Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

હોમિયોપેથીક કાંડમાં ૪૧ છાત્રો, ડીન, તબીબની સંડોવણીઃ ગમે ત્યારે ફોજદારી

હોમિયોપેથી એડમિશન ગેરરીતિ તપાસ સમિતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અહેવાલ જાહેરઃ બેદરકારી સબબ પરીક્ષા વિભાગને છાવરતી તપાસ સમિતિ : અમુક પ્રવેશમાં રૂ.૩ થી ૭ લાખના વહીવટ થયાનું બહાર આવ્યુઃ કોલેજ સામે પગલા લેવાની ભલામણ નહિં છતાં કાર્યકારી કુલપતિ પગલા ભરવા મક્કમ : ડો. ભરત વેકરીયાની ફરીયાદ પરથી તપાસ સમિતિએ શોધેલુ સત્ય બહાર આવ્યુ : પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરતા નેહલ શુકલ, ધિરેન પંડ્યા

રાજકોટ : પત્રકાર પરિષદમાં વિગતો આપતા નેહલ શુકલ, રજીસ્ટાર હિરેન પંડ્યા સમિતિના સભ્ય મિહીર રાવલ, સંજય ભાયાણી અને પ્રવકતા કિરીટ પાઠક નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૬ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત અને બહુ ગાજેલા હોમિયોપેથી કોલેજમાં બોગસ ડોકયુમેન્ટના આધારે પ્રવેશ મેળવવાના ષડયંત્રનો આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સત્ય શોધક સમિતિએ પર્દાફાશ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ કૌભાંડની વિગતો પત્રકાર પરિષદ સમક્ષ જાહેર કરીને હોમિયોપેથીક ફેકલ્ટીના ડીન અને એક ખંભાળીયાના તબીબ તેમજ બોગસ પ્રવેશ મેળવનાર ૪૧ વિદ્યાર્થીઓને દોષિત ઠેરવી ફોજદારી રાહે કડક પગલા ભરવાની ભલામણ કુલપતિને પ્રવેશ સમિતિએ કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોમિયોપેથીક એડમિશન, ગેરરીતિ તપાસ સમિતિના કોર્ડીનેટર ડો.નેહલ શુકલએ પત્રકાર પરીષદમાં હોમિયોપેથીક પ્રવેશકાંડની ચોંકાવનારી સનસનીખેજ વિગતો જાહેર કરી છે. જેમાં બોગસ ડોકયુમેન્ટને આધારે પ્રવેશ મેળવનાર ૪૧ વિદ્યાર્થીઓ ઉપરાંત ડીન અમિતાભ જોષી અને ખંભાળીયાના તબીબ સામે પોલીસ ફરીયાદ નોંધાવવાની ભલામણ કરી છે.

તપાસ સમિતિએ હોમિયોપેથીક બોગસ પ્રવેશ કાંડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના અમુક અધિકારી અને કર્મચારીઓને માત્ર બેદરકાર દાખવીને ગંભીર પગલામાંથી છાવર્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે.

તપાસ સમિતિની ભલામણને આધારે કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયાના માર્ગદર્શન તળે આજ સાંજ સુધી અથવા આવતીકાલ સુધીમાં ગમે ત્યારે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવશે.

કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયાએ પત્રકારોને જણાવ્યુ હતું કે ગંભીર બનાવમાં ગમે ત્યારે પોલીસ ફરીયાદ નોંધાશે તેમજ કોલેજ સામે પણ યુનિવર્સિટી કક્ષાએ પગલા ભરવામાં આવશે.

