાલનપુર-ભાવનગર-હિંમતનગરથી ડેઇલી ૩૪ એકસપ્રેસ બસો શરૂ કરી છે.

રાજકોટથી પણ બે બસો ડેઇલી દોડનાર હતી, પરંતુ પરમીટ અને ટેકસ પ્રક્રિયામાં ૪ થી પ દિવસનો વિલંબ થતા આવતા ગુરૂવારથી રાજકોટથી ડેઇલી સાંજે પ-૩૦ વાગ્યે અને રાત્રે ૯ વાગ્યે રાજકોટ-નાથદ્વારા બસ શરૂ થશે તેમ ડેપો મેનેજર શ્રી નિશાંત વરમોરાએ ''અકિલા''ને જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, રાજસ્થાન સરકાર પાસેથી બસની પરમીટ, એનઓસી, અને સીટ મુજબ ટેકસ ભરવાની પ્રક્રિયાને પ થી ૬ દિવસ લાગે તેમ હોય, આવતા ગુરૂ-શુક્રવારથી બસ દોડશે.

જેમાં રાજકોટથી ઉપડનાર બસમાં ૬૦ ટકા મુસાફરો બેસાડાશે, પરંતુ રાજસ્થાનની હદમાં ૧૦૦ ટકા મુસાફરોને બેસાડાશે, કારણ કે રાજસ્થાનમાં આવો કોઇ નિયમ નથી તેમ સુત્રો જણાવી રહ્યા છે. આ ૩૪ બસોમાં રાજકોટથી બે, ઉપરાંતો ભાવનગરથી ૪ બસો ઉપડશે, જેમાં ભાવનગર-શીરોહી અને ભાવનગર-ઉદેપુરનો સમાવેશ થાય છે.

(12:54 pm IST)