Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

રાજકોટ સદર સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નં.૮ ખાતે શ્રધ્ધાસુમન અર્પણ કરતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ

ત્યારની આ તાલુકા શાળામાંથી ૧૯૦૧માં ઝવેરચંદ મેઘાણીએ શાળા શિક્ષણનો પ્રારંભ કર્યો હતોઃ તે સમયનું નોંધણી-પત્રક પણ આ શાળામાં જતનપૂર્વક જળવાયેલું છે : ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષની ઉજવણી અંતર્ગત સ્મૃતિ-સ્થળો ચોટીલા, રાજકોટ, ધંધુકાનો ગુજરાત સરકાર દ્વારા 'મેઘાણી પ્રવાસન સર્કીટ' હેઠળ સ્મારક તરીકે વિકાસ કરવામાં આવશેઃ મહાત્મા ગાંધી મ્યૂઝિયમની જેમ આ ઐતિહાસિક શાળા પણ જીવંત સ્મારક તરીકે વિકાસ પામે તેવી લોકલાગણી

રાજકોટ, તા.૧૭: પોતાની બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવનની અનેક મહત્ત્વની ઘટનાઓને સ્મૃતિઓ સંકળાયેલી છે. રાજકોટ-સદરમાં આવેલ ત્યારની તાલુકા શાળા અને હાલની રાજકોટ મહાનગરપાલિકા – નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નં. ૮માંથી ૧૯૦૧માં શાળા શિક્ષણનો પ્રારંભ કર્યો હતો. તે સમયનું નોંધણી-પત્રક પણ આ શાળામાં જતનપૂર્વક જળવાયેલું છે. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ મેઘાણીની રાજકોટ ખાતે બદલી થતા ઝવેચંદ મેઘાણી ૨થી ૮ વર્ષની ઉંમર સુધી હાલના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન - પોલીસ-લાઈનમાં આવેલ તે વખતની પોલીસ-લાઈનના કવાર્ટરમાં રહ્યા હતા.  ઝવેરચંદ મેદ્યાણી લાગણીભેર નોંધે છેઃ 'રાજકોટ જવું મને જેટલું ગમે છે તેટલું કોઈ ઠેકાણે જવું નથી ગમતું. આવા આકર્ષણનું સબળ કારણ છેઃ રાજકોટ જાણે મારી જન્મભૂમિ હતી;  કેમકે રાજકોટ પૂર્વેનું એક પણ સ્મરણ મારી પાસે છે નહિ. સમજણા જીવનનું પ્રથમ પ્રભાત રાજકોટમાં પડયુ'.

સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ (આઈ.એ.એસ.)એ આ ઐતિહાસિક શાળાની મુલાકાત લઈને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીં તેમ લાગણીભેર અંજલિ અર્પી હતી. ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર અને ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેદ્યાણી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર ચેતનભાઈ નંદાણી, આસી. કમિશ્નર હર્ષદભાઈ પટેલ, શાસનાધિકારી (ઈન્ચાર્જ) વી. જે. બાબરીયા, યુઆરસી કો. દિપકભાઈ સાગઠીયા, શાળાના આચાર્ય રમેશભાઈ માંગરીલા, શિક્ષકો હીનાબેન શાહ, સેજલબેન પરમાર, મનિષભાઈ ભલાળા, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા ઉપસ્થિત રહ્યાં હતાં.   

ઝવેરચંદ મેદ્યાણીની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત એમના જીવન અને કાર્ય સાથે સંકળાયેલા વિવિધ સ્મૃતિ-સ્થળો ચોટીલા, રાજકોટ, ધંધુકાનો ગુજરાત સરકાર દ્વારા  'મેઘાણી પ્રવાસન સર્કિટ'હેઠળ સ્મારક તરીકે વિકાસ કરવામાં આવશે જે ખાસ ઉલ્લેખનીય છે. જેમણે ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીના પ્રાથમિક શિક્ષણનો આરંભ પણ રાજકોટ ખાતે થયો હતો. મહાત્મા ગાંધી મ્યૂઝિયમ (તે સમયની આલ્ફ્રેડ હાઈસ્કૂલ)ની જેમ આ ઐતિહાસિક શાળા પણ જીવંત સ્મારક તરીકે વિકાસ પામે તેમજ રાજકોટના જોવાલાયક સ્થળોમાં સ્થાન પામે તેવી લોકલાગણી છે.

આલેખન

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:09 pm IST)