Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

વધુ ત્રણ આરટીઓ એજન્ટ ઝડપાયાઃ ૬૭ બોગસ લાયસન્સ કબ્જે

નકલી લાયસન્સ કોૈભાંડમાં હેમાંશુ વાળાને એસઓજીએ ઝડપી લઇ રિમાન્ડ મેળવ્યા બાદ તપાસમાં બીજા ત્રણ પકડાયાઃ હિતેષ ચાવડા, રાજેન્દ્ર ખુંગલા અને કનકસિંહ ચોૈહાણને સકંજામાં લઇ ઓફિસોમાં દરોડાઃ ત્રણેય પાસેથી અલગ-અલગ સ્કૂલના ૭ રબ્બર સ્ટેમ્પ, ૧ આરટીઓનો સિક્કો, સ્કૂલ લિવીંગ સર્ટીનો જથ્થો, લેપટોપ, સ્કેનર, પ્રિન્ટર, બે મોબાઇલ ફોન કબ્જેઃ તપાસમાં વધુ ધડાકા થશે

પી.આઇ. આર. વાય. રાવલ, પીએસઆઇ બી. કે. ખાચર, પીએસઆઇ એચ. એમ. રાણા અને ટીમ તથા ઝડપાયેલા વધુ ત્રણ આરટીઓ એજન્ટ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૭: આરટીઓ કચેરી પાસે જ માધવ એજન્સી નામે આરટીઓ એજન્ટની ઓફિસ ધરાવતો મનહર સોસાયટી-૬માં રહેતો મોચી શખ્સ હેમાંશુ હસમુખભાઇ વાળા (ઉ.૨૬) બોગસ લર્નિંગ  લાયસન્સ તેમજ હેવી લાયસન્સ માટે બોગસ સર્ટિફિકેટ બનાવી આપતો હોઇ ગુનો નોંધી એસઓજીએ તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં ૧૮મી સુધીના રિમાન્ડ મંજુર થયા હતાં. તેણે પોલીસની પુછતાછમાં પ્રારંભે તો પોતે એકલો જ નકલી લાયસન્સ બનાવતો હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. જો કે પોલીસ આકરી બનતાં વધુ ત્રણ નામો સામે આવ્યા હતાં. તે અંગે તપાસ બાદ આ ત્રણેય એજન્ટને દબોચી લેવાયા છે. જેની પાસેથી પણ નકલી લાયસન્સ માટે ઉપયોગમાં લેવા માટે રખાયેલા જુદી-જુદી સ્કૂલના કોરા સ્કૂલ લિવીંગ, કારી માર્કશીટો, કોરા ફોર્મ સહિતનો જથ્થો  તથા એક શખ્સ પાસેથી તો આરટીઓનો સિક્કો પણ મળ્યો છે. આ ઉપરાંત એવા ૬૭ બોગસ લાયસન્સ પણ કબ્જે થયા છે જે બનાવવામાં બોગસ દસ્તાવેજોનો ઉપયોગ થયો હતો.

એસઓજીએ આરટીઓ એજન્ટ હેમાંશુ વાળા સામે આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૪ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં આ શખ્સ અઢી વર્ષથી કલર સ્કેનર-પ્રિન્ટરની મદદથી નકલી લર્નિંગ લાયસન્સ રૂ. ૧૦ હજાર લઇને બનાવી આપતો હોવાનું કબુલ્યું હતું. તેમજ હેવી વ્હીકલ માટેના લાયસન્સમાં જરૂરી સર્ટિફિકેટ પણ પૈસા લઇને નકલી ઉભા કરી દેતો હોવાનું કહ્યું હતું.

હેમાંશુની ઓફિસમાંથી લેપટોપ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, કલર સ્કેનર, સીપીયુ, એક પેનડ્રાઇવ (જેમાં તમામ દસ્તાવેજની સોફટ કોપી છે), મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ શખ્સ સ્કેનર વડે એડિટીંગ કરેલા આધાર કાર્ડ, જન્મના દાખલા, મરણના દાખલા, ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એક જ નંબરની પરંતુ નામ વગરની અલગ-અલગ ત્રણ માર્કશીટ તથા અન્ય બે માર્કશીટ  તેમજ રાજકોટ જીલ્લા શહેરની અલગ-અલગ સ્કૂલોના છાત્રોના નામ, સરનામા વગરના સ્કૂલના સહી સિક્કાવાળા બોગસ તરીકે ઉપયોગમાં લેવા માટેના સ્કૂલ લિવીંગ સર્ટિફિકેટનો ઉપયોગ નકલી લાયસન્સ અને નકલી સર્ટિફિકેટ બનાવવામાં કરતો હતો. ધોરણ-૮ પાસ ન હોય તેવા ગ્રાહકો ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા આવે તો તેને પૈસા લઇ આઠ પાસનું નકલી સર્ટિફિકેટ કાઢી આપતો હતો. 

