Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

બાળકોના ર૦૦ બેડ માટે વેન્ટીલેટર ફાળવવા કલેકટરની સરકારમાં દરખાસ્ત

૩૦થી વધૂ વેન્ટીલેટર આવે તેવી શકયતાઃ ઇશ્વરીયા પાર્ક-ઓસમ ડુંગર આવતા અઠવાડીયે ખોલવાનો નિર્દેશ... : ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલીકાના અમૂક ક્ષેત્રમાં મતદાન મથકો ઉપર વેકસીન ઝૂંબેશઃ ર૧ તારીખ બાદ વેકસીનની ગતિ વધશેઃ હાલ જીલ્લામાં ૬ હજારને અપાય છે તે દરરોજ ૯ હજાર લોકોને આપી શકાશે : રાજકોટ શહેર-જીલ્લામાં ર૦ મેટ્રીકટન ઓકસીજનના ઉત્પાદનનું પ્લાનીંગ કરાયું છેઃ પાલિકા-શહેર ક્ષેત્રમાં હોલ-વાડીમાં પણ વેકસીનના ડોઝ અપાય તે માટે આદેશો...

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાની થર્ડ વેવ અંગે તૈયારીઓ કરી છે, અને સીવીલમાં બાળકો માટેના અલગથી ર૦૦ બેડનો વોર્ડ પણ ઉભો કરાઇ રહ્યો છે, અને આ વોર્ડ માટે એટલે કે બાળકોના ર૦૦ બેડ માટે વેન્ટીલેટર ફાળવવા સરકારમાં દરખાસ્ત કરાઇ છે, સરકાર હવે જીલ્લા વાઇઝ નકકી કરી વેન્ટીલેટર ફાળવશે.

કલેકટરે ઉમેર્યુ હતું કે સામાન્ય રીતે ર૦૦ બેડ સંદર્ભે ૧૦ થી ર૦ ટકા વેન્ટીલેટરની જરૂર પડે છે, એ જોતા રપ થી ૩૦ વેન્ટીલેટર ફાળવાય તેવી શકયતા છે.

કોરોના નબળો પડયો અને પોઝીટીવીટી રેટ જીલ્લામાં ૦.૦૩ ટકા થયો તે જોતા ઇશ્વરીયા પાર્ક - ઓસમડુંગર ખોલાશે કે કેમ તે અંગે કલેકટરે જણાવેલ કે આવતા વીકમાં સર્વે કરી, વિગતો મેળવી ખોલાય તેવી શકયતા છે, આ બાબતે ૧ થી ર દિવસમાં રીપોર્ટ આવી જશે.

તેમણે ઉમેર્યુ હતું કે જીસીએસઆરએ રાજકોટને ફાળવેલા પ૦૦-પ૦૦ લીટરના બે ઓકસીજન પ્લાન્ટ આવી ગયા છે, જે એક અઠવાડીયામાં સિવીલમાં સ્થાપિત કરી દેવાશે, આનાથી ૧૦૦ બેડને લાભ મળશે.

તેમણે ઉમેર્યુ હતું કે આપણે શહેર - જીલ્લા માટે હાલ દરરોજએ ર૦ મેટ્રીક ટન ઓકસીજન મળી રહે તે પ્રમાણે પ્લાનીંગ કર્યુ છે, કોરોના પીકઅપ દરમિયાન સીવીલ - સમરસ અને કેન્સર કોવીડ થઇને દરરોજનો ૭પ મેટ્રીકટન ઓકસીજન જોઇ તો હતો, હાલ માંડ ૮ થી ૧૦ ની જરૂરીયાત રહે છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે સમરસમાં ૧૩ હજાર લીટર તો સિવીલમાં ર૦ હજાર લીટરની બે ઓકસીજન ટેન્ક આપણે મૂકી રહ્યા છીએ.વેકસીન અંગે તેમણે કહયું કે ગ્રામ્ય અને નગરપાલીકા ક્ષેત્રમાં વાડી-હોલ માં ડોઝ અપાય તે માટે સુચના આપી છે, આવી જ રીતે મતદાન મથકો ઉપર પણ વેકસીન ઝૂંબેશ શરૂ કરાશે, ર૧ તારીખ બાદ વેકસીનની ગતિ વધશે, અને જીલ્લામાં હાલ દરરોજ પપ૦૦ થી ૬ હજારને વેકસીન અપાય છે. તે ર૧ તારીખ બાદ ૯ થી ૧૦ હજાર લોકોને આપી શકાશે.

તેમણે જણાવેલ કે રાજકોટના ર૧ ઇન્ડસ્ટ્રીયલ ઝોનના ૭પ હજાર મજૂરો તથા તેમના તમામ પરીવારને પણ વેકસીન અપાઇ રહી છે, હાલ ૧ર જેટલા એસો.માં આ કામગીરી ચાલૂ છે, અને તેના કારણે જીલ્લામાં વેકસીનને મોટી સફળતા મળશે.

(4:06 pm IST)