Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

દુનિયામાં મોટામાં મોટો અને ખોટામાં ખોટો ભય જો કોઈ હોય તો તે ભગવાનનો છેઃ પૂ. પારસમુનિ મ.સા.

રાજકોટ, તા. ૧૭ :. ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. સદ્ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય સદ્ગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સાહેબે જણાવેલ કે આજનો શુભદિન એટલે શ્રમણ ભગવાન મહાવીરનો ૨૬૧૮મો જન્મ કલ્યાણક.

વિશ્વમાં જેટલા મહાપુરૂષ થયા છે, તેમા ભગવાન મહાવીરનું સ્થાન એક વિશિષ્ટ વ્યકિતત્વ ધરાવે છે. ભગવાન મહાવીરે જગતને અમોધ મંત્ર આપ્યો જેના કારણે માનવ પરમાત્મ તત્વને પ્રાપ્ત કરી શકે, તેમણે માનવને પોતાની અસીમ શકિતનો પરિચય કરાવીને આત્મા જ મહાત્મા અને પરમાત્મા બની શકે છે તે વાત વિશ્વને સમજાવી.

દુનિયામાં મોટામાં મોટો અને ખોટામાં ખોટો ભય હોય તો તે ભગવાનનો છે. ભગવાનથી ડરીને નહિ, ભગવાનમાં શ્રધ્ધા રાખીને ધર્મારાધના કરવાની છે. ભગવાનથી ડરતા હો તો તમે ધાર્મિક નથી.

ધર્મના સંદર્ભમાં જુદા જુદા પ્રકારે પાપ-પૂણ્યની વ્યાખ્યાઓ કરીને મનુષ્યના અધિકાંશ વ્યવહારને પાપની શ્રેણીમાં રાખીને તેને ભયગ્રસ્ત કરી અનેક કર્મકાંડ બતાવીને પોતાનંુ ઉલ્ટુ-સીધુ કરવાવાળાની એક મોટી જમાત ઉભી થઈ ગઈ છે. આજે આપણે જેને ધર્મ કહીએ છીએ તે વાસ્તવમાં ધર્મ છે જ નહિ, માત્ર પંથ છે, સંપ્રદાય છે.

સાધક આત્માને આ પંથ, સંપ્રદાયથી ઉપર ઉઠવાનુ છે. ભલે ભગવાન મહાવીરનો જનમ ત્રિશલા માતાની કુક્ષિમાં થયો પરંતુ આજે ૨૬૧૮માં જન્મ કલ્યાણકે તેઓ આપણા જીવનમાં પુનઃ જીવિત થવા જોઈએ. ભગવાન મહાવીરનો પુનર્જન્મ આપણામાં થવો જોઈએ. તે સિદ્ધાંતો, આદર્શો પર ચાલવુ તે જ ભગવાન મહાવીરનો જન્મ છે. શરીર રૂપે ભલે ભગવાનનો જન્મ ન થાય પરંતુ વિચારના રૂપમાં, સિદ્ધાંતના રૂપમાં, આદર્શોના રૂપમાં ભગવાન મહાવીર આપણા હૃદયકમળમાં આજ પણ ધારીએ તો બિરાજીત થઈ શકે છે.

(3:38 pm IST)