Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

સ્‍ટ્રેસથી મુક્‍ત થવા નશો એક માત્ર રસ્‍તો નથી, યોગ પ્રાણાયામની મદદ પણ લઇ શકાય : શ્રી શ્રી રવિશંકરજી

આર્ટ ઓફ લિવિંગ દ્વારા અમદાવાદમાં યોજાયો ‘ડ્રગ્‍સ ફ્રી ઇન્‍ડિયા' કાર્યક્રમ : વિવિધ ક્ષેત્રના દિગ્‍ગજોની ઉપસ્‍થિત

રાજકોટ : એક સર્વે મુજબ નશાખોરી ને કારણે ભારતમાં પ્રતિદિન ૧૦ વ્‍યક્‍તિ આત્‍મહત્‍યા કરે છે. ત્‍યારે આ સમસ્‍યાનું નિવારણ કરવા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી આર્ટ ઓફ લિવિંગ સંસ્‍થા દ્વારા ૨૦૧૯ માં ‘ડ્રગ્‍સ-ફ્રી ઇન્‍ડિયા' કેમ્‍પેઇનનો આરંભ કરવામાં આવ્‍યો હતો. જેમાં પ્રખ્‍યાત બોલીવુડ અભિનેતા સંજય દત્તે સ્‍વાનુભવ રજૂ કરીને પોતાનો સહયોગ આપ્‍યો હતો. કપિલ શર્મા, વરુણ ધવન, પરિણીતિ ચોપરા સહિત ફિલ્‍મ-ટીવીના અનેક કલાકારોએ આ ઉદાત્ત કાર્યની પ્રશંસા કરીને પોતાની ઉપસ્‍થિતિ દ્વારા સહયોગ આપ્‍યો હતો. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે કે જયારે સ્‍ટ્રેસની માત્રા ખૂબ વધી જાય છે, ત્‍યારે આ અત્‍યાધિક સ્‍ટ્રેસથી મુક્‍ત થવા વ્‍યક્‍તિ નશાકીય પ્રવૃત્તિ તરફ વળે છે. પરંતુ જયારે તેમને યોગ, પ્રાણાયામ અને ધ્‍યાનનાં માધ્‍યમ દ્વારા સ્‍ટ્રેસ દૂર કરવાનું શિક્ષણ પ્રાપ્ત થાય છે, ત્‍યારે જીવન પ્રત્‍યેનો તેમનો અભિગમ બદલાઈ જાય છે. આર્ટ ઓફ લિવિંગ, ગુજરાત ટેક્‍નોલોજિકલ યુનિવર્સીટી, જી૨૦ સમિટના સંયુક્‍ત ઉપક્રમે ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ' યોજનાના ભાગરૂપે ‘ડ્રગ્‍સ ફ્રી ઇન્‍ડિયા' કાર્યક્રમનું આયોજન તાજેતરમાં સાયન્‍સ સીટી-અમદાવાદ ખાતે કરવામાં આવ્‍યું હતું. પ્રસ્‍તુત કાર્યક્રમમાં, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી, કેબિનેટ મિનિસ્‍ટર-ઇન્‍ડસ્‍ટ્રી, સિવિલ એવિએશન, રૂરલ ડેવલપમેંટ બળવંતભાઈ રાજપૂત, રાજયના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, અંદાજિત ૫૦૦૦ થી પણ વધુ યુવા-છાત્ર નેતાઓ, જીટીયુના કુલપતિ સહીત રાજયની યુનિવર્સીટીઓના વાઇસ ચાન્‍સેલર્સ તથા ગુજરાતના અગ્રણી અને નામાંકિત વિવિધ ક્ષેત્રોના મૂર્ધન્‍ય કલાકારોઃ સાઈરામ દવે, ઓસમાણ મીર, કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, આદિત્‍ય ગઢવી, કિંજલ દવે, જીગરદાન ગઢવી, હિતુ કનોડિયા, ભક્‍તિ કુબાવત, યતિ ઉપાધ્‍યાય ગઢવી, સ્‍મિત પંડયા, મોનલ ગજ્જર, મિતાલી મહંત, આરજે દિપાલી, આરજે સિડ, ધારા શાહ, અલ્‍પાબેન પટેલ, આંચલ શાહ, મીરાંદે શાહ, જગદીશ ત્રિવેદી, મલ્‍હાર ઠાકર, નીતુ જૈન તથા અન્‍ય કલાકારો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ ધારાબેન શાહ અને મિતાલી મહંતએ કંઠ્‍ય સંગીતની સુંદર કૃતિઓ દ્વારા કરાવ્‍યો હતો.  