Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

જૈનમ દ્વારા ૨૯મીએ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાશે

જૈનોના ચારેય ફીરકાઓના સંઘો અને સંસ્થાઓ દ્વારા ધર્મયાત્રા- ધર્મસભાનું આયોજનઃ વિજયભાઈ ઉપસ્થિત રહેશેઃ સાધુ- સાધ્વીજીઓ આશીર્વચન ફરમાવશે

 રાજકોટઃ તા.૧૭, જૈનમ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને તા.૨૯ને ગુરૂવારના રોજ શ્રમણ ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતગર્ત વીર પ્રભુની ધર્મયાત્રા ' ત્રિશુલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી' ના ગગન ભેદી નાદ સાથે યોજાશે. તે દિવસે ગુરુવાર સવારે ૮ કલાકે કિશાનપરા ચોકથી પ્રારંભ, જીલ્લા પંચાયત ચોક (અકિલા ચોક), ડો. યાજ્ઞિક રોડ , સ્વામી વિવેકાનંદ પ્રતિમા, જીમખાના રોડ, મોટી ટાંકી ચોક, હરીહર ચોક, ચોૈધરી હાઇસ્કુલ સવારે ૧૦ કલાકે પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે  ધર્મસભામાં પરિવર્તીત થશે.

આ ધર્મયાત્રા પુજનીય સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં ૨૪ આકર્ષક ફલોટ્સ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક- શ્રાવિકાઓ જોડાશે. આ ધર્મયાત્રામાં પ્રભુવીરના જીવનદર્શનને લગતા ફલોટસ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક- સામાજીક પ્રવૃતિઓના ફલોટસ, જીવદયાના ફલોટસ, સામેલ થશે ઉપરાંત ધર્મયાત્રાનાં રૂટ ઉપર રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભીત કરેલ કાર- બાઇક સવારો, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભુષા, રાસની રમઝટ બોલાવાતી રાસ મંડળી, સુરાવલી રેલાવતા બેન્ડ પાર્ટીની જમાવટ જામશે.

 ફલોટસ બનાવનાર તમામને રૂ.   ૮૦૦૦ની સબસીડી ઉપરાંત શ્રેષ્ઠપાંચ ફલોટસને ઇનામો આપવામાં આવશે. ધર્મયાત્રાની શરૂઆતમાં લકકી ડ્રોની ટીકીટો આપવામાં આવશે. જેનો ડ્રો ધર્મસભામાં કરવામાં આવશે.  ધર્મયાત્રામાં જૈન સમાજના બાળકો વેશભુષા સાથે બહોળી સંખ્યામાં જોડાશે. આ વેશભુષામાં જોડાનારને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

 આ મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ વિશેષ હાજરી આપશે. સમીયાણામાં સ્ટેજ સાથે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મુર્તિપુજક સંઘોના સાધુ- સાધ્વીજીઓની પાવનનિશ્રામાં શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે સાધુ- સાધ્વીજી ઓ  આશીર્વચન ફરમાવશે. વકતા શ્રી  જગદિશભાઇ ત્રિવેદી ધર્મસભાને સંબોધશે.

 શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનાં સ્વામી વાત્સલ્યનાં પાસ તમામ ઉપાશ્રય તથા દેરાસર, દિગંબર મંદીર, શ્રી મદ્દ રાજચંદ્ર મંદીર સહિતની સંસ્થામાંથી વ્યકિત દીઠ રૂ.૧૦ આપી મેળવી લેવા પાસ વિતરણ તા.૨૫ રવિવાર સુધી જ કરવામાં આવશે.

આ આયોજનમાં રાજકોટનાં શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ, શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ (માંડવી ચોક દેરાસર), શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, શ્રી શાલીભદ્ર સરદાનગર જૈન સંઘ, શ્રી સદર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી આનંદનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી રામકૃષ્ણનગર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી ભકિતનગર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી ગીતગુર્જરી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી નેમીનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી ઈન્દ્રપ્રસ્થ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી નાલંદા જૈન સંઘ, શ્રી મનહરપ્લોટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય વિ.તેમજ તમામ જૈન સોશ્યલ ગ્રુપ્સ જેમ કે મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, વિ.જોડાશે.

(4:17 pm IST)