Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

કાલથી રાજકોટ પ્રજાસત્તાક પર્વના રંગે રંગાશેઃ અશ્વ શો-એર શો

કાલથી મુખ્યમંત્રી રાજકોટમાં: ૧૧૦૦ કરોડના ૪૩૦ લોકાર્પણ-ખાતમુર્હુતઃ મહેમાનો માટે આવાસ અંગે દોડધામઃ ખીરસરામાં નવી GIDCના ૪૭૧ પ્લોટ ડ્રો દ્વારા અપાશેઃ બે ડઝન બસો ભાડે લેવાઇઃ જીલ્લામાં ૧૪મી GIDC

રાજકોટ તા. ૧૭ :.. આવતીકાલથી રાજકોટ આઝાદીના પ્રજાસત્તાક પર્વના રંગે રંગાશે, કાલથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમાં રાજકોટમાં ર૬ મી જાન્યુ.ની રાજયકક્ષાની ઉજવણીનો રંગારંગ પ્રારંભ થશે, અને તે સાથે મહેમાનોની વણઝાર પણ શરૂ થશે, મહેમાનો-મીનીસ્ટરો- સચીવો, હાઇલેવલ અધિકારીઓ નામાંકિત કલાકારો માટે સરકીટ હાઉસ, પથીકાશ્રમ, સીટી ગેસ્ટ હાઉસ વિગેરે બુક કરી લેવાયા છે, આમ છતાં આવાસો માટે પુરવઠા તંત્ર દોડધામ કરી રહ્યું છે.

કાલે ભવ્ય અશ્વશો, અને દિલધડક - અફલાનૂન એર-શો યોજાશે, તો ખીરસરામાં નવી જીઆઇડીસીના ૪૭૧ પ્લોટની ડ્રો દ્વારા ફાળવણી થશે મેદની એકઠી કરવા બે ડઝન એસટી બસો ભાડે કરાઇ છે, જીલ્લામાં આ ૧૪ મી જીઆઇડીસીનું લોકાર્પણ થશે.

કલેકટર રેમ્યા મોહને પત્રકાર પરિષદ યોજીને લોકાર્પણ, પુસ્તકમેળા, સંમેલનો, રંગારંગ કાર્યક્રમોની વિગતો કલેકટરે જણાવ્યું હતું કે, તા. ૧૮ ના સવારે ૯ થી ૧૦.૧પ મીનીટે પોપટપરા ખાતે આવેલી માઉન્ટેન પોલીસ લાઇન ખાતે અશ્વ શો યોજાશે. જેમાં પોલીસ હોર્સ, કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસીએશન તેમજ કામા સોસાયટી ગોંડલના સદસ્યોના અશ્વો દ્વારા બેરલ રેસ, ગરો લેવો, અશ્વદોડ સાથેની મટકીફોડ, ટેન્ટ પેગીંગ અને જમ્પીંગ જેવા કરતબો રજૂ કરાશે.

અશ્વોની જાત, ચાલ, દોડ, બ્રિડ અંગે પણ વિગતો આપવામાં આવશે. આ કાર્યક્રમનું  ઉદઘાટન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવશે.

બાદમાં બપોરે વિજયભાઇ રૂપાણીનાં હસ્તે ૧૧ થી ૧ર ખિરસરા જી.આઇ.ડી.સી.ના ૪૭૧ પ્લોટનો ડ્રો યોજાશે. ડ્રોની વિધી પુર્ણ થયા બાદ બપોરે ૪ થી ૪.૪પ એર શો ન્યુ રેસકોર્સ ખાતે યોજાશે જેમાં દિલધડક એરોસ્પોર્ટસ દર્શાવવામાં આવશે. સીવીલ એવિએશન વિભાગ અને ગુજરાતની બેટી એવી કેપ્ટન ચાંદની મહેતાની રાહબરી હેઠળ યોજાશે.

આ કાર્યક્રમમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિથી મુખ્યમંત્રીને આવકારવામાં આવશે. મધ્યમ અને નાના એરક્રાફટ દ્વારા કરતબો અને કલાબાજી દર્શાવાશે. સાથે હોટ બલુન દ્વારા ૩૦૦ ફુટની ઉંચાઇ સુધી ઉડાન ભરવામાં આવશે.

૧૦૦ ફુટની ઉંચાઇ સુધીનું પેરાસેઇલિંગ યોજાશે. આવો એર શો રાજકોટ સૌરાષ્ટ્રમાં  પ્રથમ વખત યોજાઇ રહ્યો છે. અને તેને લોકો નિશુલ્ક માણી શકશે.

તા. ર૪ ના ચૌધરી હાઇસ્કુલ ખાતે સાંજે ૬.૪પ કલાકે મશાલ પી. ટી. યોજાશે. રાતે મનપા દ્વારા વિરાણી હાઇસ્કુલના મેદાનમાં મનપા આયોજીત સંગીત સંધ્યા ૮.૩૦ થી ૧૦ સુધી યોજાશે.

આ ઉપરાંત લોધીકા તાલુકાના ખીરસરા ગામે જિલ્લાની ૧૪ મી ઔદ્યોગીક વસાહત ૯,ર૬,૩૦૬ ચો. મી. માં ઉભી કરવામાં આવી છે. જેમાં  ૪૦૦ મીટરથી લઇને ૩ હજાર ચો. મી.ના પ્લોટ માટે કુલ ૯૪૯૬ અરજીઓ આવી છે જે પ્લોટની ફાળવણીના ડ્રોનો કાર્યક્રમ કાલે સવારે ૧૦.૩૦ કલાકે ખીરસરા ઔદ્યોગીક વસાહત ખાતે યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે ગોંડલ - લોધિકા અને રાજકોટના ઉદ્યોગકારોને સમારોહના સ્થળે લાવવા અને લઇ જવા માટે ર૪ ખાનગી બસો બાંધવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ખીરસરા ગામે જીઆઇડીસી માટે જે જગ્યા સરકારે ફાળવી હતી તેનો સૌ પ્રથમ વકત રૂ. ૬પ૦૦નો પ્રતિ ચોરસ મીટરો ભાવ નકકી કરવામાં આવતા તેની સામે ઉદ્યોગકારોનો વિરોધ વંટોળ ઉઠયો હતો. ત્યારબાદ સરકારે ઉદ્યોગકારોની માગણીને અનુસારીને રૂ. રપ૦૦ ચો. મી. નો દર નકકી કર્યો હતો. જયાં રસ્તા, લાઇટ, પાણી સહિતની સગવડો હજુ ઉભી કરવામાં આવી રહી છે. આ  નવનિર્મિત જીઆઇડીસીની બાજુમાં હજુ બીજી જીઆઇડીસી માટે રર એકર જમીન ફાળવવામાં આવી છે. અલબત તે જમીનના ભાવ હજુ નકકી થયા નથી. પરંતુ નાના ઉદ્યોગકારો માટે અત્યારે જે ખીરસરામાં જમીન ફાળવવામાં આવી છે ત્યાં તા. ૧૮ નાં ડ્રો યોજવામાં આવ્યા બાદ લાભાર્થીઓને ફાળવણી પત્ર એનાયત કરવામાં આવશે.

(11:06 am IST)