Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મ.ન.પા.માં એકઝીકયુટીવ ઈજનેર માટે બે વર્ષ સુધી ઈન્ટરવ્યુ ચાલ્યો!!

૨૦૧૯માં ભરતીની જાહેરાત આપ્યા બાદ ૪ - ૪ વખત ઉમેદવારોને બોલાવ્યા અને છેક આજે ફાઈનલ ઈન્ટરવ્યુ થયો, જેમા ૧ જગ્યા માટે ૬ ઉમેદવારો આવ્યા

રાજકોટ, તા., ૧૭: મ.ન.પા.માં એકઝીકયુટીવ ઇજનેરની ૧ જગ્યા ખાલી પડી હતી. જેની ભરતી માટે ર૦૧૯ થી પ્રક્રિયા શરૂ થઇ હતી જે છેક આજે ૨૦૨૧માં પુર્ણ થઇ હતી. આમ માત્ર ૧ જગ્યા માટે બે વર્ષ જેટલો લાંબો ચાલતા આ બાબત ચર્ર્ર્ચાને  એરણે ચડી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એકઝીકયુટીવ  ઇજનેરની મુળ જગ્યા પર ફરજ બનાવતા અને સીટી ઇજનેરનો હવાલો સંભાળતા વી.સી.રાજયગુરૂ વય મર્યાદાને કારણે નિવૃત થતા તેઓની ખાલી જગ્યા માટે ૧ એકઝીકયુટીવ ઇજનેરની ભરતી માટે ર૦૧૯માં ઇન્ટરવ્યુની જાહેરાત અપાયેલ.

જે અનુસંધાને ર૦ર૦ જાન્યુઆરીએ પ્રથમ ઇન્ટરવ્યુ ગોઠવાયો. પરંતુ તે દિવસે આખો દિવસ ઇન્ટરવ્યું માટે આવેલા ઉમેદવારોને આખો દિવસ બેસાડી રાખ્યા અને ઇન્ટરવ્યુ લેવાયા નહી.

ત્યાર બાદ બીજા દિવસે ફરી ઇન્ટરવ્યુ ગોઠવાયો અને તે દિવસે મ્યુ. કમિશ્નરની ગેરહાજરીમાં ઇન્ટરવ્યુ લેવાયા પરંતુ પછીથી ખબર પડી કે આ કલાસની અધિકારીની પોસ્ટ હોઇ મ્યુ. કમિશ્નર ઇન્ટરવ્યુંમાં હાજર હોવા જોઇએ આથી આ કારણોસર આ ઇન્ટરવ્યું પણ ન ચાલ્યો.

અને પછી માર્ચ મહીનામાં ઇન્ટરવ્યું ગોઠવાયો તે દિવસે પણ આખો દિવસ ઉમેદવારને બેસાડી રખાયા અને માત્ર ૧ બહાર ગામના ઉમેદવાર હતા. તેઓને તે દિવસે સાંજે મ્યુ. કમિશ્નર કલેકટર કચેરીમાં કોઇ કારણસર ગયા હોઇ આ બહાર ગામના ઉમેદવારને કલેકટર કચેરીએ બોલાવી ઇન્ટરવ્યું લેવાયો. અને હવે બાકી રહી ગયેલા ઉમેદવારોનો છેક આજે ઇન્ટરવ્યું ગોઠવાયો હતો.

જેમાં મનપામાં હાલ ઇજનેર તરીકે ફરજ બજાવતા શ્રી કુકડીયા, ગૌતમ જોષી, ધીરેન કાપડીયા, મહેશ રાઠોડ, કેતન ગોસ્વામી (સુરત), વાય.કે.ગોસ્વામી વગેરેનો સમાવેશ થાય છે.

(4:08 pm IST)