Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

રાજકોટના ૪૫૦ દિવ્યાંગો દ્વારા મતદાન જાગૃતિ રેલી..

કલેકટર દ્વારા આયોજનઃ ઢોલ-મંજીરા-ખંજરી-નગારા સાથે શહેર ગાજી ઉઠયું

રાજકોટ, તા.૧૭: રાજકોટ શહેરના ૪૫૦થી વધુ દિવ્યાંગોએ ''દિવ્યાંગ મતદાન જાગૃતિ રેલી''ના માધ્યમથી શહેરીજનોને અચૂક મતદાનનો સંદેશો પાઠવ્યો હતો.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ રેલી કિસાનપરા ચોકથી સવારે નવના ટકોરે શરૂ થઇ હતી, જેમાં ઢોલ, મંજીરા, ખંજરી, નગારા વગેરે વાજિંત્રોના તાલ સાથે વિવિધ સંસ્થાઓના દિવ્યાંગો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રેલીના વિહારમાર્ગ પર શહેરીજનોએ મતદાન કરવાની ખાત્રી આપી આ દિવ્યાંગોને અમૂલ્ય પ્રોત્સાહન પૂરૃં પાડયું હતું.

બહુમાળી ભવન ખાતે આટોપાયેલી આ રેલીના સમાપન સ્થળે ઇલેકશન કમિશનના પ્રતીકના આકારમાં આ દિવ્યાંગો ગોઠવાયા હતા, અને મતદાતાઓને પ્રેરણાત્મક સંદેશો આપ્યો હતો.

આ રેલીમાં શારીરિક અને માનસિક, એમ બંને પ્રકારની મર્યાદા ધરાવતા તમામ ઉંમ્રના નાગરિકો સામેલ થયા હતા, જેમાં વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ, બોલબાલા ટ્રસ્ટ, પ્રયાસ, વિરાણી બહેરામુંગા શાળા, અંધજન કલ્યાણ મંડળ, યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ, સ્નેહ નિર્ઝર, નવશકિત વિદ્યાલય, વગેરે સંસ્થાઓનો સમાવેશ થાય છે.

''સ્વીપ''ના નોડલ ઓફિસરશ્રી આર.એસ.ઉપાધ્યાય, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ.કે.ઇસરાણી, ''પ્રયાસ'' સંસ્થાના ટ્રસ્ટીશ્રી પુજાબેન પટેલ, બોલબાલા ટ્રસ્ટના શ્રી જીજ્ઞેશભાઇ ઉપાધ્યાય, વિવિધ સંસ્થાઓના સંચાલકો, શિક્ષકો, જિલ્લા વહીવટીતંત્રનો કર્મચારીગણ વગેરે આ રેલીમાં સામેલ થયા હતા.

(4:02 pm IST)