પત્રકારપરીષદમાં સત્યશોધક સમિતિના ડો. નેહલ શુકલ એ જણાવેલ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઇતિહાસમાં ખુબ દુઃખદ અને ચોકાવનારુ આ પ્રકરણ બની ગયું છે. હોમિયોપેથી ફેકલ્ટીના સેનેટ મેમ્બર ડો. ભરત વેકરીયાની માંગણી હતી કે સૌરાષ્ટ્રમાં હોમીયોપેથી ફેકલ્ટીમાં ''બોગસ માર્કશીટ'' ના આધારે દ્વિતિય વર્ષમાં ટ્રાન્સફર લઇને એડમીશન લેવાનું કોભાંડ ચાલી રહ્યું છે તેવા આક્ષેપના આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સદસ્ય ડો. નેહલ શુકલના કો-ઓર્ડીનેટરપદે કમિટીની રચના કરી હતી. જેમાં સદસ્યશ્રી તરીકે એમ.બી.એ. ભવનના અધ્યક્ષ ડો. સંજય ભાયાણી અને ફાર્મસી ભવનના અધ્યક્ષ ડો. મિહિર રાવલ તેમજ કાર્યકારી રજીસ્ટ્રારશ્રી ડો. ધીરેનભાઇ પંડયાની નિમણુક કરવામાં આવેલ હતી.

નેહલ શુકલે પત્રકાર પરીષદમાં જણાવેલ કે આ કમિટીએ સતત મેરેથોન મીટીંગો કરીને સમગ્ર કોભાંડના મુળ સુધી પહોચીને શિક્ષણમાં ચાલતા આ ગોરખધંધા ઉઘાડા પાડવાનો તેના કાર્યક્ષેત્રની મર્યાદામાં એક નિષ્ઠાવાન પ્રયત્ન કરી સત્ય ઉજાગર કરવા માટે તલસ્પર્શી રીપોર્ટ આજે જાહેર કર્યો છે.

કમિટીએ તપાસની શરૂઆત તો ડો. ભરત વેકરીયાની ફરીયાદ મુજબ પાંચ વિદ્યાર્થીઓથી શરૂ કરી હતી. પરંતુ જેમ જેમ તપાસમાં ઉંડા ઉતર્યા ત્યારે લાગ્યું કે આ કોૈભાંડ દેખાય છે તેના કરતા ઘણું વધારે છે અને તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમીયોપેથી ફેકલ્ટીના ડીન સિવાયના બહારના વ્યકિતઓની પણ સંડોવણી છે. આથી કમિટીના સીધી ફરજ અને અસરમાં ન આવતું હોવા છતાં કમિટીએ આ બહારના સૂત્રધારને ઓળખી કાઢવાની દિશામાં પોતાનું ધ્યાન કાર્યરત કર્યુ અને તેના ફળસ્વરૂપે તે વ્યકિત વિરૂધ્ધના પુરાવા પણ એકત્ર કર્યા છે.

વિદ્યાર્થીઓના પ્રશ્ને વિચાર કરતી સમિતિના ડો. નેહલ શુકલના મતે આ કોૈભાંડમાં જે વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટ દ્વારા ખોટી રીતે ડીગ્રી પ્રાપ્ત કર્યાનો જે અનૈતિક અને ગેરકાયદેસર પ્રયાસ કર્યો છે તેઓને કેટલા અંશે દોષિત ગણવા કે ન ગણવા તેના પર ખુબ ચર્ચા વિચારણા કરીને કમિટી એ તારણ પર પહોચી છે કે વિદ્યાર્થીઓ દ્વારા સભાનતાપૂર્વક આ કૃત્યમાં નાણાં વડે વ્યકિતગત લાભ મેળવવાની વૃતિ ગેરકાયદેસર કાર્ય હોવા છતાં છતી થાય છે. જે આ દેશ માટે સારી નિશાની નથી. માટે સમગ્ર વિદ્યાર્થી આલમ આવી ખોટી પ્રવૃતિ થી દુર રહે તેવો સંદેશો આપવા તેઓની સામે પણ આઇ.પી.સી.ના ધારાધોરણો મુજબ ફરીયાદ નોંધાવવાની ભલામણ કરી છે.

