Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ભાવવધારા સામે કોંગ્રેસનું એલાન-એ-જંગ સાયકલ સાથે વિરોધ કરે તે પહેલા ૧૪ની અટકાયત

કોરોનાના કપરા કાળમાં સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારતા મોંઘવારી ભડકશે : કાર્યકરોએ વોર્ડ વાઇઝ ધરણા કર્યા : 'મોંઘા કર્યા પેટ્રોલનાં દામ... ભાજપને હવે આપો આરામ...' : ભાજપ તેરે અચ્છે દિન, જનતા તેરે બુરે દિન જેવા સૂત્રો સાથે પ્લેકાર્ડ દર્શાવાયા : પ્રમુખ અશોક ડાંગર, શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા, ડો. હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત સહિતના આગેવાનોની અટકાયત

વિરોધ સામે કાયદાનો દંડો ઉગામતી સરકાર : રાજકોટઃ કોરોનાના સંકટમાં આર્થીક મંદીના માહોલ પ્રવર્તી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે પેટ્રોલ - ડીઝલમાં પ્રતિ લિટર બે રૂપિયાનો ભાવ વધરો ઝીંકતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આ પેટ્રોલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં  આવ્યા હતા. જે અન્વેય રાજકોટ કોંગ્રેસ દ્વારા આજે સવારે શહેરનાં ત્રીકોણબાગ ખાતેથી મુખ્ય બજારો સહિતનાં વિસ્તારમાં સાઇકલમાં ફરી  સરકાર દ્વારા કરવામાં પેટ્રોલ- ડિઝલનાં ભાવ વધારાનો વિરોધ કરવાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ પુર્વે જ પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ  મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ કોંગી આગેવાન હેમાંગ વસાવડા, મહેશ રાજપુત તથા જીલ્લ કોંગી આગેવાન દિનેશ ચોવટીયા, કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા સહિતનાં ૧૪ કોંગી આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તે વખતની તસ્વીર(તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૭ : સરકારે કોરોના મહામારીના કપરા સમયે જ પ્રજા માથે મોંઘવારીનો બોજો નાંખી અને પેટ્રોલ - ડીઝલનો ભાવ વધારો ઝીંકતા આજે શહેર કોંગ્રેસ દ્વારા આ વધારાનો વિરોધ કરવા સાયકલ લઇને પ્રતિકાત્મક રીતે શાંતિપૂર્વક ત્રિકોણબાગ સહિત દરેક વોર્ડમાં ધરણાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું પરંતુ કોંગ્રેસના આગેવાનો સાયકલ સાથે ધરણાના સ્થળે પહોંચે તે પહેલા જ શહેર પ્રમુખ તથા પ્રદેશ આગેવાનો સહિત ૧૪ વ્યકિતઓની અટકાયત પોલીસ દ્વારા કરાઇ હતી. જો કે કાર્યકરોએ વોર્ડ વાઇઝ ધરણાના કાર્યક્રમો યોજી ભાજપનો વિરોધ કરતા સૂત્રો સાથેના પ્લેકાર્ડ દર્શાવ્યા હતા. જેમાં 'ભાજપ તેરે અચ્છે દિન... પ્રજા તેરે બુરે દિન', 'મોંઘા કર્યા પેટ્રોલના દામ... ભાજપને આપો હવે આરામ'  જેવા સૂત્રો રજૂ કરાયા હતા.

આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદી જણાવે છે કે હાલ છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ભાજપ સરકાર દ્વારા રોજેરોજ ભાવ વધારો ઝીંકી રહી છે અને કોરોના મહામારીના સમયે ભાજપ સરકારે પ્રજાને મોંઘવારીનો અસહ્ય બોજો નાખ્યો છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલમાં ઙ્ગભાવવધારા અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા સાઈકલ પર નીકળી ઠેર-ઠેર સંદેશો પહોંચાડવા પ્રસ્થાન કરે તે પૂર્વે રાજકોટ પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી છે.

કોંગી આગેવાનો આ તકે આક્ષેપો કર્યા હતા કે, આ ઉપરથી એ સ્પષ્ટ શાબિત થાય છે કે આ ભાજપની ભારત સરકારે બંધારણમાં આપેલા લોકશાહીના હક્કો ઉપર તરાપ મારી રહી છે અને વિરોધપક્ષ અને પ્રજાનો અવાજ દબાવી દેવા પ્રયાસો કરી રહી છે આ ગુજરાતમાં અને ભારત દેશમાં ભાજપ સરકાર આવી ત્યારથી તાનાશાહી પ્રજા ઉપર અને વિરોધપક્ષ ઉપર કરી રહી છે તેમજ લોકશાહી ખત્મ કરવામાં પ્રયાસો કરાઈ રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાઈકલ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને

મોંધવારી સામે શાંતિ પૂર્વક વિરોધ પ્રદર્શ માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ડો.હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, રાજકોટ મનપાના ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, મુકેશભાઈ ચાવડા, ડો.દિનેશભાઈ ચોવટિયા, સુરેશભાઈ બથવાર, હબીબભાઇ કટારીયા, જયપાલસિંહ રાઠોડ, કેતન જરીયા, દુરૈયાબેન મુસાણી, દિપેન ભગદેવ, ગોપાલભાઇ બોરાણા વિગેરે રાજકોટ શહેરના ૧ થી ૧૮ વોર્ડ વાઈઝ ધરણા યોજવામાં આવેલ હતા જેમાં કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પ્રમુખશ્રીઓ, તેમજ આગેવાનશ્રીઓ દ્વારા રાજકોટ શહેરમાં તમામ જગ્યાએ ધરણા કરેલ હતા આ સમયે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરેલ છે છતાં સાઈકલ સવાર આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની અખબારી યાદી જણાવે છે.

(3:09 pm IST)