Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

જય બજરંગ બલી : હનુમાન જયંતિની તૈયારીઓ શરૂ

રાજકોટ તા. ૧૭ : રામનવમીની ઉજવણી પૂર્ણ થતા રામ ભકત હનુમાનજીની જન્મ જયંતિની ઉજવણીની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. આગામી શુક્રવાર ચૈત્રી પૂનમના હનુમાન જયંતિ ઉજવવા દાદાના ભકતો થનગની રહ્યા છે. ચોમેર તૈયારીઓ શરૂ થવા લાગી છે. ઠેરઠેર આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

દયા સાગર હનુમાનજી

કેરેજ એન્ડ વેગન ડીપો, લોકો કોલોની, જામનગર રોડ, સાંઢીયા પુલ ઉતરતા જમણી બાજુ આવેલ શ્રી દયા સાગર હનુમાનજી મંદિરે શુક્રવારે હનુમાન જયંતિની ઉજવણી કરાશે. હનુમાન ચાલીસા હોમાત્મક મહાયજ્ઞ (૫૧ પાઠ) નો પ્રારંભ સવારે ૬.૧૫ કલાકે થશે અને બીડુ બપોરે ૧૨.૪૫ વાગ્યે હોમાશે. બપોરે ૧ વાગ્યે મહાપ્રસાદ પીરસાશે. ધર્મપ્રેમીજનોએ પધારવા સ્થાપક સંચાલક કિશોરભાઇ થોરીયા રેલ્વે કર્મચારી મિત્ર મંડળ અને બાલાજી ગ્રુપના લાલભાઇ અઢીયાએ અનુરોધ કરેલ છે.

ત્રિમૂર્તિ બાલાજી મંદિર

૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ શ્રી તિમૂર્તિ બાલાજી મંદિરે શુક્રવારે હનુમાન જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. સવારે ૭ વાગ્યે મારૂતી યજ્ઞ, પાંચ કુંડી, ત્યાર બાદ શણગાર આરતી, ૧૧.૩૦ વાગ્યે રાજભોગ આરતી, બપોરે ૧૨ વાગ્યે મારૂતિ યજ્ઞનું બીડુ હોમાશે. સાંજે ૭ વાગ્યે મહાઅરતી અને ત્યાર બાદ મહાપ્રસાદ રાખેલ છે. ધર્મપ્રેમીજનોએ પધારવા ત્રિમુર્તિ બાલાજી મંદિર મિત્ર મંડળ વતી વી. એસ. શીંગાળાની યાદીમાં જણાવાયુ છે.

આંકડીયા હનુમાન

કોઠી કમ્પાઉન્ડ, રેલ્વે હોસ્પિટલ પાછળ આવેલ શ્રી આંકડીયા હનુમાન મંદિરે હનુમાન જયંતિ મહોત્સવ અંતર્ગત શુક્રવારે બપોરે ૧૨ વાગ્યે જન્મ આરતી, ૧૨.૩૦ વાગ્યે બટુક ભોજન, સાંજે ૪ વાગ્યે સત્યનારાયણ કથા, સાંજે ૭ વાગ્યે સંધ્યા આરતી અને રાત્રે ૮ વાગ્યે સુંદરકાંડ, ધૂન થશે.

જીવનનગર

જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ અને મહિલા સત્સંગ મંડળના સંયુકત ઉપક્રમે તા. ૧૯ ના શુક્રવારે જીવનનગર શેરી નં. ૪ ખાતે આવેલ મહાદેવ ધામમાં હનુમાન જયંતિની પાવનકારી ઉજવણી કરાશે. પૂજન, અર્ચન, પાઠ, તપ, જપ સાથે સામુહિક સુંદરકાંડ, હનુમાન ચાલીસા પાઠ થશે. દિપમાલા, રોશની શ્રૃંગાર સાથે મહાઆરતી અને સાંજે ૭.૩૦ વાગ્યે આસપાસની સોસાયટીના રહીશો માટે મહામપ્રસાદનું આયોજન કરાયુ છે. મંદિરના પૂજારી ભુપેન્દ્રભાઇ ભટ્ટ તથા સમિતિના નવીનભાઇ પુરોહીત, કેતન મકવાણાના નેતૃત્વમાં સેવકગણ જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:06 pm IST)