Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના કાનુની ઇતિહાસમાં સીમાચિન્હરૂપ ચુકાદો

ન્યાયીક રીતે સંપૂર્ણપણે રદ થયેલ કાર્યવાહીને પુનઃજીવિત કરતી જિલ્લા અદાલત

રદ્દ થયેલ વારસા સર્ટી.ને પુનઃજીવિત કરી, પૂર્વ જિલ્લા અદાલતના હુકમને પરત ''રિકોલ'' કરતો જિલ્લા અદાલતનો ઐતિહાસિક હુકમ

રાજકોટ તા.૧૭: રાજકોટની  પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ અદાલત દ્વારા, પહેલા આપવામાં આવેલ વારસા સર્ટીફિકેટને લઇને થયેલ ફોજદારી કાર્યવાહી ખોટી હોય દોષમુકત કરતો હુકમ ફરમાવી, રદ્દ થયેલ વારસા સર્ટીફીકેટને પુનઃજીવિત કરી, પૂર્વ જિલ્લા જજના હુકમને પરત ખેંચી-''રિકોલ'' કરતો ન્યાયતંત્રનો સિમાચિન્હરૂપ હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટ શહેરના કાલાવડ રોડ, મહિલા કોલેજ સામેના, ગુ.હા. બોર્ડના બ્લોક પૈકીના નં. એમ-૧૨૩ સ્વ. જમનભાઇ વડાલિયાની સ્વપાર્જીત માલિકીનો આવેલ હતો. તેમના અવસાન બાદ તેમના પત્ની સવિતાબેન તથા  મોટા પુત્ર કીર્તિભાઇ દ્વારા વારસા સર્ટી. મેળવવા અર્થે, રાજકોટની સિવિલ કોર્ટમાં સને ૨૦૦૭માં દિ.પ.અ. નં. ૧૧૪૩/૨૦૦૭થી અરજી કરવામાં આવેલ હતી.

રાજકોટની દિવાની કોર્ટ દ્વારા, તમામ યોગ્ય ન્યાયીક કાર્યવાહીને અંતે સ્વર્ગસ્થની મિલ્કતનું વારસા સર્ટી. સવિતાબેન તથા કીર્તિભાઇના નામે નવે.૨૦૦૭માં આપવામાં આવેલ હતું. જેથી ત્યાર બાદ સવિતાબેન દ્વારા તેઓની માલિકીના બ્લોક નં. એમ-૧૨૪ તથા એમ-૧૨૩ ઉપર ઁ પ્લાઝા (ભવાની ગોલાની બાજુમાં), નામનું કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવવામાં આવેલ. જેથી મિલ્કતની કિંમત વધી ગયેલ હતી.