હેમાંશુના અદાલતે ૧૮મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હોઇ પી.આઇ. આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ બી. કે. ખાચર, પીએસઆઇ એચ. એમ. રાણા, એએસઆઇ વિજયભાઇ શુકલા , મનરૂપગીરી, ધર્મેન્દ્રસિંહ રાણા, કોન્સ. જયંતિગીરી, ગિરીરાજસિંહ જાડેજા, ગિરીરાજસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ચુડાસમા, અનિલસિંહ ગોહિલ, બ્રિજરાજસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ અને યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમે તપાસ આગળ વધારતાં બીજા ત્રણ એજન્ટોના નામ પણ સામે આવ્યા હતાં. આ ત્રણેય પણ હેમાંશુની જેમ નકલી લાયસન્સ, નકલી સર્ટી સહિત ઉભા કરી આપતાં હોવાની માહિતી અંતર્ગત સકંજામાં લઇ ઓફિસોની તલાશી લેતાં થોકબંધ સાહિત્ય મળ્યું છે.પોલીસે ત્રણ આરટીઓ એજન્ટ હિતેષ મોતીભાઇ ચાવડા (દલિત) (ઉ.૪૦-રહે. જામનગર રોડ, નાગેશ્વર મંદિર પાસે), રાજેન્દ્ર નવલભાઇ ખુંગલા (બોરીચા) (ઉ.૩૮-રહે. આરટીઓ પાસે નરસિંહ નગર) તથા કનકસિંહ હેમતસિંહ ચોૈહાણ (દરબાર) (ઉ.૪૪-રહે. કૃષ્ણનગર ચોક, સ્વામિનારાયણ ચોક)ને અટકાયતમાં લઇ પુછતાછ હાથ ધરી છે.

પોલીસે આરટીઓ પાસે આવેલી હિતેષ ચાવડાની શ્રી સાઇગુરૂ ઓટો એડવાઇઝર નામની ઓફિસ અને રાજેન્દ્ર બોરીચાની પિતૃકૃપા ઓટો એડવાઇઝર નામની ઓફિસમાં જડતી કરી જથ્થાબંધ સાહિત્ય કબ્જે કર્યુ છે. જેમાં ૬૭ બોગસ લાયસન્સ, સ્કેનર વડે સ્કેન કરી એડિટીંગ કરેલા તેમજ પ્રિન્ટ કરાયેલા રાજકોટ જીલ્લા, શહેરની અલગ-અલગ સ્કૂલના વિદ્યાર્ર્થીઓના નામ સરનામા વગરના બોગસ તરીકે ઉપયોગમાં લેવા માટેના સ્કુલ લિવીંગ સર્ટિફિકેટ્સનો જથ્થો,   એક લેપટોપ, એક પ્રિન્ટર, સ્કેનર, બે મોબાઇલ ફોન, અલગ-અલગ સ્કૂલના સિક્કાઓ (રબ્બર સ્ટેમ્પ) ૭ નંગ તથા આરટીઓનો ૧ સિક્કો મળી કુલ રૂ. ૨૫ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

આરટીઓના અને સ્કૂલના સિક્કા ચોરીને મેળવ્યા કે પછી કોઇની પાસે આ સિક્કા પણ બોગસ બનાવડાવ્યા? તે સહિતના મુદ્દે તપાસ થતાં મોટી અને વધુ ધડાકાબંધ વિગતો બહાર આવવાની શકયતા છે. ઝડપાયેલા ત્રણેય એજન્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ૨૪ એપ્રિલ સુધીના રિમાન્ડ મળ્યા હોઇ ત્રણેયની વધુ પુછતાછ શરૂ કરવામાં આવી છે. (૧૪.૧૦)

(4:04 pm IST)