Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મહેસૂલ હડતાલઃ રાજકોટ શહેર-જીલ્લાના તમામ ઇ-ધરા જનસેવા કેન્દ્રોમાં ૧૦ થી ૧ર હજાર અરજીના ઢગલા

ચારે બાજુ કામો અટકી પડયાઃ અરજદારોમાં પ્રચંડ રોષઃ ગાંધીનગર સુધી ફરીયાદો... : પુરવઠાની ઝોનલ કચેરીઓમાં પ થી ૭ હજાર જેટલા રેશનીંગ કાર્ડ કામગીરીની અરજી

રાજકોટ તા. ૧૬: રાજયમાં મહેસૂલી કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે, અને તેની ગંભીર અસર તમામ જીલ્લામાં અરજદારોના કામો ઉપર પડી છે. રાજકોટ શહેર-જીલ્લાની વાત કરીએ તો કુલ ૧૧ તાલુકામાં ઇ-ધરા-જનસેવા કેન્દ્રો આવેલા છે.

આ ઉપરાંત પુરવઠાની પોણો ડઝન ઝોનલ કચેરીઓ આવેલી છે, ઉપરોકત તમામ કેન્દ્રો કચેરીમાં હડતાલને કારણે ગત તા. ૯ ડીસેમ્બરથી તમામ મહેસુલી કામગીરી ઠપ્પ થઇ ગઇ છે.

આજે હડતાલનો ૮મો દિવસ છે, બે દિ' રજા બાદ કરીએ તો છ દિવસમાં તમામ કેન્દ્રો-ઝોનલ કચેરીઓ થઇને અંદાજે ૧૦ થી ૧ર હજાર અરજીના ઢગલા થઇ ગયા છે, તેમાં આવકના દાખલા, ક્રીમીલેયર, નોનક્રીમીલેયર, ૭/૧રના ઉતારા, ૬/અ ની કોપી-તમામ સોગંદનામાનો સમાવેશ થાય છે, દરરોજ એક કેન્દ્ર ઉપર એવરેજ ર૦૦થી વધુ અરજીઓ આવે છે, તાલુકા દીઠ કાર્યવાહી હોય છે, રાજકોટ તાલુકામાં તો મોટી લાઇનો લાગે છે, આવી જ રીતે પુરવઠાની ઝોનલ કચેરીઓમાં પણ ૬ થી ૮ દિવસમાં પ થી ૬ હજાર રેશનીંગ કાર્ડની અરજી-કાર્ડના ઢગલા   થઇ ગયાનું બહાર આવ્યું છે.

અરજદારો રોજેરોજ ધકકા ખાય છે, પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે, ગાંધીનગર સુધી ફરીયાદો-રજુઆતો થઇ છે.

(3:44 pm IST)