ત્‍યાર બાદ પ્રખ્‍યાત બોલીવુડ કલાકાર મનોજ જોશીએ જણાવ્‍યું કે આજે ભારત પાસે સૌથી વધુ માત્રામાં યુવા ધન છે. એટલે જ તેને નિર્બળ બનાવવા આ દૂષણ વધુને વધુ ફેલાવાઈ રહ્યું છે. તેમણે વિદ્યાર્થીઓને મંત્ર આપ્‍યો કે - ‘ચલો, ભારત કો વિકસિત બનાયે, નશે કો પૂરે દેશ સે ભગાયે!' પ્રખ્‍યાત બોલીવુડ કલાકાર સંજય દત્તે વિડીયો મેસેજથી સંબોધન કર્યુ હતુ. આર્ટ ઓફ લિવિંગના ડ્રગ્‍સ ફ્રી ઈન્‍ડિયા સેવા પ્રોજેક્‍ટના સીઈઓ શ્રીમતી હિમાબેન પરીખે આ અભિયાન વિષે માહિતી આપી હતી. બાદમાં ઉપસ્‍થિત દરેક કલાકારોએ પોતાની કલાની ઝલક રજૂ કરી હતી. જીટીયુ ના વાઇસ ચાન્‍સેલર ડો. પંકજરાય પટેલે પણ આર્ટ ઓફ લિવિંગ ના સેવા કાર્યોની પ્રશંસા કરી હતી તથા યુવાનોને ડ્રગ્‍સના ક્ષણિક અનુભવ કરતાં, સેવા જેવાં અન્‍યસ્ત્રોતમાંથી ચિરસ્‍થાયી પ્રસન્નતા મેળવવા માટે કાર્યો કરવા સૂચન કર્યું હતું. પૂજય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ ઉપસ્‍થિત બધા વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્‍યા કે ‘નશા ના કરેંગે, ના કરને દેંગે'. ડ્રગ્‍સ ફ્રી ઇન્‍ડિયા અભિયાન અંતર્ગત, આ દૂષણને નાથવા આર્ટ ઓફ લિવિંગ સંસ્‍થા દ્વારા દેશની અનેક શૈક્ષણિક સંસ્‍થાઓમાં સોશ્‍યલ વેલનેસ, અવેરનેસ એન્‍ડ ટ્રેનિંગ ક્‍લબની રચના કરવામાં આવી છે. છેલ્લા ૧૫ વર્ષથી આર્ટ ઓફ લિવિંગ આ સમસ્‍યાનાં નિવારણ માટે સેવારત છે, ૨૫૦૦૦ જેટલી વ્‍યક્‍તિઓએ આર્ટ ઓફ લિવિંગના પ્રયત્‍નોથી નશાનો ત્‍યાગ કર્યો છે, અને ફરીથી સુંદર જીવનનો પ્રારંભ કર્યો છે. ગુજરાતમાં આ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે, ત્‍યારે પ્રખ્‍યાત યુવા કલાકાર પેરી એ ડ્રગ્‍સ ફ્રી ઈન્‍ડિયા સેવા પ્રોજેક્‍ટ માટે થીમ સોંગ ની રચના કરી છે, જેની પ્રસ્‍તુતિ પણ કરવામાં આવી હતી. રાજયના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંદ્યવીએ ગુરુદેવ શ્ર્રી શ્રી રવિશંકરજી પ્રતિ આભાર વ્‍યક્‍ત કરીને, ગુજરાત સરકારનાં કાર્યોની પણ પ્રશસ્‍તિ કરી હતી

(4:14 pm IST)