જેથી થોડા સમય બાદ, સ્વ. જમનભાઇના વચલા પુત્ર કિરણભાઇએ, કે જે કોર્ટ કાર્યવાહીમાં હાજર રહીને તેઓ વર્ષો પહેલા સંયુકત કુટુંબમાંથી અલગ થયેલ ત્યારે જ માતા-પિતાની આ ખાદ્યા-ખોરાકી માટે રાખેલ મિલ્કતમાંથી પણ જે તે સમયે જ તેઓનો થતો હિસ્સો લઇ ગયેલ હોય, ના વાંધા સોગંદનામું કરેલ ત્યાર બાદ જ વારસા સર્ટી. આપવામાં આવેલ હોવા છતાં ખોટા -ઉપજાવી કાઢેલ, પુરાવા વગરના સત્યથી વેગળા આક્ષેપો સાથેની સૌપ્રથમ અપીલ તા. ૮ એપ્રિલ, ૨૦૦૮ના રોજ જિલ્લા અદાલતમાં કરી 'સ્ટે' માંગેલ જેમાં સફળ ન થતા બીજા જ દિવસે નિચલી અદાલતમાં પણ વારસા સર્ટી.ને રદ કરવાની અરજી તમામ સત્યો છુપાવીને નામ. અદાલતને ગેરમાર્ગે દોરવવા કરેલ. સમયાંતરે કિરણભાઇએ બે કાનુની પ્રક્રિયા સાથે ચલાવી તા. ૨૫-૯-૨૦૦૮ના રોજ અપીલ બિનશરતી વિથડ્રો કરેલ. તે જ સમયે કાનુની રીતે તેઓની કોઇ જ કાનુની પ્રક્રિયા ત્યારબાદ ચાલવાપાત્ર હતી જ નહીં. તેમ છતાં અગમ્ય કારણોસર, કિરણભાઇની કાનુની પ્રક્રિયાઓ લાંબો સમય ખોટી રીતે ચાલતી રહેલ હતી!! કિરણભાઇ દ્વારા વારંવાર ખોટી બાબતો, વિગતો અને કાર્યવાહીઓ કરીને ન્યાયિક પ્રક્રિયાને ગુંચવતા રહેવાના યેનકેન પ્રકારના પ્રયત્નો તમામ રીતે કરતા રહેલ હતા અને તેઓ તે સમયે કાનુની કાર્યવાહી વિલંબિત કરવામાં સફળતા પણ મેળવતા રહેલ હતા. આ દરમિયાન સને ૨૦૧૧માં નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા નીચલી અદાલતની કાર્યવાહીને ટ્રાન્સફર કરી રાજકોટની મુખ્ય જિલ્લા અદાલતમાં ચલાવવા તથા ઝડપથી છ માસમાં પૂર્ણ મેટર ચલાવી લેવાનો હુકમ ફરમાવેલ જેથી મેટર પરત રાજકોટની મુખ્ય જિલ્લા અદાલતમાં ચાલવા ઉપર આવેલ ત્યારે '' વચગાળાના મનાઇ હુકમ'' દરમિયાન જિલ્લા અદાલતે તે હુકમમાં નોંધેલ કે કિરણભાઇ દ્વારા કરવામાં આવેલ આક્ષેપો, પુરાવા વગરના હોય પ્રતિપાદિત થયા વગર માની શકાય તેવા નહોય, વચગાળાનો મનાઇ હુકમની અરજી રદ કરેલ. જેથી ફરીને ન્યાયિક પ્રક્રિયાને ગેરમાર્ગે દોરવવા અને વિલંબિત કરવા ફરી ગુજરાત હાઇકોર્ટમાં નવી અરજી કરી રેકર્ડ મંગાવે જેથી નીચલી અદાલતમાં કાર્યવાહી સ્થગિત થયેલ. નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા મેટર ફરીને તુરંત ચલાવવા અર્થે રાજકોટની જિલ્લા અદાલતમાં જુલાઇ ૨૦૧૨ આસપાસ મોકલાવવામાં આવેલ.

રાજકોટ જિલ્લા અદાલતમાં આ મેટર આખરી ચલાવવા ઉપર આવેેલ ત્યારે કિરણભાઇની વારસા સર્ટી. રદ કરવાની અરજીમાં કિરણભાઇએ કરેલ આક્ષેપો અને રજુઆતો કાનુની રીતે પુરવાર કરવાની અને તે પ્રસ્થાપિત કરવાની કિરણભાઇની જવાબદારી હોવા છતાં નામ. અદાલત દ્વારા કિરણભાઇની તમામ બાબતો કાનુની રીતે ચકાસ્યા, પ્રસ્થાપિત થયા કે દસ્તાવેજી પુરાવા વગર જ માની લેવામાં આવેલ અને વારસા સર્ટી. રદ કરતો હુકમ ફરમાવી, વારસા સર્ટી. મેળવનાર કીર્તિભાઇ તથા ફોર્મલ પાર્ટી વિજયભાઇ સામે ફોજદારી કાર્યવાહી કરતો હુકમ ફરમાવેલ હતો.

