Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સામાજિક વનીકરણ અને ખાસ અંગભૂત યોજના દ્વારા રાજકોટ જિલ્લામાં ૪ લાખ રોપાનું વાવેતર

હરીયાળી લહેરાવવા વન વિભાગની નોંધપાત્ર કામગીરી : રોડ સાઇડ, ખેડુતોના શેઢે પાળે વૃક્ષારોપણ

રાજકોટ તા.૧૭ : ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યાને નિવારવા રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા જંગલોની જાળવણીના અનેકવિક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જયાં જન ત્યાં વૃક્ષના સૂત્રને રાજયના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા નવા આયામો થકી સિદ્ઘ કરીને ગુજરાતને હરિયાળું બનાવવામાં આવી રહ્યું છે.

પર્યાવરણની જાળવણી માટે અનિવાર્ય એવા વૃક્ષોના માટે રાજયમાં સામુહિક વન નિર્માણ યોજના હેઠળ રોપાઓનું વાવેતર કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં વન અને પર્યાવરણની સુરક્ષા અર્થે સને ૨૦૧૯-૨૦૨૦માં સામાજિક વનીકરણ યોજનાની પેટા યોજના અંતર્ગત રોડ સાઈડ વાવેતર યોજના હેઠળ ૨૫ હેકટર દીઠ ૮૦૦ રોપા, ગ્રામ વાટિકા યોજના હેઠળ ૧૧૫ હેકટર દીઠ ૨,૦૦૦ રોપા, ખેડૂતોના શેઢે પાળે વાવેતર યોજના અંતર્ગત ૨૩૦ હેકટર દીઠ ૧,૦૦૦ રોપા અને હરિયાળું ગ્રામ યોજના હેઠળ ૮ હેકટર દીઠ ૪,૦૦ રોપાઓ મળી કુલ ૩૭૮ હેકટરમાં ૩.૪૫ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ખાસ અંગભૂત યોજનાની પેટા યોજનાઓ અંતર્ગત વિકેન્દ્રિત નર્સરી યોજના હેઠળ ૫૫  હેકટર દીઠ ૧,૦૦૦ રોપા અને હરિયાળું ગ્રામ યોજના હેઠળ ૧.૫૦ હેકટર દીઠ ૪૦૦ રોપાઓ મળી કુલ ૫૬.૫૦ હેકટરમાં ૦.૫૬ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ સામાજિક વનીકરણ યોજના અને ખાસ અંગભૂત યોજના દ્વારા રાજકોટ જિલ્લામાં ૪.૦૧ લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ સામાજિક વનીકરણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

(3:18 pm IST)