નેહલ શુકલ એ તેના અહેવાલમાં આ સિવાય જે કોલેજમાં આ વિદ્યાર્થીઓએ એડમિશન લીધાં છે ત્યાંનાં પ્રિન્સીપાલશ્રીઓ આમાં સીધા નૈતિક રીતે અને કાનુની રીતે જવાબદાર તો છે જ અને તેઓના મુખ્ય ટ્રસ્ટીઓએ પણ તેઓની કોલેજમાં આવું કૃત્ય ન થાય તે સુનિશ્ચિત કરવુ જોઇએ તેવુ કમિટી તેના રીપોર્ટમાં સ્પષ્ટ જણાવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સંબંધિત અધિકારીઓ દ્વારા પણ તેમની કામગીરી યોગ્ય રીતે નથી કરવામાં આવી અને ફરજમાં બેદરકારી દાખવવામાં આવી છે તેવું સ્પષ્ટપણે માને છે.

સમિતિએ વધુમાં જણાવેલ કે કમિટીની તપાસ બોગસ વિદ્યાર્થીઓ સામે ચાલું હતી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગેરમાર્ગે દોરવા આ કોૈભાંડ સાથે સંકડાયેલા લોકોએ જે તે સંબંધિત યુનિવર્સિટીના બોગસ ઇ-મેઇલ આઇ.ડી., બનાવીને તેના દ્વારા ઇમેઇલ કરવામાં આવ્યા છે તે ગુન્હેગારોનું બેખોફપણું છતું કરે છે. તેની આ કમિટી નોંધ લઇને તે વિશે ઇનફોર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ ''સાયબર ક્રાઇમ'' માં ફરીયાદ નોંધાવવાની અને ૬૬-ડી નો તેમાં સમાવેશ કરવાની ભલામણ કરે છે.

ડો. નેહલ શુકલએ અહેવાલના અંતમાં જણાવ્યુ હતું કે ડો. અમીતાભ ભાઇ જોશી અને તેમના સાથીદાર ડો. કાદરી સામે આઇ.પી.સી. ની કલમ ૪૬૩, ૪૬૪, ૪૬૫,૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૭૪, અને ૧૨૦ (બી) તેમજ ૪૨૦ ની કલમો મુજબ ફરીયાદ નોંધાવવાનો તેમજ વિદ્યાર્થીઓ સામે આઇ.પી.સી. ૪૬૩, ૪૬૪, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, અને ૪૭૪ મુજબ ફરીયાદ નોંધાવવાની ભલામણ કરે છે. આ સિવાય પોલીસ તપાસમાં અન્ય કોઇની સંડોવણી ખૂલે તો તેમની સામે પણ ફરીયાદ નોંધાવવા ભલામણ કરે છે.

આટલાં કડક પગલા લેવાની ભલામણ એટલે કરવામાં આવે છે (કલમ ૪૬૭ માં આજીવન કેદ થી ૧૦ વર્ષની સજાની જોગવાઇ છે) જેથી શિક્ષણ જેવાં પવિત્ર તેમ જ જેઓ ભવિષ્યમાં ડોકટર બનીને દેશના લોકોના આરોગ્યનું ખ્યાલ રાખવાના છે તેવા ક્ષેત્રમાં લેભાગું તત્વો કોઇ ગેરકાયદેસર પ્રયત્ન ન કરે અને સમાજમાં એક સારો અને કડક સંદેશો જાય એવા વિચારને ''કેન્દ્રસ્થાને'' રાખીને અમારી આ ભલામણ છે. તેમ તપાસ સમિતિના સંયોજક ડો.નેહલ શુકલએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું.(૩૭.૧૩)

(4:18 pm IST)
  • અમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST

  • પશ્ચિમ બંગાળમાં જોરદાર આંધી :8ના મોત :કેટલાય ઘાયલ :બે અલગ અલગ જગ્યાએ દુર્ઘટના : મૃતકોમાં ચાર લોકો કોલકાતાના અને ચાર લોકો હાવડાના રહેવાશી access_time 1:35 am IST

  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST