Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

આજે સાંજે હુઝુર પેલેસ ખાતે ભાજપના સમર્થનમાં માંધાતાસિંહજી જાડેજા દ્વારા

'સુરાષ્ટ્ર સંમેલન'ના નેજા તળે મળી રહેલા ક્ષત્રિય સંમેલનમાં વ્યકિતગત અભિપ્રાયો કે વિચારોનું મહત્વ રહેતુ ન હોય આમંત્રણ અસ્વીકાર્યઃ રાજભા ઝાલા

બોલાવાયેલા સંમેલનના આમંત્રણ સંદર્ભે પાઠવ્યો પત્રઃ મોદીજી માત્ર ભ્રમ ઉભો કરે છે

રાજકોટ તા. ૧૭: આજે સાંજે ભાજપના ટેકામાં હુઝુર પેલેસ (રણજીતવિલાસ પેલેસ) ખાતે રાજવી ઠા.સા. શ્રી માંધાતાસિંહજી જાડેજાની આગેવાની હેઠળ બોલાવાયેલા ક્ષત્રિય સંમેલન સંદર્ભે ભાજપના એક સમયના મજબુત કાર્યકર અને યુવા આગેવાન રાજભા ઝાલાએ પોતાને મળેલા આમંત્રણનો વિવેકસભર અસ્વીકાર કરી માંધાતાસિંહજી જાડેજાને આ અંગે એક પત્ર પાઠવ્યો છે, જે અક્ષરસઃ નીચે મુજબ છે.

આદરણીય,

રાજકોટ ઠાકોર સાહેબ, માંધાતાસિંહજી

કુશળ હશો, કુશળતા ઇચ્છું છું.

જય માતાજી સાથ આપને જણાવવાનું કે, આપની આગેવાનીમાં સુરાષ્ટ્ર નિર્માણ સંમેલન યોજાઇ રહ્યું છે અને જેમાં મને એક ક્ષત્રિય બાંધવ તરીકે આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી છે. આમંત્રણ પાઠવવા બદલ આપનો આભાર.

મેં આમંત્રણ પત્રિકા વાંચી તેમાં આપે સ્પષ્ટ જણાવ્યું છે કે, દેશના ઇતિહાસમાં અત્યંત મહત્વની કહી શકાય એવી લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તે બાબત સાથે હું સહમત છું પરંતુ બીજા પેરેગ્રાફમાં માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જે પ્રશંસા કરી છે તે બાબતે હું અસહમત છું. અને વળી ત્રીજા પેરેગ્રાફમાં આપે લખ્યું છે કે વિચારોની આપ-લે કરશું તો આદરણીય ઠાકોર સાહેબ આ પ્રથમ પેરેગ્રાફમાં તો કહી ચુકયા છો કે નરેન્દ્રભાઇને સમર્થન આપવાનું છે. તેનો અર્થ તે સંમેલનમાં આવનાર વ્યકિતના વ્યકિગત અભિપ્રાય કે વિચારોનું મહત્વ ન રહે અને ત્રીજા પેરેગ્રાફમાં આપે ક્ષત્રિયોચિત સ્વભાવ જેવા કે રાષ્ટ્રને સમર્પિતતા, માતૃભૂમિ માટે લડનાર અને કેસરીયા કરનાર તેવું જણાવો છો. અને આપ જણાવો છો કે આજે દેશ એવા કાળખંડમાંથી પસાર થઇ રહ્યો છે કે બહારના-અંદરના આક્રમણખોરોને તો પહોંચી વળશું અને તે કરવા માટે મજબુત સરકાર અને મજબુત નેતા જોઇશે. તે સરકાર અને નેતા આપની દ્રષ્ટિએ નરેન્દ્રભાઇ છે તેવું આપ જણાવો છો પરંતુ મારી સમજણ મુજબ છેલ્લા પાંચ વર્ષના શાસનમાં લેખા-જોખા કરતા તેવું સમજાણું છે કે લોકોને આપેલ વચનોથી ફરી જવુ અને માત્ર ભ્રમ ઉભો કરીને લોકોને લાગણીવશ કરીને યેનકેન પ્રકારે પોતાની તરફેણમાં લેવા તેજ ભાજપનો એજન્ડા હોય તેવું મને સમજાય છે. માટે રાષ્ટ્રહિતમાં એક ક્ષત્રિય તરીકે સત્યને ઉજાગર કરવા અને કોઇપણ જાતના ભય, લોભ કે લાલચ વગર ક્ષત્રિયધર્મ નિભાવવાના નાતે હું કેસરીયા કરી ચુકયો છું. તેવે સમયે આપના તરફથી મળેલું આમંત્રણ મારા ક્ષત્રિયધર્મને બરકરાર રાખવા અને આપના પૂ. પિતાશ્રીના જે સિદ્ધાંતો હતા સ્વાભિમાન માટે ને સત્યની તરફેણમાં કોઇપણ જાતના નફા-નુકશાનના હિસાબ કર્યા વગર પોતાની વાત મજબુતાઇથી રજુ કરવી અને અડગ રહેવું તે વાતને મેં મારા જીવન વ્યવહારમાં સ્વીકારી છે અને અનેક વખત ઉપરોકત બાબતોએ પૂ. દાદાને મેં આદર્શ ગણ્યા છે તેવા સમયે તેમનું પણ અપમાન ન થાય તે જોવાની પણ મારી નૈતિક ફરજ બને છે. માટે હું આપનું આમંત્રણ સ્વીકારી શકું તેમ નથી.

અંતમાં જો આપે રાષ્ટ્રનિર્માણ માટે વર્તમાનમાં ક્ષત્રિય તરીકેની આપણી ફરજ શું? તે બાબતે નિષ્પક્ષ ચર્ચા કરવાનું આમંત્રણ આપ્યું હોત તો હું ચોક્કસ ઉપસ્થિત રહેત અને મારા વિચારો સમાજ સમક્ષ રજુ કરત પરંતુ મને જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી ક્ષત્રિય જુઠુ બોલનારનો તો સમર્થક ન હોય શકે.

લખવામાં કોઇ અતિશયોકિત થઇ ગઇ હોય તો મને માફ કરશો.

આપનો સ્નેહાધિન.

(4:09 pm IST)