Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

જંગલેશ્વરના સંધી મા-દિકરો ૨૨.૩૩ લાખના મોરફીન ડ્રગ સાથે ઝબ્બે

હત્યાના ગુનામાં ૨૦ વર્ષની જેલ ભોગવી પાંચ મહિના પહેલા જ છુટેલા જંગલેશ્વરના રફિક બેલીમ (ઉ.૫૦)ને તેની માતા જુબેદા બેલીમ (ઉ.૭૦) સાથે એકટીવામાં રાત્રે માદક પદાર્થ લઇને નીકળતાં બંનેને દેવપરા ચોકમાંથી દબોચી લેવાયા : ક્રાઇમ બ્રાંચની ટીમે બંનેને હેરોઇનના સક્રિય ઘટક એવા ૨૨૩.૩૭૦ ગ્રામ મોરફીન સાથે પકડ્યાઃ જંગલેશ્વર વધુ એક વખત માદકદ્રવ્યોની હેરાફેરીનું હબ હોવાનું સ્પષ્ટ થયું: મા-દિકરો કયાંથી ડ્રગ્સ લાવતાં? કોને આપતાં? સહિતના મુદ્દે હવે પછી એસઓજી કરશે તપાસ : કોન્સ. મહેશ મંઢ અને નિશાંત પરમારની ચોક્કસ બાતમી : મોટા ભાગે કોલેજીયનોને 'પડીકી'ઓ આપતોઃ રેંટીયા તુવેરદાળની કોથળીમાં માદક પદાર્થ છુપાવ્યો'તો

તસ્વીરમાં કબ્જે થયેલું એકટીવા તથા માદક પદાર્થ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) : પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ એ. એસ. સોનારા, પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. અનિલ સોનારા, કોન્સ.મહેશ મંઢ, અજીતસિંહ  પરમાર સહિતની ટીમ

રાજકોટ તા. ૧૬: શહેરના યુવાધનને ખોખલુ કરી દેતાં માદક પદાર્થ ગાંજો, અફિણ, ચરસ, બ્રાઉન સ્યુગર સહિતના નશીલા પદાર્થના નેટવર્ક અગાઉ પોલીસે ભેદીને જંગલેશ્વરથી છેક સુરત સુધી તપાસનો દોર લંબાવ્યો હતો. વધુ એક વખત નશીલા પદાર્થની હેરાફેરીના હબ ગણાતા જંગલેશ્વરના મુસ્લિમ માતા-પુત્રને ક્રાઇમ બ્રાંચે રાત્રીના દેવપરા રોડ પરથી એકટીવામાં રૂ. ૨૨ લાખ ૩૩ હજાર ૭૦૦ની કિંમતના હેરોઇનના સક્રિય ઘટક એવા મોરફીન નામના ૨૨૩.૩૭૦ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે. આ બંને એકટીવામાં રેંટીયો તુવેરદાળની કોથળીમાં આ માદક પદાર્થ છુપાવીને જઇ રહ્યા હતાં અને ક્રાઇમ બ્રાંચની ટીમની બાતમી પરથી સકંજામાં આવી ગયા હતાં. હત્યાના ગુનામાં ૨૧ વર્ષની સજા ભોગવીને છુટેલા મુસ્લિમ પ્રોૈઢે વૃધ્ધ માતાની મદદથી નશીલા પદાર્થનો

વેપલો શરૂ કર્યો હતો. બંનેની વિશેષ તપાસ થઇ રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચની ટીમ રાત્રીના પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. મહેશભાઇ મંઢ અને  નિશાંતભાઇ પરમારને ચોક્કસ બાતમી મળી હતી કે જંગલેશ્વર શેરી નં. ૨૮ના છેડે તવક્કલ ચોકમાં નદી કાંઠે રહેતો રફિક ઇબ્રાહીમભાઇ બેલીમ (ઉ.૫૦) નામનો સંધી શખ્સ નશીલા પદાર્થની હેરાફેરી કરે છે અને તે તેની માતા સાથે આવો નશાકારક પદાર્થ લઇને દેવપરા ચોકવાળા રસ્તેથી નીકળવાનો છે. આ બાતમીને આધારે ટીમે વોચ રાખતાં રફિક એક વૃધ્ધાને એકટીવા નં. જીજે૩જેએમ-૪૬૮૯માં બેસાડીને નીકળ્યો હતો. આગળ રેંટીયો તુવેરદાળ લખેલી કોથળી હોઇ પોલીસે તેને અટકાવી કોથળીની તલાશી લેતાં અંદરથી શંકાસ્પદ પદાર્થ નીકળ્યો હતો.

