Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

બ્રહ્માકુમારીઝ દ્વારા બુધવારથી 'ગીતા જ્ઞાન ઉત્સવ'

નાના મવા સર્કલ ખાતે તા. ૧૮ થી રર સુધી આયોજન : માઉન્ટ આબુ વાળા ઉષાદીદી જ્ઞાનવાણી પીરસશે

રાજકોટ તા. ૧૬ : નિષ્કામ ભાવથી કર્મ કરવાનો ઉપદેશ આપતી શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનું સ્થાન હિંદુ ધર્મગ્રંથોમાં સર્વોપરી છે. ત્યારે ગીતાનું જ્ઞાન પીરસવા બ્રહ્માકુમારીઝ દ્વારા આગામી તા. ૧૮ થી ૨૨ સુધી રાજકોટમાં 'ગીતા જ્ઞાન ઉત્સવ' નું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા બ્રહ્માકુમારીઝના બહેનોએ જણાવેલ કે સેલ્ફ મેનેજમેન્ટ તથા ગીતા જ્ઞાનના પ્રખર વકતા રાજયોગીની બ્રહ્માકુમારી ઉષાદીદી માઉન્ટ આબુવાળા આ ગીતા જ્ઞાન ઉત્સવમાં અમૃત જ્ઞાનવાણીનો લાભ આપશે.

બ્રહ્માકુમારી ઉષાદીદીનો સંસ્કાર, આસ્થા, જી જાગરણ, સોની ટીવી પર નિયમિત પ્રવચન કાર્યક્રમ પ્રસારીત થઇ રહ્યો છે. માઉન્ટ આબુમાં ૩૫ વર્ષથી સમર્પિત ઉષાદીદી એક વરીષ્ઠ રાજયોગ શિક્ષિકા અને મેનેજમેન્ટ ટ્રેનર છે. અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સેમીનારો સંબોધી ચુકયા છે.

નાના મવા સર્કલ, સીલ્વર હાઇટ સામેના મેદાનમાં યોજાયેલ આ ઉત્સવનું મંગલ ઉદ્દઘાટન તા. ૧૮ ના સાંજે ૪.૩૦ વાગ્યે આધ્યાત્મિક મહાનુભાવોના હસ્તે કરાશે. રર મી સુધી દરરોજ સવારે ૬.૩૦ થી ૮ તનાવમુકત જીવન, ભયમુકત જીવન, ક્રોધમુકત જીવન અને સકારાત્મક જીવન વિષયો પર ઉષાદીદી માર્ગદર્શન આપશે.

જયારે દરરોજ સાંજે ૪.૩૦ થી ૬ ના સેસનમાં ગીતા જ્ઞાન દાતા કોણ?, ગીતાનું જ્ઞાન આપણા સુધી કયારે અને કેવી રીતે આવ્યુ?, શું ખરેખર ગીતામાં વર્ણિત યુધ્ધ હિંસક છે કે અહિંસક?, ધર્મક્ષેત્ર અને કુરૂક્ષેત્રનો ભાવાર્થ શું છે? તે અંગે તલસ્પર્શી માર્ગદર્શન અપાશે.

સમગ્ર ઉત્સવને સફળ બનાવવા બ્રહ્માકુમારી ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ બ્રહ્માકુમારીઝના ભાઇ બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા બ્રહ્માકુમારી રેખાબેન, બ્રહ્માકુમારી જયશ્રીબેન, બ્રહ્માકુમારી કોમલબેન નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:49 pm IST)