Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

બાળકોને જલ્સાઃ મનપા દ્વારા સમર કેમ્પ

ફુટબોલ, બાસ્કેટ બોલ, લોન ટેનીસ સહિતની રમતોની તાલીમ અપાશેઃ કેમ્પના ફોર્મ ૧૮થી ૨૪ એપ્રિલ સુધી ઇન્ડોર સ્ટેડીયમ તથા વેબસાઇટ પરથી મેળવી શકાશેઃ કેમ્પનું ૨૫ એપ્રિલથી ૨૪મે સુધી આયોજનઃ મ્યુ કમિશ્નર બંછાનિધી પાની

રાજકોટ, તા.૧૭:  શહેરનાં ખેલાડીઓ, વિધાર્થીઓ રાજકોટ મહાનગરપાલિકાની શ્રેષ્ઠતમ રમતગમત સુવિધાઓનો લાભ લઈ શકે, રમતગમત પ્રવૃતિઓ પ્રત્યે આકર્ષાય અને રમતગમત પ્રવૃતિમાં રૂચી લેતા થાય તે હેતુથી રેસકોર્ષ સંકુલમાં આવેલ વિવિધ સ્પોર્ટ્સ ફેસેલિટી ખાતે તા.૨૫ એપ્રિલથી તા.૨૪ મે સુધી સમર કેમ્પ યોજાનાર છે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

આ સમર કેમ્પમાં હોકી, ફૂટબોલ, બાસ્કેટ બોલ, લોન ટેનીસની રમતનો સમાવેશ થાય છે. આ સમરકેમ્પમાં ખેલાડીઓને રમતની શ્રેષ્ઠ તાલીમ આપવામાં આવશે જેમાં ગેમની વિવિધ ટેકનીકસ શીખવવામાં આવશે તેમજ ફીઝીયોથેરાપીસ્ટ તથા ન્યુટ્રીશીયન એકસ્પર્ટના માર્ગદર્શન સેશન્સનો પણ તેમાં સમાવેશ થાય છે. આ સમર કેમ્પનાં ફોર્મ તા.૧૮એપ્રિલથી તા.૨૪એપ્રિલ દરમ્યાન શ્રીવીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમ, રેસકોર્ષ ખાતેથી જાહેર રજાના દિવસો સિવાય ઓફિસ અવર્સ દરમિયાન વિનામૂલ્યે મેળવી શકાશે. તેમજ આ ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

જરૂરી આધાર પુરાવા સાથેના ભરેલ ફોર્મ નિયત ફી સાથે તા. ૧૮ એપ્રિલ થી તા.૨૪એપ્રિલ દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય ઓફિસ અવર્સ દરમિયાન, વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે જમા કરાવવાના રહેશે. આ સમર કેમ્પમાં બેચ દીઠ મર્યાદિત ખેલાડીઓને વહેલા તે પહેલાનાં ધોરણે પ્રવેશ આપવામાં આવશે. આ સમર કેમ્પમાં ૬ વર્ષથી થી ૧૮ વર્ષની વયના બાળકોને પ્રવેશ આપવામાં આવશે.

(3:59 pm IST)