Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

કુટુંબ, સમાજ અને દેશ માટે સ્‍વાર્થ ત્‍યાગનો તહેવાર એટલે રામનવમી

આજે રામનવમી, મર્યાદા પુરુષોત્તમ મંગલમય ભગવાન શ્રીરામચંદ્રજીનો જન્‍મદિવસ. ભીતર પોઢેલા ‘રામ'ને જગાડવાનો અવસર એટલે રામનવમી. જગતનાં માનવીએ ગળહસ્‍થાશ્રમમાં કેવી રીતે વર્તવું કે રહેવું તેનું દ્રષ્ટાંત પોતાના આચરણથી ભગવાન શ્રીરામે બતાવ્‍યું છે. આજના આ કળીકાળમાં સમાજ જીવનમાં, કુટુંબમાં, દાંપત્‍ય જીવનમાં અનેક ચઢાવ-ઉતાર તથા દુઃખો આવે છે. ભગવાન શ્રીરામચંદ્રજીનાં જીવનનાં આચરણનું આપણે જો થોડું પણ અનુસરણ કરીશું તો જગતનાં મોટા ભાગના દુઃખો દૂર થઈ જશે.

રામનવમી તન, મન અને ધનને શ્રીરામના ચરણમાં સમપર્ણ કરવાનો તહેવાર, કુટુંબ, સમાજ અને દેશ માટે સ્‍વાર્થ ત્‍યાગનો તહેવાર. જે મનુષ્‍ય કામ, ક્રોધ, મદ્‌, મોહ, લોભ અને ઈર્ષારૂપી રાવણનો નાશ કરશે તેને ભગવાન શ્રીરામચંદ્રજીનાં દર્શન અવશ્‍ય થશે.

નેક, ટેક, ધર્મ અને વચન માટે જેઓ અડગ રહેશે, મર્યાદામાં અને લક્ષ્મણ રેખામાં રહીને કાર્ય કરશે અને સત્‍યનું આચરણ કરશે તેને મંગલમૂર્તિ ભગવાન શ્રીરામ આવશ્‍ય સહાય કરશે. ભારત સંત, શુરા અને ભક્‍તોની ભૂમિ છે. રામનવમી સંત બનીને, વીરતા પૂર્વક ભકિતનીભૂમિ પર ચાલવાનું શિખવે છે. અત્‍યારે સમાજ જયારે સંક્રાતિકાળમાંથી પસાર થઈ રહ્યો છે ત્‍યારે કર્તવ્‍યનિષ્ઠ, એકવચની, નિઃસ્‍વાર્થી તથા પ્રેમાળ વ્‍યક્‍તિઓની સમાજને જરૂર છે.

મંગલમૂર્તિ શ્રીરામને પામવા માટે, શ્રીરામની કળપા મેળવવા માટે આપણે સદગુણો કેળવવા પડશે. કોઈ પણ કાર્ય કરતા પહેલાં ધર્મ ચૂકવો જ ન જોઈએ. અર્થ અને કામમાં અતિરેક થશે તો મોક્ષ મળવો મુશ્‍કેલ જ નહીં પરંતુ દુષ્‍કર બની જશે. નિતિ અને ધર્મનાં માર્ગે ચાલવાથી જ શ્રીરામની કળપા મેળવી શકાશે. નિર્મળ દ્રષ્ટિ જ શ્રીરામનાં દર્શન કરાવી શકશે. ભક્‍તિ શુધ્‍ધ મન દ્વારા જ કરાય. શ્રીરામને પામવા તથા પુણ્‍ય મેળવવા માટે શ્રીરામનાં આંશિક ગુણો પણ આપણે જીવનમાં ગ્રહણ કરીશું તો તે રામનવમીની સાચી ઉજવણી ગણાશે. ભગવાન શ્રીરામના જીવનનું સાચા અર્થમાં અનુસરણ એજ રામનવમીની સાચી ઉજવણી.

‘રઘુકુળ રિતિ સદા ચલી આઈ,

પ્રાણ જાયે પર વચન ન જાયે.

ચાલો મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની લીલા-કથાનાં દર્શન કરી સાચા અર્થમાં આપણે રામનવમી ઉજવીએ.(૨૩.૨૩)

એડવોકેટ હિંમતભાઈ લાબડીયા (રાજકોટ) મો.૯૯૭૮૮ ૧૮૫૯૨

(3:08 pm IST)