Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

જય જવાન - જય કિશાન સોસાયટીમાં ગંદા પાણીના વિતરણથી અમિત અરોરા ચોંકી ઉઠયા : તાત્કાલિક ફરિયાદ નિકાલ કરાવી

આજે મ્યુ. કમિશનરે વોર્ડ નં. ૪માં લોકોના પ્રશ્નો સાંભળ્યા : બાંધકામ સાઇટ પર ગંદકી અંગે બિલ્ડર પાસેથી દંડ વસુલ્યો

રાજકોટ તા. ૧૬ : મ્યુ. કમિશનર દરરોજ એક વોર્ડમાં રૂબરૂ મુલાકાત લઇ લોકોના પ્રશ્નો સાંભળી તેનો સ્થળ પર જ નિકાલ કરવાના પ્રયાસો કરે છે. આજે વોર્ડ નં. ૪માં તેઓએ જય જવાન જય કિશાન સોસાયટીમાં ગંદા પાણી વિતરણની સમસ્યા નિકાલ કરાવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સુવિધા સજ્જ બનાવવા અને શહેરીજનોને ગુણવત્તા સેવાઓ આપી શકાય તે માટે રોજબરોજ કરવામાં આવતી કામગીરી વ્યવસ્થિતરીતે ચાલે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દરરોજ એક એક વોર્ડમાં જઈને કામગીરીની સમીક્ષા કરે છે. આ અનુસંધાને કમિશનરે આજે વોર્ડ નં.૪માં વોર્ડ ઓફિસે રૂબરૂ જઈ ત્યાં બેસીને સંબંધિત તમામ અધિકારીશ્રીઓ પાસેથી સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

મ્યુનિ. કમિશનરે આ વોર્ડમાં કુલ વિસ્તાર, વસતિ, વિવિધ રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજિયક એરિયા, ટેકસ વસુલાતની કામગીરી, વોર્ડના તમામ વિસ્તારોની નળ જોડાણો અંગેની સ્થિતિ, જાહેર સ્વચ્છતા, વોંકળા સફાઈ, ડ્રેનેજ, કોવીડ વેકસીનેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ લગત કામગીરી વગેરે મુદ્દાઓની સમીક્ષા કરી હતી.

વોર્ડ નં. ૪ ફેરણી દરમ્યાન જય જવાન જય કિશાન સોસાયટીમાં પીવાના પાણીમાં ગંદુ પાણી ભળતું હોવાની ફરિયાદનો તત્કાલ નિકાલ કરવામાં આવ્યો હતો. મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ આ ફરિયાદ નિકાલની કામગીરીનિ સમીક્ષા કરી હતી. સાથોસાથ આ સોસાયટી પાસે મોબાઈલ વાન દ્વારા કોવીડ વેકસીનની જે કામગીરી થઇ રહી હતી તેની સમીક્ષા પણ કરી હતી.

આ વોર્ડમાં ડી માર્ટ વાળા રોડ પર રાજ હાઈટ્સ સામે ચાલુ બાંધકામની એક સાઈટને કારણે જાહેર માર્ગ પર ગંદકી થતી હોઈ, મ્યુનિ. કમિશનરે તુર્ત જ દંડની કાર્યવાહી કરવા ટીપી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને સૂચના આપી હતી. આ ઉપરાંત કમિશનરે વોર્ડમાં હાલ ચાલી રહેલી કોવીડ વેકસીનેશન, ટેકસ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરીની સમીક્ષા કરી હતી. આગામી મહિનાઓમાં વોર્ડમાં બાકી મિલકત વેરાની વસુલાત અંગે ચર્ચા કરી હતી.

આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, સિટી એન્જી. વાય. કે. ગૌસ્વામી, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડો. સાગઠીયા, આરોગ્ય અધિકારી ડો. લલિત વાંઝા, નાયબ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, આસી. કમિશનર વાસંતીબેન પ્રજાપતિ, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, આસી. ટાઉન પ્લાનિંગ  વી.વી.પટેલ અને વોર્ડ નં. ૨ના વોર્ડ ઓફિસર હેમાદ્રીબા ઝાલા હાજર રહ્યા હતા.(

(3:28 pm IST)