Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

રસકુંજ હવેલીમાં પ્રાચીન નીધિ સ્વરૂપ મદન મોહનજીની પધરામણીઃ વાજતે ગાજતે સામૈયા

રાજકોટઃ એસ્ટ્રોન ચોકમાં આવેલ રસકુંજ હવેલીમાં શ્રીમદ્દ વલ્લભાચાર્યજીના સેવ્ય પ્રાચીન નીધિ સ્વરૂપ શ્રી મદન મોહનજીની પધરામણી થતા બેન્ડની સૂરાવલીઓ અને મંગલ વધાઈ ગાન સાથે સામૈયા કરાયા હતા.શ્રી મહાપ્રભુના વંશજો સહિત એમના પ્રાચીન સેવકો જે સંપ્રદાયમાં ૮૪ અને રપર વૈષ્ણવોથી ઓળખાય છે. એમના ગૃહોમાં આજે લગભગ ૫૫૦ વર્ષોથી શ્રી મહાપ્રભુજી/ શ્રી ગુંસાઈજી દ્વારા પધારવી આપેલ પ્રાચીન શ્રી કૃષ્ણ સ્વરૂપોની સેવા પેઢીઓથી થતી રહી છે. આવા પ્રાચીન ઐતિહાસિક સ્વરૂપોને સંપ્રદાયમાં ''નિધી સ્વરૂપો'' તરીકે ઓળખવામાં આવે છે. આચાર્યવંશની આજ પરંપરામાં- રાજસ્થાનના ચોપાસની સહિત- જામનગર- જુનાગઢ ગૃહોમાં બિરાજતા નિ.લી.ગો. શ્રી વ્રજભુષણલાલ મહારાજશ્રી અને એમના જયેષ્ટ આત્મજ નિ.લી.ગો શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રી પણ સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં વિરાટ વૈષ્ણવ સૃષ્ટિ અનેરો આદરભાવ ધરાવે છે. એટલું જ નહી એમના ગૃહમાં પણ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુંસાઈજીના સ્વહસ્તે સેવ્ય અનેક નિધી સ્વરૂપો બિરાજીત હોવા સાથે જુનાગઢ- કેશોદ- સુરત સહિત રાજકોટમાં આવેલી શ્રી રસકુંજ હવેલી દ્વારા વૈષ્ણવોને સેવા- દર્શન- કિર્તન તેમજ સત્સંગ દ્વારા ભકિત પોષણ અપાઈ રહ્યું છે. રાજકોટમાં એસ્ટ્રોન અંડરબ્રીજ, સરદારનગર (વેસ્ટ)માં આવેલી શ્રી રસકુંજ હવેલી ખાતે ચોપાસની જુનાગઢ ગૃહના નિ.લી.ગો. શ્રી રસીકરાયજી મહારાજશ્રીના યુવા આત્મજો પૂ.પા.ગો.શ્રી પુરૂષોતમલાલજી મહારાજશ્રી તેમજ પૂ.પા.શ્રી ગોપેશકુમારજી મહારાજશ્રી આપના માતુશ્રી પૂ.શ્રી રસિકપ્રિયા વહુજી સહિત કેટલાંક વર્ષોથી બિરાજી રહ્યા છે. ત્યારે  પૂ.પા. દાદાશ્રી નિ.લી.ગો. શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીની આજ્ઞા અને આર્શિવાદ દ્વારા એમના માથે ''શ્રી વિઠ્ઠલેશ ભુવન'' જુનાગઢ ખાતે બિરાજતા અને શ્રીમહાપ્રભુ દ્વારા સેવ્ય એવા પ્રાચીન નિધી સ્વરૂપ 'શ્રી મદન મોહનલાલજી' (યુગલ સ્વરૂપ) રાજકોટ પધરાવવા નિશ્ચય કરી વિશેષ કૃપા થતા તાજેતરમાં શ્રીમદન મોહન પ્રભુ (યુગલશ્રી સ્વામીનીજી સહિત) પધારી રહયાના વધાઈ સમાચાર સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં પ્રચારીત થતા સેંકડો વૈષ્ણવો સજી- ધજી શહેરના એસ્ટ્રોન સીનેમા ચોક ખાતે એકત્રીત થયા હતા. જયાંથી પ્રભુનું દિવ્ય અને ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતું. શ્રીરસકુંજ હવેલીના યુવા આચાર્યો પૂ.