Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

મંગળવારની સાંજ શહિદોના નામે... વીરતાને વંદન ઓસમાણ મીરના સંગાથે 'શૂરાં'જલિ'

'ન્યુઝ ૧૮ નેટવર્ક', 'ન્યુઝ ૧૮ ગુજરાતી' તથા પ્રિન્ટ પાર્ટનર 'અકિલા'ના સંગાથે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત કાર્યક્રમમાં દેશભકિત છલકી ઉઠશેઃ કાર્યક્રમના પાસ છ સ્થળોએથી વિનામુલ્યે મેળવી શકાશેઃ ઓસમાણ મીર અને સાજીંદાઓ ખડો કરશે દેશભકિતનો માહોલઃ દેશની આન બાન અને શાન એવા શહિદોને સૂરોથી સલામી આપવા રાજકોટવાસીઓને ઉમટી પડવા ન્યુઝ ૧૮ના એડિટર રાજીવ પાઠકનું આહવાન

રાજકોટ તા. ૧૪: જમ્મુ-કાશ્મીર પુલવામા આતંકી હુમલાના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે અને સર્વત્ર આક્રોશની જ્વાળા પ્રગટી રહી છે. સમગ્ર દેશવાસીઓ શહિદોને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે અને આતંકીઓને ભરી પીવાની માંગણી કરી રહ્યા છે. ઠેર-ઠેરથી દેશવાસીઓ શહિદોને હિતાર્થે આર્થિક મદદનો પણ ધોધ વહાવી રહ્યા છે. લોકો લગ્ન સમારંભો સહિતની પાછળના ખર્ચા બંધ રાખી એ રકમ શહિદોને અર્પણ કરી રહ્યા છે. દેશ માટે જેઓ પોતાના પ્રાણની આહુતિ આપીને અમર થઇગયા, એ શૂરવીરોની વિરગતીને દેશ કયારેય નહિ ભુલે. 'ન્યુઝ ૧૮ ગુજરાતી'  અને પ્રિન્ટ પાર્ટનર 'અકિલા'પણ આ વીરોને વંદન કરી રહ્યું છે. દેશની આન બાન અને શાન એવા શહિદોને સૂરોથી સલામી આપવા ન્યુઝ ૧૮ ગુજરાતી દ્વારા ૧૯મીએ એટલે કે મંગળવારે સાંજે ૮ કલાકે રેસકોર્ષ મેદાનમાં 'શૂરાંજલિ' શિર્ષક હેઠળ એક કાર્યક્રમ યોજાશે. જેમાં લોકલાડીલા ગાયક ઓસમાણ મીર સૂરોથી વીર શહિદોને અંજલી આપશે. આ કાર્યક્રમમાં રાજકોટવાસીઓને પણ સામેલ થવા ન્યુઝ ૧૮ ગુજરાતીના એડિટર રાજીવ પાઠકે આહવાન કર્યુ છે.

'કસુંબલ ડાયરો' એવું શિર્ષક પ્રારંભે નક્કી કરાયું હતું. પરંતુ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં આપણા દેશની શરહદોનું રક્ષણ કરતાં ૪૪ જવાનો શહિદ થઇ જતાં હવે આ કાર્યક્રમની સમગ્ર રૂપરેખા બદલી નાંખવામાં આવી છે. દેશ આખો જ્યારે શોકમાં છે ત્યારે કસૂંબલ ડાયરામાં હવે નકરી દેશભકિત નીતરશે.  ન્યુઝ ૧૮ ગુજરાતીએ યોજેલા આ કાર્યક્રમને 'શૂરાંજલિ' એવું નામ અપાયું છે અને તેમાં ઓસમાણ મીર પોતાની આગવી છટામાંં વીરજવાનોને સૂરોથી અંજલી આપી દેશભકિતનો માહોલ ખડો કરશે.

 મંગળવારે સાંજે ૮ કલાકે શરૂ થનારા આ કાર્યક્રમના 'ન્યુઝ૧૮ નેટવર્ક, 'ન્યુઝ ૧૮ ગુજરાતી' અને 'અકિલા ડેઇલી' મિડીયા પાર્ટનર છે. શૂરાંજલિના આ કાર્યક્રમમાં રાજકોટના રહેવાસીઓ ઓસમાણ મીરની સાથે સૂર મિલાવી શહિદવીરોને અંજલિ આપી શકે તે માટે વિનામુલ્યે એન્ટ્રી પાસ આપવામાં આવશે.  આ માટેના ફ્રી પાસ મેળવવા માટે (૧) જોહર કાર્ડસ યાજ્ઞિક રોડ, (૨) ન્યુઝ ૧૮ ગુજરાતી રાજકોટની ઓફિસ-ધનરજની કોમ્પલેક્ષ-૮૦૫, યાજ્ઞિક રોડ, (૩) જીવરાજાની ટીવીએસ-વોકહાર્ટ હોસ્પિટલ પાસે (૪) હાલ્ડા કોમ્પ્યુટર્સ-ડો. યાજ્ઞિક રોડ, પરિમલ પ્રકાશ સામે, (૫) જડ્ડુસ રેસ્ટોરન્ટ-પ્રેમ મંદિરની સામે કાલાવડ રોડ તથા (૬) કૃતિ ઓનેલા, ૧૫૦ ફુટ રીંગરોડ, ફોર્ચ્યુન હોટેલની સામે. એમ છ સ્થળોએથી મેળવવાના રહેશે.

(3:37 pm IST)