Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

આંબેડકરનગરના હમીરભાઇ રાઠોડના મૃત્‍યુમાં બે દિવસમાં આરોપીની ધરપકડની ખાત્રી મળતાં મૃતદેહ સ્‍વીકારી લેવાયો : વતન ખાતે અંતિમવિધી

હોસ્‍પિટલ ચોકમાં મૃતદેહ લઇ જઇ સુત્રોચ્‍ચાર કરી લોકો રોડ પર સુઇ ગયાઃ પથ્‍થરમારો પણ થયો હતો : મારકુટ કરનાર પોલીસ કર્મચારી સામે હત્‍યા, એટ્રોસીટીની કલમનો પણ ઉમેરો કરાયોઃ એસીપી બી. જી. ચોૈધરી કરશે આગળની તપાસ

રાજકોટઃ શહેરના ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૨માં રહેતાં હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇ દેવજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૪) નામના યુવાનને રવિવારે પડોશીની માથાકુટનું સમાધાન કરવા ગયો ત્‍યારે ત્‍યાં આવેલી પોલીસે તેને મારકુટ કરતાં અને ગાડીમાં બેસાડી પોલીસ સ્‍ટેશને લઇ ગયા બાદ ફરથી માર મારી છોડી મુક્‍યા પછી આ યુવાનની હાલત બગડતાં સારવાર માટે દાખલ કરાયો હતો. તેનું ગઇકાલે મોત નિપજતાં રોષ વ્‍યાપી ગયો હતો. હત્‍યાની કોશિષનો ગુનો પોલીસે અગાઉથી દાખલ કર્યો હોઇ તેમાં હત્‍યાની કલમ અને એટ્રોસીટીની કલમનો ઉમેરો કરાયો હતો. બનાવને પગલે વોકહાર્ટ હોસ્‍પિટલ ખાતે ગઇકાલે બપોરે મૃતકના સ્‍વજનો, સમાજના લોકો, આગેવાનો મોટી સંખ્‍યામાં એકઠા થઇ ગયા હતાં અને બાદમાં પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હત્‍યાના ગુનામાં જવાબદાર પોલીસ કર્મચારીની તત્‍કાળ ધરપકડ કરવાની માંગણી કરી હતી. ત્‍યારબાદ મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલે ખસેડાયો હતો. આરોપી ન પકડાય ત્‍યાં સુધી મૃતદેહ નહિ સંભાળીએ તેવું સમાજના લોકો, મૃતકના સ્‍વજનોએ જાહેર કર્યુ હતું. બાદમાં રાતે મૃતદેહને સિવિલ હોસ્‍પિટલ ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે લઇ જઇ રોષ વ્‍યક્‍ત કરાયો હતો. એક તબક્કે વાત વણસી જતાં પથ્‍થરમારો થયો હતો. લોકો રોડ પર સુઇ ગયા હતાં. રાતે સાડા નવેક વાગ્‍યે પોલીસે તત્‍કાળ કાર્યવાહી થશે તેવી ખાત્રી આપતાં અંતે મૃતદેહ સ્‍વીકારી લેવાયો હતો. બનાવને પગલે ડીસીપી, એસીપી, ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એલસીબીના અધિકારીઓ, કર્મચારીઓ, અન્‍ય પોલીસ સ્‍ટેશનોના પીઆઇ, ડી. સ્‍ટાફની ટીમો અને વધારાનો બંદોબસ્‍ત હોસ્‍પિટલ ચોકમાં ગોઠવવો પડયો હતો. તસ્‍વીરમાં આ દ્રશ્‍યો જોઇ શકાય છે. આગળની તપાસ હવે એસીપી બી. જે. ચોૈધરી કરશે. આરોપીમાં અશ્વિનભાઇ કાનગડ સહિતની ધરપકડ કરવાની મૃતકના સ્‍વજનો, સમાજના આગેવાનોએ માંગણી કરી હતી. બે દિવસમાં જ આ કાર્યવાહી થઇ જશે તેવી ઉચ્‍ચ પોલીસ અધિકારીઓએ ખાત્રી આપતાં અંતે મૃતદેહ સંભાળી લેવાયો હતો અને વતન ખાતે લઇ જઇ અંતિમવિધી કરવામાં આવી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(11:50 am IST)