Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ખાનગી શાળાઓને ટક્કર આપતી કરણસિંહજી હાઈસ્કુલ : ધો.૯ થી ૧૨માં વિનામૂલ્યે શ્રેષ્ઠ શિક્ષણ

ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને આટ્ર્સ-કોમર્સ અને સાયન્સમાં શિક્ષણ સાથે પુસ્તકો, સ્કુલ બેગ, યુનિફોર્મ સહિતની સુવિધા વિનામૂલ્યે

રાજકોટ, તા. ૧૭ : રાજકોટની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કુલમાં ધો.૧૧ આટ્ર્સ, કોમર્સ, સાયન્સ વિભાગમાં એક પણ રૂપિયો ફી વગર વિદ્યાર્થીઓને પ્રવેશ આપી સાચા અર્થમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આર્શીવાદરૂપ બની રહી છે. કરણસિંહજી હાઈસ્કુલ, સરકારી શાળાઓમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ સંખ્યા ધરાવતી અને સેલ્ફ ફાયનાન્સ શાળાઓને બોર્ડના પરીણામમાં ટક્કર આપતી ઐતિહાસિક શાળા છે. વિનામૂલ્યે શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થી પહેલ યોજના, એસ.એમ.ડી.સી. ગ્રાન્ટ અને સ્ટાફ તરફથી વિદ્યાર્થીઓને પુસ્તકો, સ્કુલ બેગ, સ્કુલ યુનિફોર્મ, કોમ્પ્યુટર શિક્ષણ તદ્દન મફત આપવામાં આવે છે અને સરકાર તરફથી નિયમાનુસાર સ્કોલરશીપ પણ આપવામાં આવે છે.

પ્રિન્સીપાલ અશોકભાઈ સેનાના માર્ગદર્શન હેઠળ શ્રી કરણસિંહજી હાઈસ્કુલમાં અતિ આધુનિક વાઈ-ફાઈ સ્માર્ટરૂમ, દરેક રૂમમાં સ્માર્ટ બોર્ડ, સીસીટીવીથી સજ્જ શાળા બનાવવામાં આવી છે. આ આધુનિક બિલ્ડીંગમાં અદ્યતન લેબોરેટરી, વિશાળ પ્રાર્થના ખંડ, જીમના સાધનો, રમત ગમતના સાધનોથી સુસજ્જ સ્માર્ટરૂમ, વિશાળ મેદાનની સુવિધા ઉપલબ્ધ છે. શાળામાં એનસીસી, એનએસએસ, સ્કાઉટ, ઈકો કલબની પ્રવૃતિના જ્ઞાન સાથે ૪૨ પ્રકારની ઔષધીઓ સાથેનો બગીચો વિદ્યાર્થીઓને શિક્ષણ માટેનું ઉત્તમ વાતાવરણ પૂરૂ પાડે છે.

રાજકોટ જિલ્લામાં એક માત્ર વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ હેલ્થ અને રીટેઈલનો કોર્ષ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નોલેજ કોર્નર અને કેરીયર કોર્નરનો લાભ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે ત્યારે વાલીઓના લાખો રૂપિયા ખંખેરી શિક્ષણના હાટડા બાંધીને બેઠેલી સંસ્થાઓમાંથી મુકિત મેળવવા શ્રી કરણસિંહજી હાઈસ્કુલ આર્શીવાદરૂપ બની છે.

વીસ વર્ષથી વધુ વર્ષના અનુભવી અને પૂર્ણ લાયકાત ધરાવતા, આત્મીયતાસભર શિક્ષકો દ્વારા આધુનિક ટેકનોલોજી તેમજ વાઇ ફાઈ રૂમ પ્રોજેકટ સાથે બાયસેગ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ધો.૯ થી ૧૨ આટ્ર્સ, કોમર્સ, સાયન્સ કોઈપણ વિભાગમાં વિનામૂલ્યે પ્રવેશ મેળવવાની ઉતમ તક આ શાળામાં આપવામાં આવે છે. આના પરથી લાગે છે કે વાલીઓના લાખો રૂપીયા ખંખેરતી સેલ્ફ ફાયનાન્સ શાળાઓ માટે વળતા પાણી જોવા મળી રહ્યા છે. ત્યારે તમામ વાલીઓએ જાગૃત બનીને શિક્ષણ માત્ર ઉંચી ફી ભરવાથી મળે છે તે ખ્યાલમાંથી બહાર આવી ઉંચુ પરીણામ તેમજ બાળકોના સંર્વાગી વિકાસ કરાવતી શિક્ષણ સાથે સંસ્કાર આપતી શાળામાં પ્રવેશ મેળવવોએ આજના જમાનાની માગ છે.

આ અંગે વધુ માહિતી આપતાં શ્રેષ્ઠ શિક્ષક રાજયપાલ એવોર્ડ વિજેતા સિધ્ધરાજસિંહ બી.ઝાલાએ જણાવ્યુ હતું કે, વાલીઓએ હવે દેખાદેખીમાંથી બહાર આવી પૈસાની લુંટ ચલાવતી શાળાઓને જાકારો આપી, આવી ઉત્તમ શિક્ષણ સાથે સંસ્કાર અને બોર્ડના ઉચ્ચ પરીણામો મેળવતી અને પૂર્ણ લાયકાત ધરાવતી શાળા રાજકોટમાં ભાઈઓ માટે શ્રી કરણસિંહજી હાઈસ્કુલ અને બહેનો માટે શ્રી બાઈ સાહેબબા ગર્લ્સ  હાઈસ્કુલ તેમજ ગોંડલ મોંઘીબા ગર્લ્સ હાઈસ્કુલ, જેતપુર કમરીબાઈ હાઈસ્કુલ, ધોરાજી સરકારી કન્યા વિદ્યાલય તેમજ ભગવતસિંહજી હાઈસ્કુલ, અમરનગર હાઈસ્કુલ, પડધરી હાઈસ્કુલ, કુવાડવા, બારવણ, હડાળા, વિછીંયા અને જસદણ તાલુકામાં આવેલી આર.એમ.એસ.એ. શાળાઓમાં વિદ્યાર્થીઓને ચાલુ સાલે એકપણ રૂપીયાની ફી લીધા વગર કોઈપણ ભેદભાવ વગર વિનામૂલ્યે પ્રવેશ તેમજ પુસ્તકો અને સ્કોલરશીપનો લાભ મળશે. તો દરેકે લાભ લેવો જોઈએ. કન્યાઓને વિનામૂલ્યે સાયકલ પણ વિતરણ કરવામાં આવે છે. તો ખોટી રીતે ફી ઉઘરાવતી શાળાઓનો મોહ છોડી આપના બાળકોને વિનામૂલ્યે ઉતમ શિક્ષણ સાથે સંસ્કાર આપતી આવી શાળાઓમાં પ્રવેશ મેળવવા શિક્ષક સંઘના પ્રમુખ સિધ્ધરાજસિંહ ઝાલાએ વાલીઓને અપીલ કરી છે.

(3:57 pm IST)