Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ગ્રંથોમાં સચવાયેલા વારસાનું (બે લાખ પાના)નું ડીઝીટલાઇઝેશનઃ કુંડળના સંતો દ્વારા સેવા

ગુજરાતી ભવનમાં રાત દિ' ધમધમાટઃ સુચિપત્રો સાથે ગોઠવણ

રાજકોટ તા. ૧૭ :.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવન હેઠળના મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રમાં કુંડળધામના સંત શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી અક્ષરદેહે રહેલા બે લાખ પાનાનું સ્કેનીંગ કરી ભવ્ય વાસાને કોમ્પ્યુટરમાં સાચવવાનું ભગીરથ અભિયાન ચાલી રહ્યું છે.

 

આ હસ્તપ્રતભંડારમાં વિવિધ ભાષાના ગ્રંથો સચવાયા છે, જેમાં સંસ્કૃત, હિન્દી, વ્રજ, પ્રાકૃત, ગુજરાતી, રાજસ્થાની, માગધી, મરાઠી, ગુરૂમુખી, ઉર્દુ, કચ્છી અને ફારસી ભાષાની મહત્વની રચનાઓ છે. આ હસ્તપ્રતભંડારામાં સાહિત્ય, સંસ્કૃતિ, ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, જયોતિષ, છંદશાસ્તર, અલંારશાસ્ત્ર, શબ્દકોશ, વ્યાકરણશાસ્ત્ર અને આયુર્વેદ વિશેની વિગતો મળે છે. ભારતની ભવ્યતાને ઉજાગર કરતા આ ગ્રંથોમાં સચવાયેલ વારસાનું વૈજ્ઞાનિક પધ્ધતીએ જતન કરીને તેનું ડીજીટલાઇઝેશન કરવાનો વિચાર કુલપતિશ્રી પ્રો. પ્રતાપસિંહ ચૌહાણને આવ્યો.

ભગવાન સ્વામીનારાયણ મહારાજશ્રીની પૂર્ણ કૃપાથી શ્રી સ્વામીનારાયણ મંદિર કુંડળધામના શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી અને બ્રહ્મપ્રકાશ સ્વામી વગેરે સંતોના આશીર્વાદ મળ્યા.

શ્રી સ્વામીનારાયણ મંદિર, કુંડળધામના સંશોધન વિભાગની આખી ટીમ છેલ્લા અઠવાડીયાથી આ વિદ્યાકીય પ્રવૃતિ માટે સેવારત છે. જે પંદરેક દિવસ કાર્યરત રહેશે. જેમાં ૮૦ જેટલા કાર્યકર્તાઓ રાત-દિવસ સંતોના માર્ગદર્શનમાં પૂર્ણ ભકિતભાવથી સેવા કરે છે. કુલસચિવ શ્રી ડો. ધીરેન પંડયાના માર્ગદર્શનમાં મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક શ્રી અંબાદાન રોહડીયા, સહનિયામક શ્રી જે. એમ. ચંદ્રાવાડીયા અને તેમની ટીમ કાર્યરત છે.

(4:21 pm IST)