Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

ઇંગ્લેન્ડથી રાજકોટ આવેલા યુવાનને કોરોનાની શંકાઃ રિપોર્ટની જોવાતી રાહ

જર્મનીથી આવેલા રાજકોટના યુવાનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતાં રજા અપાઇ

રાજકોટ તા. ૧૭: કોરોનાએ વિશ્વભરમાં ફફડાટ ફેલાવી રાખ્યો છે. ગુજરાતમાં પણ આરોગ્ય તંત્ર સતત એલર્ટ છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાય તો તેવા દર્દીઓ માટે ખાસ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા જર્મનીથી આવેલા એક યુવાનને કોરોનાની શંકા સાથે દાખલ કરાયો હતો. તેનો રિપોર્ટ ગત સાંજે જાહેર થયો છે, જે નેગેટિવ આવતાં સોૈએ રાહત અનુભવી છે. ત્યાં વધુ એક રાજકોટના યુવાનને કોરોનાની શંકા સાથે દાખલ કરવામાં આવ્યો છે. તેનો રિપોર્ટ સાંજે જાહેર થશે. આ યુવાન ઇંગ્લેન્ડથી રાજકોટ પરત આવ્યો છે.જાણવા મળ્યા મુજબ ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરતો ૧૯ વર્ષનો યુવાન રાજકોટ પરત આવતાં તેનામાં કોરોનાના લક્ષણ જોવા મળતાં સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. લોહીના નમુના લઇ જામનગર લેબોરેટરીમાં મોકલાયા છે. જેનો રિપોર્ટ સાંજે જાહેર થશે. રાજકોટ જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદી મુજબ હાલ રાજકોટ ગ્રામ્યમાં ૯૧ લોકો અને રાજકોટ સીટીમાં ૧૮૪ લોકો એવા છે જે વિદેશથી પરત આવ્યા છે. જેમાંથી ગ્રામ્યમાં ૩૪ અને શહેરમાં ૭૬ લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. જેમાંથી હાલ કોઇનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી. આ તમામ વિદેશથી રાજકોટ શહેર અને જીલ્લામાં આવેલા લોકો છે.

ગઇકાલે સિવિલમાં એક ૧૯ વર્ષના યુવાનને દાખલ કરાયો છે. જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ યુવાન ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરતો હોઇ ત્યાંથી પરત આવ્યા બાદ શંકાસ્પદ લક્ષણો જણાયા હતાં.

(11:41 am IST)