Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

માવતરે કાર લઇ આપી છતાં પતિ અને સાસરિયાનો બ્રાહ્મણ પરિણિતાને ત્રાસ

સોમનાથ સોસાયટીની સિમા મહેતાની પતિ નિરવ, સાસુ જયશ્રીબેન, સસરા રમેશચંદ્ર અને દિયર પંકિલ સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૭: દોઢસો ફુટ રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતી બ્રાહ્મણ પરિણીતાના માવતરે કાર લઇ આપી છતાં પતિ, સાસુ, સસરા અને દિયર ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર આદિત્ય હાઇટસ ફલેટ નં. ૮૦૪ માં ભાડે રહેતા સીમાબેન નિરવ મહેતા (ઉ.વ. ૩ર) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ૧પ૦ ફુટ રીંગ રોડ પર ત્રીમુર્તી બાલાજી મંદિર સામે સોમનાથ સોસાયટી શેરી નં. ૧ માં રહેતા પતિ નિરવ મહેતા, સાસુ જયશ્રીબેન મહેતા, સસરા મહેશચંદ્ર મહેતા, અને દિયર પંકીલ મહેતાના નામ આપ્યા છે. સીમાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના નવ વર્ષ પહેલા નિરવ મહેશચંદ્ર મહેતા સાથે થયા હતા. લગ્ન બાદ પોતે સંયુકત કુટુંબમાં રહેતા હતા. થોડોક સમય સારી રીતે રાખેલ બાદ નાની-નાની બાબતે તેમજ ઘરકામ જેવી બાબતે મેણાટોણા મારતા હતા. પતિ કરિયાવર બાબતે ઝઘડો કરી શારીરીક માનસીક ત્રાસ આપી અને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકેલ જેથી પોતે માવતરના ઘરે આવી ગયા હતા. ત્યારબાદ એક વર્ષ બાદ વકીલ મારફતે નોટીસ આપતા પતિ નિરવ સમાધાન કરી તેડી ગયો હતો. થોડા દિવસ બાદ પતિ કરીયાવર બાબતે ઝઘડો કરી અવારનવાર ઘરમાંથી કાઢી મુકતો હતો અને વડીલો દ્વારા અનેકવાર સમાધાન કરીને તેડી જતો હતો. બાદ પતિ સાથે અલગ ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા હતાં. ત્યાં પણ પતિ ઘર ખર્ચ, દવા કે પોતે પીએચડીનો અભ્યાસ કરતા હોઇ તેથી તેના પૈસા પણ આપતા ન હતા. બાદ પતિએ માવતરેથી કંઇ લાવી નથી કહી કારની માગણી કરતા પોતે માવતરના ઘરે જઇ પિતાને વાત કરતા તેણે કાર પણ લઇ આપી હતી કાર લઇને પોતે સાસરે આવ્યા ત્યારે પતિ સહિતના સાસરિયાઓએ સારી રીતે રાખી હતી. બાદ પાંચ વર્ષ પહેલા પતિ ઝઘડો કરી ઘરેથી નીકળી ગયા બાદ પરત ન આવતા પોતે સાધુ વાસવાણી રોડ પર ગોપાલ ચોકમાં આદિત્ય હાઇટસ ફલેટ નં. ૮૦૪ માં એકલાજ રહે છે. બાદ પતિની ચઢામણીથી મકાન માલીકે મકાન ખાલી કરાવવા બાબતે પોલીસ મથકમાં અરજી કરતા પોતે પોલીસને પતિ અને સાસરીયાના ત્રાસ બાબતેની વાત કરી હતી. બાદ ગઇકાલે પોતે મહિલા પોલીસ મથકમાં પતિ, સાસુ, સસરા અને દીયર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ટી. ડી. ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

(3:38 pm IST)