આ પદાર્થ નશીલો હોવાની પાક્કી બાતમી હોઇ ક્રાઇમ બ્રાંચની ટીમે એફએસએલ અધિકારીને બોલાવી તપાસ કરાવતાં આ પદાર્થ હેરોઇનનો સક્રિય ઘટક ગણાતું એવું મોરફીન નામનું ડ્રગ હોવાનું સ્પષ્ટ થતાં પીએસઆઇ એ. એસ. સોનારાએ ફરિયાદી બની રફિક બેલીમ તથા સાથે એકટીવામાં બેઠેલી તેની માતા જુબેદા ઇબ્રાહીમભાઇ બેલીમ (ઉ.૭૦) સામે એનડીપીએસ એકટની કલમ ૮ (સી), ૨૧, ૨૯ મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી માદક પદાર્થ, એકટીવા, રોકડા રૂ. ૮૭૫૦, તુવેરદાળની થેલી મળી રૂ. ૨૨,૬૨,૪૫૦નો મુદ્દામાલ કબ્જે કરી બંનેની ધરપકડ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ રફિક બેલીમ અને તેના બે ભાઇઓએ  ૧૯૯૬માં મર્ડર કર્યુ હોઇ ત્રણેયને સજા પડતાં જેલમાં ગયા હતાં. જેમાં રફિક વીસ વર્ષની સજા કાપી પાંચેક મહિના પહેલા જ છુટ્યો છે. છુટતાની સાથે જ તેણે નશીલા પદાર્થનો વેપલો શરૂ કરી દીધો હતો. તે મોટે ભાગી આ પદાર્થની પડીકીઓ કોલેજીયન છાત્રો અને બીજા બંધાણીઓને વેચતો હોવાનું રટણ કરે છે. તે આ પદાર્થ કયાંથી લાવ્યો? બીજા કોને કોને સપ્લાય કરતો? તે સહિતના મુદ્દે વિશેષ તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાએ ચૂંટણી અંતર્ગત નશીલા દ્રવ્યો-દારૂની હેરફેરની પ્રવૃતિ સદંતર અટકાવવા સુચના આપી હોઇ તે અંતર્ગત પી.આઇ. એચ. અમ. ગઢવી, ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ એ. એસ. સોનારા, પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, હેડકોન્સ. અનિલભાઇ સોનારા,  નિલેષભાઇ ડામોર, યોગેન્દ્રસિંહ જાડેજા, પ્રતાપસિંહ ઝાલા, દિલીપભાઇ ગઢવી, ભકિતનગરના હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, ક્રાઇમ બ્રાંચના કોન્સ. મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર, હરદેવસિંહ રાણા, અજીતસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, તોરલબેન જોષી, નરેન્દ્રસિંહ રાણા સહિતની ટીમે આ કામગીરી કરી હતી. આગળની તપાસ એસઓજીના પીએસઆઇ એચ. એમ. રાણાને સોંપવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે અગાઉ જંગલેશ્વરમાંથી જ પોલીસે લાખોનો ગાંજો, બ્રાઉન સ્યુગર અને ચરસ સહિતના માદક પદાર્થો સાથે મહિલાઓ સહિતને દબોચ્યા હતાં અને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. એસઓજીની ટીમે આ તમામ કાર્યવાહી જે તે વખતે કરી હતી. ત્યાં ફરીથી ઝડપાયેલા મોરફીન ડ્રગ્સમાં જંગલેશ્વરનો શખ્સ અને તેની માતા સામે આવ્યા છે.

પોલીસ સુત્રોએ જણાવ્યા મુજબ જેલમાં સારી વર્તુણકને કારણે રફિકને સજા પુરી થાય એ પેહલા જ છોડી મુકવામાં આવ્યો હતો. પરંતુ છુટતાની સાથે જ તે માદક દ્રવ્યો વેંચવાના રવાડે ચડ્યો હતો. તેના બે ભાઇઓ આમદ અને અસલમ હજુ જેલમાં છે. અસલમ પેરોલ પર છુટ્યો ત્યારે તેણે ભકિતનગર પોલીસ મથક વિસ્તારમાં ફાયરીંગ કરી હત્યાની કોશિષનો ગુનો પણ આચર્યો હતો.  બાદમાં તેની ધરપકડ થતાં ફરી જેલહવાલે થયો હતો. આમદને કેન્સરની બિમારી છે.

પુત્ર રફિક સાથે ઝડપાયેલી તેની માતા અગાઉ માથાભારેની છાપ ધરાવતી હતી. મા-દિકરા બંનેની વધુ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થશે. જે ડ્રગ્સ કબ્જે થયું છે તેની આંતરરાષ્ટ્રીય બજારમાં ૧ કિલોના ૧ કરોડ ભાવ છે.

(3:21 pm IST)