જે હુકમને ગુજરાત હાઇકોર્ટમાં જે તે સમયે પડકારવામાં આવેલ. પરંતુ તત્કાલિન સમયે વારસા સર્ટી. રદ કરતો હુકમ દિવાની રાહે હાઇકોર્ટ દ્વારા માન્ય રાખી ફોજદારી કાર્યવાહી માટે અલગ કાર્યવાહી કરવાનો હુકમ ફરમાવેલ અને મેટર એડમીશન સ્ટેજમાં જ નિકળી ગયેલ. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ મેટર આ જ રીતે એડમીશન સ્ટેજમાં નિકળી ગયેલ. ત્યારબાદ નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફોજદારી કાર્યવાહી મેટરમાં, ફોજદારી ફરિયાદ તથા એફઆરઆઇને રદ કરીને રાજકોટી જિલ્લા અદાલતને સત્ય તપાસવા અર્થે, ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૩૪૦ અને ૧૯૫ હેઠળની વિસ્તૃત ફોજદારી ઇન્કવાયરી કરવાનો હુકમ ફેબ્રુઆરી, ૨૦૧૬ માં ફરમાવવામાં આવેલ.

ગુજરાત હાઇકોર્ટના ફોજદારી ઇન્કવાયરી કરવાના હુકમ અનુસંધાને મેટર રાજકોટના મહે. પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ સાહેબની અદાલતમાં મોકલવામાં આવેલ હતી. જે અંતર્ગત નામ. અદાલત દ્વારા વિસ્તૃત અને ઝીણવટભરી ન્યાયિક તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હતી. જિલ્લા અદાલત દ્વારા કિરણભાઇ દ્વારા લગાવવામાં આવેલ આરોપો અને આક્ષેપો અંગે, ગંભીરતાપૂર્વક તમામ બાબતોની સત્યતાને તપાસવા અને ચકાસવા અર્થે જિલ્લા અદાલત દ્વારા નોટરી ગિરીશભાઇ કોટક, સોગંદનામુ ઘડનાર એડવોકેટ તથા આઇડેન્ટીફાઇડ કરનાર એડવોકેટની જુબાની દ્વારા નામ. અદાલતના રેકર્ડ પર તમામ સત્ય બાબતો આવેલ અને સ્પષ્ટ થયેલ કે કિરણભાઇ દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપો ખોટા, પાયાવિહોણા તથા ઉપજાવી કાઢેલ હતા, જેથી નામ. જિલ્લા અદાલત દ્વારા તા. ૫-૧-૨૦૧૯ના રોજ, પૂર્વ જિલ્લા અદાલત દ્વારા કીર્તિભાઇ તથા વિજયભાઇ સામે થયેલ તમામ ફોજદારી કાર્યવાહીમાંથી દોષમુકત કરતો હુકમ ફરમાવેલ હતો.

આમ, કિરણભાઇ દ્વારા સોગંદનામામાં ફેરફાર થયાના તમામ આક્ષેપો બેબુનિયાદ, પાયાવિહોણા અને અસત્ય સાબિત થતા રદ થયેલ વારસા સર્ટી. ને પુનઃજીવિત કરી, પરત મેળવવા તથા પૂર્વ જિલ્લા અદાલતના હુકમને ''રિકોલ'' પરત ખેંચવા અર્થેની પુનઃવિચારણા અરજી નામ. જિલ્લા અદાલત સમક્ષ તા. ૭-૧-૨૦૧૯ના રોજ દિવાની પરચુરણ અરજી નં. ૩/૨૦૧૯થી દાખલ કરવામાં આવેલ અને તે તમામ કાનુની પ્રક્રિયામાં સ્વ. કિરણભાઇના વારસોને પણ જોડવામાં આવેલ. સ્વ. કિરણભાઇના વારસોએ પણ આ પ્રક્રિયા દરમ્યાન કિરણભાઇની હયાતીમાં જ આ મિલ્કતમાંથી પણ કિરણભાઇને તત્કાલિન સમયે હક્ક, હિત, હિસ્સો મળી ગયેલાનું સ્વીકારેલ અને વારસા સર્ટી. પરત મેળવવા અર્થે કરેલી અરજીમાં માંગવામાં આવેલી દાદ પણ તમામ આપવામાં આવે તેવું સ્વીકારેલ.

