Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

પ્રદેશ કોંગ્રેસે બાલધા માટે આદેશ આપ્યો, ખાટરિયા જુથે વિનુભાઇને સિંચાઇ સમિતિના અધ્યક્ષ બનાવ્યા

જિલ્લા પંચાયતમાં કામકાજના છેલ્લા ૬ મહિના બાકી છતાં જુથવાદ-બળવાના-ફુંફાડા : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વ્હીપ લઇને આવ્યા પણ કહેવાતી 'સર્વાનુમતી' આગળ કંઇ ન ચાલ્યું

રાજકોટ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા વિનુભાઇ ધડુકને પંચાયતના સભ્યો અર્જુન ખાટરિયા, અવસરભાઇ માકિયા, હેતલબેન ગોહેલ, ભાવનાબેન ભૂત, પરસોતમભાઈ લુણાગરીયા, એડવોકેટ જીજ્ઞેશ નાનજીભાઇ ડોડિયા વગેરેએ શુભેચ્છા પાઠવેલ તે પ્રસંગેની તસ્વીર(૨-૧૫)

રાજકોટ, તા. ૧૭ :. જિલ્લા પંચાયતમાં સ્વ. નાનજીભાઈ ડોડિયાના અવસાનથી ખાલી પડેલી સિંચાઈ-સહકાર સમિતિના અધ્યક્ષની ચૂંટણી માટે આજે બપોરે સમિતિના સચિવ કાર્યપાલક ઈજનેર શ્રી માંકડિયાની હાજરીમાં બેઠક મળેલ. જેમાં કોંગ્રેસ પ્રદેશ નેતાગીરીએ નક્કી કરેલ મનોજ બાલધાના નામમાં ફેરફાર કરી અર્જુન ખાટરિયા જુથે વિનુભાઈ ધડુકને અધ્યક્ષ બનાવી દેતા પંચાયત વર્તુળમાં ચર્ચા જાગી છે.

સિંચાઈ સમિતિમાં બાલધા અને ધડુક ઉપરાંત હેતલબેન ગોહેલ અને પરસોતમ લુણાગરીયા સભ્ય છે. આજે પ્રદેશ કોંગ્રેસ તરફથી વિજય દવેએ અધ્યક્ષ પદ માટે મનોજ બાલધાના નામનો વ્હીપ મોકલાવેલ. આ વ્હીપ લઈને ખુદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક પૂર્વેની થોડી મિનીટોમાં ખાટરિયા જુથે મનોજ બાલધાને બાગી અને પંચાયત પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસ દરખાસ્તની સહી કરવામાં મોખરે રહ્યાનું જણાવી તેના નામનો વિરોધ કર્યો હતો. બાકીના સભ્યોએ વિનુભાઈને જ અધ્યક્ષ બનાવવાનું નક્કી કરી દીધેલ. આ બાબતની પ્રદેશ નેતાગીરીને જાણ કરવામાં આવેલ. વ્હીપના ધજાગરા ઉડી જશે તેવુ જણાતા આખરે પ્રદેશ સમિતીના સભ્યો ઈચ્છે તેને અધ્યક્ષ બનાવવા મૌખિક છૂટ આપી હતી. સમિતિની બેઠક મળતા લુણાગરીયાએ વિનુભાઈના નામની દરખાસ્ત મુકેલ. તેને હેતલબેને ટેકો આપેલ. મનોજ બાલધા પાસે પોતાના નામની દરખાસ્ત કરનાર કે ટેકો આપનાર કોઈ હતુ જ નહિં. આખરે સર્વાનુમતે વિનુભાઈ અધ્યક્ષ ચૂંટાયા હતા. હિતેશ વોરાએ પોતે આ બાબતે પ્રદેશ નેતાગીરીને અહેવાલ મોકલશે તેમ જણાવ્યુ હતું.

અર્જુન ખાટરિયાએ જણાવેલ કે જામકંડોરણા તાલુકામાંથી ભાવનાબેન ભૂત અધ્યક્ષ છે. તે જ તાલુકાના મનોજ બાલધાના બદલે જસદણ પંથકમાંથી ચૂંટાયેલા વિનુભાઈ ધડુકને અધ્યક્ષ બનાવવા સમિતિના બાકીના સભ્યોમાં સર્વાનુમતી હતી. અમે વાસ્તવિકતા અને સભ્યોની લાગણી પ્રદેશ નેતાઓ સુધી પહોંચાડેલ. ત્યાંની સહમતી બાદ જ વિનુભાઈને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. વ્હીપનો પત્ર આવ્યો હશે પરંતુ સભ્યોને કોઈએ મનોજ બાલધાના નામના વ્હીપની સત્તાવાર બજવણી કરી નથી.

જિલ્લા પંચાયતમાં વર્તમાન ચૂંટાયેલી પાંખના કામકાજના ૬ મહિના જેટલા સમય બાકી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી પંચાયતમાં ચાલતી જુથવાદ અને બળવાની પ્રવૃતિ હજુ બંધ થઈ નથી. આજે વધુ એક વખત આંતરિક બગડેલી સ્થિતિ સામે આવી ગઈ છે.

(3:44 pm IST)