Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

૩ લાખનું ૭ લાખ વ્યાજ ચુકવ્યું, આમ છતાં વધુ ૯ લાખ માંગી બેટ ફટકારતાં જડબામાં ગંભીર ઇજા

મોરબી રોડ શ્રીરામ પાર્કના ગોૈપાલક ઇન્દુભાઇ સરસીયા ૮૦ ફુટ રોડ પર હતાં ત્યારે ભોમેશ્વરના ભરત ભરવાડે આવી હુમલો કર્યાનો આરોપઃ જડબાની સારવાર માટે છેક અમદાવાદ જવું પડશે

રાજકોટ તા.૧૭: વ્યાજ માટે મારામારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મોરબી રોડ પર રહેતાં અને ગૌપાલનનું કામ કરતાં ભરવાડ પ્રોૈઢ પાસેથી વ્યાજના નાણાની ઉઘરાણી મામલે ભોમેશ્વરના ભરવાડ શખ્સે ક્રિકેટ બેટથી હુમલો કરી જડબામાં ગંભીર ઇજા કરતાં આ પ્રોૈઢની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર થઇ શકે તેમ ન હોઇ અમદાવાદ વિશેષ સારવાર માટે જવા તબિબોએ જણાવ્યું છે.

મોરબી રોડ પર શ્રીરામ પાર્ક સોસાયટીમાં રહેતાં ઇન્દુભાઇ બચુભાઇ સરસીયા (ઉ.૫૦) નામના ભરવાડ પ્રોૈઢ સવારે ૮૦ ફુટ રોડ પર કાંતિ માનવ સેવા ટ્રસ્ટ પાસે નાગબાઇ પાન નજીક હતાં ત્યારે ભોમેશ્વરના ભરત ભરવાડે આવી પૈસાની ઉઘરાણી મામલે ઝઘડો કરી બેટથી જમણા જડબામાં ઘા ફટકારી દેતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી. એ.એસ.આઇ. યુ. બી. પવારે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

ઇન્દુભાઇના કહેવા મુજબ પોતે ગાયો પાળીને ગુજરાન ચલાવે છે. પોતે અગાઉ બિમાર પડ્યા ત્યારે પૈસાની જરૂર પડતાં ભરત પાસેથી રૂ. ૩ લાખ વ્યાજે લીધા હતાં. તેની સામે અત્યાર સુધીમાં સાત લાખ ચુકવી દીધા છે. આ માટે ગાયો પણ વેંચી નાંખવી પડી છે. પરંતુ ભરત હજુ વધુ નવ લાખ આપવા પડશે તેમ કહી વારંવાર હેરાન કરી ઉઘરાણી કરે છે. આજે પણ અચાનક એંસી ફુટ રોડ પર ભેગો થઇ જતાં ઉઘરાણી કરી બેટથી માર માર્યો હતો. ઇન્દુભાઇના પરિવારજનોએ કહ્યું હતું કે જડબામાં ગંભીર ઇજા થઇ હોઇ અહિ સારવાર શકય ન હોઇ અમદાવાદ સિવિલમાં લઇ જવા કહેવાયું છે.

(4:06 pm IST)