Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રૂડામાં સમાવિષ્‍ટ તમામ ગામોમાં રહેણાંક હેતુના પ્‍લોટ ફાળવોઃ નહીંતો મતદાનનો બહિષ્‍કાર

રૂડા સરપંચ એકતા મંડળે કલેકટરને આવેદન પાઠવી ચેતવણી આપી

રૂડા સરપંચ એકતા મંડળે કલેકટરને આવેદન પાઠવી રજુઆતો કરી હતી.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)(૨.૯)

રાજકોટ તા.૧૭: રૂડા સરપંચ એકતા મંડળે કલેકટરને આવેદન પાઠવી રૂડામાં સમાવિષ્‍ઠ તમામ ગામોમાં રહેણાંક હેતુના પ્‍લોટ અંગે રજુઆતો કરી હતી. આવેદનમાં ઉમેર્યુ હતું કે, રાજકોટ રૂડામાં સમાવિષ્‍ટ તમામ ગામોમાં વર્ષોથી નીમ થયેલ ગામતળમાં ખુલ્લા પ્‍લોટ હોવા છતાં જરૂરીયાતમંદ તમામ ગ્રામજનોની પોતાની જન્‍મભુમિમાં પોતાનાં બંધારણીય હક સમાન ૧૦૦ ચો.વાર રહેણાંક હેતુનાં પ્‍લોટ ફાળવણી મુદે રૂડા અને સરકાર ખુબ ઉદાસીન રહેલ છે. અનેક ગામડાનાં સરપંચ દ્વારા અનેક રજુઆત પછી પણ રૂડામાં સમાવિષ્‍ટ ગામડાનાં પ્‍લોટ ફાળવવાની સતા કયા અધિકારી કે રૂડા કે સરકારની છે એ જવાબદારી લેવા કોઇપણ તૈયાર નથી.

ઉદ્યોગપતિઓને હજારો હેકટર જમીન પાણીનાં ભાવે અપાઇ છે જયારે ૨૦ થી ૨૫ વર્ષથી ગામનાં લોકોને પોતાનાં બંધારણીય હક એવા રહેણાંક પ્‍લોટોની ફાળવણી ન કરી પોતાના અધિકારોથી વંચિત રાખી રૂડા તેમજ સરકારે ગામડાનાં તમામ નિર્દોષ લોકો સાથે અન્‍યાય કર્યો છે.

આવનારી લોકસભાની ચુંટણી પહેલાં ઉપરોકત બાબતની ગંભીરતાને ધ્‍યાને લઇ આપ વહેલીતકે રૂડામાં સમાવિષ્‍ટ ગામડાનાં રહેંણાક હેતુના પ્‍લોટ ફાળવવાની સતા રૂડા કે કલેકટર કે સરકારનાં કયાં સબંધિ વિભાગની છે. તે નકકી કરે, અને અમારી આ બાબતની સમસ્‍યા નિવારણ માટે સરકારનાં કોઇ જવાબદાર અધિકારી કે પદાધિકારી દ્વારા યોગ્‍ય કરવાની લેખિતમાં બાંહેધરી આપવામાં નહી આવે તો આ ગામડાનાં તમામ લોકો સ્‍ંવયભુ પોતાનાં મતાધિકાર થી અળગા રહી ચુંટણી બહિષ્‍કાર પણ કરી શકે છે. ‘‘પ્‍લોટ નહીં તો વોટ નહીં''.

(11:07 am IST)