Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રાજકોટમાં કાયદો-વ્યવસ્થા સુદ્રઢ કરવાને પ્રાથમિકતાઃ મનોજ અગ્રવાલ

પ થી ૬ દિવસમાં નવનિયુકત રાજકોટ પોલીસ કમિશ્નર ચાર્જ સંભાળશેઃ અકિલા સાથે વાતચીત : સંવેદનશીલ ગોધરામાં યશસ્વી કામગીરી બદલ મનોજ અગ્રવાલને પુરસ્કૃત કરાયેલાઃ ૩પ કરોડના બ્રાઉન સુગર ઝડપાવામાં સિંહફાળોઃ ચુંટણીઓ અને રથયાત્રામાં બજાવેલી ફરજની નોંધ લેવાયેલ

રાજકોટ, તા., ૧૭: રાજય પોલીસ તંત્રના સિનીયર અધિકારીઓની બદલી-બઢતીના હુકમમાં રાજકોટના પોલીસ કમિશ્નર પદે ગૃહ ખાતાના સંયુકત સચિવ મનોજ અગ્રવાલની પસંદગી થતા તેઓ પાંચેક દિવસમાં પોતાનો ચાર્જ સંભાળનાર હોવાનું  જાણવા મળે છે. અકિલા સાથેની વાતચીતમા  કાયદો વ્યવસ્થાને પ્રાધાન્ય આપવાની ખાત્રી આપી હતી.

ભાવનગરમાં મોહન ઝા જેવા અનુભવી  અધિકારીના માર્ગદર્શન નીચે પ્રોબેશ્નલ પિરીયડ પુરો કરી સૌરાષ્ટ્રની સંસ્કૃતિથી પરીચીત થયેલા મનોજ અગ્રવાલે સુરત પોલીસ અધિક્ષક, વડોદરા એસપી તરીકે અસરકારક કામગીરી બજાવ્યા બાદ ગોધરા,  પંચમહાલ જેવા વિસ્તારમાં તેઓએ અસરકારક પરિસ્થિતિનું નિર્માણ કરતા ૧૯ મી ઓકટોબર ૧૯૯૭માં પુરસ્કાર મળેલ.

તેઓએ સુરતના લિંબાયત અને વરાછામાં અસરકારક કામગીરી ઉપરાંત રથયાત્રા દરમિયાન સતત પાંચ વર્ષ સંવેદનશીલ શાહપુર અને કારંજ વિસ્તારનો ચાર્જ રાખી ઉપલી અધિકારીઓની પ્રશંસા મેળવેલ.

તેઓના ખેડાના કાર્યકાળ દરમિયાન ર૦૦૩માં ૩પ કરોડનું બ્રાઉન સુગર ઝડપાવામાં સિંહફાળો આપેલ. અમદાવાદ ગ્રામ્યમાં પણ ચુંટણીઓ સમયે જડબેસલાક બંદોબસ્ત રાખેલ. રથયાત્રા બંદોબસ્તના અનુભવ ધ્યાને લઇ તેઓને સંયુકત પોલીસ કમિશ્નર સેકટર-૧ અમદાવાદમાં મુકવામાં આવેલ. 

રાજયની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર અસરકારક સુપરવીઝન સાથે પાટીદાર આંદોલન સમયે કાયદો અને આંદોલન વ્યવસ્થાનું સુદ્રઢ સંચાલન વ્યવસ્થા ગોઠવવામાં તેમને યશ મળેલ.

(4:01 pm IST)