Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

જેમાં ગોળી ખૂંપી ગઇ'તી એ બારીની ફ્રેમ, હિમાંશુના નેણ અને માથા પાછળની ચામડી, પીએસઆઇનો ડ્રેસ, રિવોલ્વર, કાર્ટીસ બધુ એફએસએલમાં મોકલાયું

પીએસઆઇ ચાવડા બે દિવસના રિમાન્ડ પરઃ કહ્યું-અચાનક જ આવું થઇ ગયું, નિર્દોષ મિત્રના મોતનો કાયમ માટે અફસોસ રહેશે

રાજકોટ તા. ૧૭: એસટી પોલીસ ચોકીમાં પીએસઆઇ પી. પી. ચાવડાથી અકસ્માતે સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છૂટીને તેના જ મિત્ર હિમાંશુ ગોહેલને નેણ પાસે ખૂંપી જઇ માથા પાછળથી નીકળી તાં હિમાંશુનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં પોલીસે ગુનો નોંધી પીએસઆઇની ધરપકડ કરી છે. તેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. પોલીસે તપાસના ભાગ રૂપે ફૂટલી ગોળી પોલીસ ચોકીની બારીની ફ્રેમમાં ખૂંપી ગઇ હતી એ ફ્રેમ-ગોળી, મૃતક હિમાંશુના નેણ પાસેની ચામડી તથા માથા પાછળ જ્યાંથી ગોળી નીકળી એ ચામડી, સર્વિસ રિવોલ્વર, તમામ કાર્ટીસ, પીએસઆઇએ જે તે વખતે પહેરેલા કપડા સહિતની ચીજવસ્તુઓ કબ્જે કરી ફોરેન્સિક લેબમાં તપાસ માટે ગાંધીનગર મોકલ્યા છે.

આ ઉપરાંત હેન્ડવોશ, નખ, લોહીના નમુના પણ લેવામાં આવ્યા છે. પીએસઆઇ પી.પી. ચાવડાને ગઇકાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેના વિવિધ કારણો રજૂ કરવામાં આવતાં અદાલતે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં. પીએસઆઇ ચાવડા નવું કવર લાવ્યા હોઇ તેમાં પોતાની લોડેડ સર્વિસ રિવોલ્વર મુકી રહ્યા હતાં એ વખતે જ અકસ્માતે ટ્રીગર દબાઇ જતાં ગોળી છૂટી હતી અને એ સેકન્ડે જ ચોકીનો દરવાજો ખોલી અંદર આવેલા તેના મિત્ર હિમાંશુને લાગી જતાં તેનું મોત થયું હતું. આ ઘટનાથી પીએસઆઇ ચાવડા ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે. સતત બે દિવસથી તે આંસુ વહાવી રહ્યા છે અને પોતાનાથી ગંભીર ભુલ થઇ ગયાનું કહી રહ્યા છે. નિર્દોષ મિત્ર પોતાની જ ભૂલને કારણે મોતના મુખમાં ધકેલાઇ ગયાનો અફસોસ જિંદગીભર રહેશે તેવું તે જણાવી રહ્યા છે.

ડીસીપી રવિમોહન સૈની અને એસીપી એ. એસ. ટંડેલની રાહબરીમાં પીઆઇ એન. કે. જાડેજા, એએસઆઇ રણજીતસિંહ ઝાલા, દિપકભાઇ રાઠોડ, વિજયસિંહ જાડેજા સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે. પીએસઆઇની સર્વિસ રિવોલ્વર, કાર્ટીસ ઉપરાંત યુનિફોર્મ, મોબાઇલ ફોન પણ કબ્જે કરી એફએસએલમાં મોકલવા તજવીજ કરવામાં આવી છે. તપાસના ભાગ રૂપે આ કાર્યવાહી થઇ છે.

જુવાનજોધ હિમાંશુ અકાળે કાળનો કોળીયો બની જતાં વૃધ્ધ માતા-પિતા, સગર્ભા પત્નિ, છ વર્ષની પુત્રી, બહેનો સહિતના સ્વજનો ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે. ગઇકાલે ન્યાયી તપાસની ખાત્રી બાદ મૃતદેહ સંભાળવામાં આવ્યો હતો.

(3:59 pm IST)