Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રાજકોટના સરધારની રૈયતે બતાવેલ ખમીર સામે બ્રીટીશ શાસકો ઘુંટણીએ પડી ગયેલ

રાજકોટ નજીકનું નાનુ એવુ ગામ સરધાર હાલ સ્વામિનારાયણ ભગવાનના અતિ ભવ્ય અને દિવ્ય સ્થાપિત મંદિરની મુર્તિ પ્રાણપ્રતિષ્ઠાના જાજરમાન કાર્યક્રમના સમાચારથી ખુબ જ છવાયેલુ છે. આ શુભ પ્રસંગે સરધાર અને રાજકોટની પ્રજાએ સને ૧૯રર જાન્યુઆરીના સફળ સત્યાગ્રહના રસપ્રદ ઈતિહાસ જાણવા જેવો છે.

સમગ્ર દેશ ગાંધીજીની આગેવાની નીચે માતૃભુમિને આઝાદ કરાવવાની લડતમાં એકઝુટ થઈ ગુંથાઈ ગયેલો. સમાજના તમામ વર્ગના લોકો જાગૃત થઈ બ્રિટીશ હકુમતના અન્યાયી એક એક મુદે લલકારતા અને પડકારતા હતા. દેશ આઝાદ થવાના પંથે મકકમતાથી આગળ વધી રહેલ.

કાઠીયાવાડના દેશી રજવાડાઓ ઉપર અંકુશ અને દેખભાળ રાખવા બ્રિટીશ શાસકોએ રાજકોટ ખાતે કોઠી સ્થાપી પોલિટીકલ એજન્ટનું મુખ્ય મથક રાખેલ જેના ચીફ અધિકારી તરીકે મી. વુડ કાર્યરત હતા એ સમયની આ વાત છે. મી. વુડ એ બ્રિટીશ શાસકના મુંબઈના ગવર્નર સર લોઈડ જયોર્જને રાજકોટના પ્રવાસે આવી મહેમાન બનવા આમંત્રણ આપેલ અને ગવર્નરશ્રીના ભવ્ય સત્કાર માટે રજવાડાઓને સતાના જોરે જોડવામાં આવેલ. રાજવીઓ પણ બ્રિટીશ શાસકોને પ્રિય થવા આ કાર્યક્રમને સફળ બનાવવા વધુ પડતી રકમ વાપરવા લાગેલ.

આ કાર્યક્રમના ભાગરૃપે સરધારના તળાવમાં ગવર્નર માટે બતકના શિકાર માટે પણ ખાસ આયોજન કરેલ. ભવ્ય સત્કાર કાર્યક્રમની પ્રજાને જાણ થતાં આ કાર્યક્રમ પાછળ બેફામ ખર્ચ અને શિકાર બાબતે પ્રજામાં નારાજગી અને વિરોધની લાગણી ઉત્પન્ન  થવા લાગી.

રાજકોટ સરધારની પ્રજા એ સમય કાળમાં ખબ જ ધાર્મિક હતી અને જીવહિંસા બાબતે ઉંડી આસ્થા અને અમલની આગ્રહી હતી. રાજકોટ રાજવી ખુદ આ ભાવના સાથે સહમત હોવાથી સમગ્ર રાજયમાં તમામ પ્રકારના શિકાર ઉપર પ્રતિબંધ હતો.

સરધાર તળાવમાં ગવર્નરને શિકાર કરાવવાના આયોજન બાબતે પ્રજામાં ખુબ જ નારાજગી અને રોષ જન્મી ચુકેલ. પ્રજાનો આ રોષ અને વિરોધ અંગે કાઠીયાવાડ રાજકીય પરિષદના પ્રજાના આગેવાન શ્રી મનસુખભાઈ મહેતાએ બ્રિટીશ શાસકોને પત્ર અને તારથી સમગ્ર પરિસ્થિતિ વાકેફ કર્યા હતા.

આ રજુઆતના સંદર્ભમાં રાજકોટ ખાતેના બ્રિટીશ અધિકારી શ્રી વુડે શ્રી મનસુખભાઈ મહેતા અને શ્રી મણીભાઈ કોઠારીને રૃબરૃ બોલાવી આ વિરોધ અને સત્યાગ્રહ કરવાની બાબતે સખ્ત નારાજગી દર્શાવી પ્રજાના આગેવાનોનું અપમાન કરી આ ચળવળ ખત્મ કરવા મી. વુડે સરમુખત્યારી વલણ દાખવી બન્ને આગેવાનો તાત્કાલિક રાજકોટ રાજય અને બ્રિટીશ હદ છોડી દેવા ફરમાન જાહેર કરેલ. બન્ને આગેવાનોને બળજબરી પૂર્વક પકડી રેલ્વેમાર્ગ મારફત વિરમગામ ખાતે ધકેલી દીધા.

બ્રિટીશ શાસનના આ તાનાશાહી કાર્યની ગાંધીજીને જાણ થતાં તેઓએ 'યંગઈન્ડીયા'માં બ્રિટીશ શાસકોની સખ્ત શબ્દોમાં ટીકા આલોચના કરતા. જેના પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડવા લાગ્યા. જેથી રાજકોટ સરધારની જનતા પણ ઉત્સાહ અને જોમમાં આવી ઉગ્ર આંદોલન અને સત્યાગ્રહ માટે વધુ થતાં સક્રિય થઈ વિવિધ કાર્યક્રમ જાહેર કરવા લાગી. ગેરકાયદેસર શિકાર પ્રશ્ન પ્રજાના સ્વમાનનો સવાલ બની ગયો.

જાણકારોના મતે આ સમગ્ર બાબતની જાણ બ્રિટીશ હકુમતના ઉચ્ચ સતાધિશોને લંડન ખાતે થઈ જતાં તેઓએ ઉભી થયેલ સ્થિતિ અને ભવિષ્યની પરિસ્થિતિને લક્ષમાં રાખી બ્રિટીશશાસનને આ આંદોલનથી મુકત, દુર રાખવા મુંબઈના ગવર્નરને આ સમગ્ર કાર્યક્રમ તાત્કાલિક રદ કરવા આદેશ આપી બ્રિટીશ શાસકોએ પીછેહઠ કરી પ્રજા સમક્ષ હાર સ્વિકારી લીધેલ. એ સમયની રાજકોટ અને સરધારની જનતાની ખુમારી અને જાગૃતિને લાખ લાખ વંદન.

 -ઃ સંકલનઃ-

તખુભા રાઠોડ, મો.૯૮ર૪ર૧૬૧૩૦

(2:59 pm IST)