તેમજ જિલ્લા અદાલત શ્રીએ તમામ કાનુની પાસાઓ ચકાસતા રેકર્ડ ઉપર રહેલ પુરાવા અને પૂર્વ અદાલત દ્વારા જ સ્વીકારવામાં આવેલ કે વારસા સર્ટી. મેળવવાની કાર્યવાહીમાં કોઇ જ ખોટી પ્રક્રિયાઓ થયેલ ન હતી, જયારે સોગંદનામા અંગે થયેલ આક્ષેપો તદ્દન પાયાવિહોણા, ઉપજાવી કાઢેલ અને અસત્ય હોવાનું ફોજદારી ઇન્કવાયરી દરમિયાન પુરવાર થતાં, રાજકોટના મહે. પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ સાહેબ દ્વારા મૂળ અરજદાર દ્વાર વારસા સર્ટી. મેળવવામાં આવેલ તે વારસા સર્ટી. ને રદ કરતો હુકમ પરત ખેંચી એટલે ''રિકોલ'' કરી વારસા સર્ટી. ને પુનઃજીવિત કરતો હુકમ ફરમાવેલ હતો તેમજ નામ. અદાલતમાં જમા કરવામાં આવેલ મૂળ વારસા સર્ટી. મૂળ અરજદારને પરત કરવાનો હુકમ નામ. જિલ્લા અદાલત દ્વારા ફરમાવવામાં આવેલ હતો. જે હળાહળ કળિયુગમાં મિલ્કતોની કિંમતો વધી જતા,માતા-પિતાની સેવા કરવાને બદલે,તેઓની ભરણપોષણની મિલ્કતમાંથી હક્ક, હિત, હિસ્સો મેળવી લીધા બાદ પણ ન્યાયિક કાર્યવાહીથી મેળવેલ સફળતાને જિલ્લા અદાલત દ્વારા સચોટ ન્યાયિક તપાસને અંગે વિફળ બનાવી,સત્યતાનો વિજય થતો હુકમ ફરમાવેલ છે.

આમ, વર્ષોની કાનુની પ્રક્રિયા અંતે નામ. અદાલત દ્વારા સત્ય બાબત પ્રસ્થાપિત કરીને સમાજમાં સીમાચિન્હરૂપ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવેલ છે જે સમાજને આંખ ઉઘાડનારો છે. નામ. અદાલતનો, પૂર્વ જ્જનો ઓર્ડર ''રિકોલ''-પરત કરતો ફરમાવવામાં ઓર્ડર હુકમ, સૌરાષ્ટ્ર- ગુજરાતના ન્યાયતંત્ર માટે સીમાચિન્હરૂપ છે.

આ કામમાં વિજયભાઇ વડાલિયા વતી રાજકોટના પ્રખ્યાત ધારાશાસ્ત્રીઓ, પિયુષભાઇ શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીતેશ કથીરિયા, નિવિદ પારેખ, હર્ષિલ શાહ, વિવેક પટગીર, જીતેન્દ્ર ધુળકોટીયા, ઘનશ્યામ વાંક, ચિત્રાંગ વ્યાસ, મોહિત ઠાકર, રવિ મોલીયા, કશ્યપ ઠાકર, નેહાબેન વ્યાસ રોકાયેલ હતા.

તેમજ કીર્તિભાઇ વડાલિયા વતી રાજકોટના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્યામલભાઇ સોનપાલ, મલ્હાર કમલેશભાઇ સોનપાલ, મનોજભાઇ તંતી, નિલેશભાઇ વેકરીયા, હેમલ ગોહેલ, અજય દાવડા, હિતેષ ભાયાણી રોકાયેલ હતા.

(4:00 pm IST)