Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

આપઘાતની ફરજ પાડવાના ગુનામાં ફરાર જીણો દુધરેજીયા નાથુ પીપળીયા ગામે સાધુ બનીને રહેતો'તોઃ રાજકોટ એસઓજીએ શોધી કાઢ્યો

૬ વર્ષ પહેલા ભાગીદાર પ્રવિણભાઇ દેસાણીને પાંચ લાખનો ધુંબો મારી મરી જવા મજબુર કર્યાનો ગુનો થોરાળા પોલીસમાં દાખલ થયો'તો

રાજકોટઃ ભાગેડુ આરોપીઓને શોધી કાઢવાની પોલીસની ઝુંબેશ વેગવંતી બની છે. રાજકોટ એસઓજીએ આપઘાતની ફરજ પાડવાના ગુનામાં ચાર વર્ષથી ફરાર ગોંડલ રોડ શકિતનગર સોસાયટી પાછળ ૨૫ વારીયામાં રહેતાં જીણા રઘુરામ દુધરજીયા નામના પ્રૌઢને લોધીકાના નાથુપીપળીયા ગામેથી ઝડપી લીધો છે. આ પ્રૌઢ સાધુ બની 'મનુબાપુ'નું નામ ધારણ કરીને રહેતો હતો.

વર્ષ ૨૦૧૨માં જય બાલાજી મશીન ટુલ્સ નામે કારખાનુ ધરાવતાં પ્રવિણભાઇ દેસાણીએ આપઘાત કરી લીધો હતો. જે તે વખતે તપાસમાં તેના ભાગીદાર જીણાભાઇ રઘુરામભાઇ દુધરેજીયાએ ભાગીદારીવાળી પાંચ લાખની લોન ભરપાઇ ન કરી પ્રવિણભાઇને મરવા મજબુર કરતાં તેણે આપઘાત કરી લીધો હતો. આ અંગે થોરાળા પોલીસમાં ૧૯૬/૨૦૧૨ મુજબનો આઇપીસી ૩૦૬ હેઠળગુનો નોંધાયો હતો.

ત્યારથી જીણા દુધરેજીયા ફરાર હતો. દરમિયાન આ શખ્સ હાલમાં નાથુપીપળીયા ગામે મનુબાપુ નામ ધારણ કરી સાધુ બનીને રહેતો હોવાની બાતમી એસઓજીના હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. ગિરીરાજસિંહ જાડેજા અને ગિરીરાજસિંહ ઝાલાને મળતાં પી.આઇ. એસ. એન. ગડુની રાહબરીમાં આ ત્રણેય કર્મચારીઓ તથા પીએસઆઇ એચ. એમ. રાણા, ઓ.પી. સિસોદીયા, હેડકોન્સ. વિજયભાઇ શુકલ, આર. કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, કોન્સ. જયંતિગીરી, અનિલસિંહ, નિર્મળસિંહ, ચેતનસિંહ, વિજયસિંહ, હરદેવસિંહ, વિજેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ, બ્રિજરાજસિંહ, ફિરોઝભાઇ, યુવરાજસિંહ સહિતે જીણા ઉર્ફ મનુબાપુને પકડી લઇ થોરાળા પોલીસને સોંપ્યો છે.

(11:36 am IST)