Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

એટ્રોસીટી-પોકસો છેડતીના ગુન્હામાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ-છૂટકારો

રાજકોટ તા.૧૭: રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ ઇ.પી.કો.કલમ-૩૫૪ (ડી),૧૧૪, પોકસો એકટની કલમ-૧૨ અને ૧૭ તથા એટ્રોસીટી એકટની કલમ-૩ તથા પ મુજબ પોતાની સગીર વયની પુત્રીની છેડતી, પોકસો અને એટ્રોસીટીના ગુના સબબ, ફરીયાદ નોંધાવેલ. ત્યારબાદ સદરહુ ફરીયાદ કોર્ટમાં ચાલવા માટે આવતા રાજકોટના સ્પે. પોકસો સેસન્સ કોર્ટએ કેસની હકીકીતો ધ્યાને લઇ, આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

કેસની વિગતો મુજબ ફરીયાદીએ ગત તા.૧૮-૫-૨૦૧૮ના રોજ આરોપી જયેશ મગન ડાભી તથા ભરત મગન ડાભીએ પોતાની સગીરવયની પુત્રીને ઘરની બહાર બોલાવી, તેણીની જબરજસ્તીથી રીક્ષમાં બેસાડી પરાણે પ્રેમસંબંધ રાખવા દબાણ કરેલ, જેથી ફરીયાદીની સગીરવયની પુત્રીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા બંને આરોપીએ તેણીની સાથે ઝઘડો કરેલ ત્યાર ફરીયાદીની સગીરવયની પુત્રીએ ઘરે આવી બનાવ અંગે વાત કરતા, ફરીયાદીએ બંને આરોપી વિરૂધ્ધ ઉપરોકત ગુનાઓ અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરેલ પોલીસએ તપાસના અંતે બંને આરોપીઓ વિરૂધ્ધ ઉપરોકત ગુના સબબનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરેલ.

આ કેસ રાજકોટની સ્પે.પોકસો સેસન્સ કોર્ટમાં ચાલી જતાં આરોપીઓ તરફે રોકાયેલ વકીલ વિવેક એલ. ધનેશાએ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ અને કાનુની જોગવાઇઓ મુજબ આરોપીઓને નિર્દોષ સાબિત કરતી દલીલોમાં રજુઆત કરેલ કે પોલીસએ શંકાના આધારે આ કેસના આરોપીઓની ધરપકડ કરેલ છે. તેમજ કોર્ટ દ્વારા ફરીયાદી, સાહેદો, પંચો વિગેરેને તપાસવામાં આવેલ છે. જેમાં આરોપીઓ વિરૂધ્ધ કોઇ પુરાવો રેકર્ડ પર આવેલ નથી. જેથી નામદાર સ્પે.પોકસો કોર્ટએ બંને પક્ષોની દલીલો, સાક્ષીઓના નિવેદનો તથા હાઇકોર્ટ સુ.કો.ના ચુકાદાઓ ધ્યાને લઇ, બંને આરોપીઓ જયેશ મગન ડાભી તથા ભરત મગન ડાભીને નિર્દોષ જાહેર કરતો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કાર્યવાહીમાં આરોપીઓ જયેશ મગન ડાભી તથા ભરત મગન ડાભી વતી વિવેક ધનેશા, જિજ્ઞાશા જાની, માલવિકા ભટ્ટ, એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(3:58 pm IST)