ગો.શ્રી પુરૂષોતમલાલજી તેમજ પૂ.ગો.શ્રી ગોપેશકુમાર મહારાજશ્રીના દિવ્ય સાનિધ્યમાં યોજાયેલ આ સમૈયા- શોભાયાત્રામાં- સપ્તમગૃહાધીશ પૂ.પાગો.શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીએ સપરિવાર પધારી વિશેષ દિવ્યતા પ્રદાન કરી હતી. બેન્ડવાજાના મંગલ ધ્વની વચ્ચે કેશરીયા કિર્તનીયા મંડલી દ્વારા વધાઈ કિર્તન અને સેંકડો વૈષ્ણવ ભાઈ- બહેનોના રાસની રમઝટ સાથે શ્રી મદન મોહન પ્રભુ વાજતે ગાજતે શ્રી રસકુંજ હવેલી ખાતે પધાર્યા હતા. જયાં સંપ્રદાયીક પ્રણાલી પ્રમાણે પુરોહીતજી દ્વારા મંગલ સ્વસ્તિગાન અને વેદમંત્રોચ્ચાર વચ્ચે પ્રભુને પાટ પધારવી ''પાટોત્સવ'' ઉજવાયો હતો. ઉપરાંત રાજભોગમાં પ્રભુને ''કુલ મંડલી''માં પધરાવી તિલક થયુ હતું પાટોત્સવ ઉપક્રમે આચાર્ય ગૃહ દ્વારા વૈષ્ણવ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. જેનો સેંકડો વૈષ્ણવોએ લ્હાવો પ્રાપ્ત કર્યો હતો. રાજકોટના વરિષ્ઠ ચીમનભાઈ લોઢીયા તેમજ હસમુખભાઈ ડેલીવાળાની આગેવાનીમાં કેશરીયા કિર્તનીયા મંડલીના કિર્તનકારો મંગળભાઈ કારીયા, હરેશભાઈ રાજપરા (ખરેડી), વલ્લભભાઈ પટેલ (હરીપર વાળા), હરિભાઈ મિસ્ત્રી (ટીનમસ), અમુભાઈ (હરીપર વાળા), કિશોરભાઈ (હડાળાવાળા), ચિરાગભાઈ મહેતા, મહેશભાઈ વાગડીયા દ્વારા વાતાવરણ સર્જાયું હતું. શ્રી ઠાકોરજીની પધરામણી થતાં પાટોત્સવ અને સામૈયા શોભાયાત્રાની તૈયારીમાં યુવા આચાર્યશ્રીઓના નિર્દેશનમાં 'રસકુંજ યુથ ઓર્ગેનાઈઝેશન'ના કાર્યકર્તા વૈષ્ણવો સર્વશ્રી શૈલેષભાઈ પાટડીયા (પ્રમુખશ્રી), ભાવેશભાઈ ચાંગેલા, રવિકાંત વાગડીયા, કેતનભાઈ પાટડીયા, વિઠ્ઠલભાઈ રાબડીયા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી ઉત્સવને અવિસ્મરણીય બનાવ્યો હતો. શ્રી મહાપ્રભુના સેવ્ય ''શ્રીમદન મોહન પ્રભુ'' (યુગલશ્રી સ્વામીનીજી) સાથે શ્રી રસકુંજ હવેલી- એસ્ટ્રોન ચોક પાસે હવે નિત્ય બિરાજી વૈષ્ણવ સૃષ્ટિને મંગલથી શયન પર્યત અષ્ટપ્રહર દર્શનનો લ્હાવો પ્રદાન કરી રહ્યાં છે. પુરૂષોત્તમ માસમાં શ્રીજીને અનેકવિધ મનોરથો અને ઉત્સવોનું આયોજન આચાર્યગૃહ દ્વારા થવા જઈ રહ્યું છે જેમાં સેવા- દર્શન- કિર્તનનો નિત્ય લ્હાવો લેવા વૈષ્ણવોને આચાર્યગૃહ અને હવેલી મંડળ દ્વારા નિમંત્રણ કરાયું છે.

(4:14 pm IST)